• Mon. Jun 27th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ત્રીજીવાર કોરોના ત્રાટકે તો સરકાર પહોંચી વળવા તૈયાર છે!

રાજ્યમાં સંભવિત કોરોનાના ત્રીજા વેવનો સામનો કરવા સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આરોગ્યલક્ષી મુશ્કેલીઓ ન પડે તે માટે ટેસ્ટિંગથી માંડીને હોસ્પિટલમાં યોગ્ય સારવાર સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ કહ્યું કે હોસ્પિટલોમાં સ્ટાફ, ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ રાજ્ય સરકાર જો કોરોનાની ત્રીજી લહેર આવે તો સંપૂર્ણ સજ્જ છે. સંભવિત ત્રીજી વેવને આવતી અટકાવવી-તીવ્રતા ઇન્ટેસીટી ઘટાડવી અને સંભવિત આ ત્રીજી વેવમાં કેસો વધે તો સારવાર પ્રબંધનમાં પહોચી વળવા આરોગ્ય તંત્રનું ક્ષમતા વર્ધન કરવું નો બેવડો વ્યૂહ અને રણનીતિ સરકાર દ્વારા અપનાવવામાં આવી હોવાનું સીએમએ કહ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારે આ સંભવિત ત્રીજી લહેરમાં જો બીજી લહેર કરતાં બે ગણા કેસીસ વધી જાય તો તેને ધ્યાનમાં લઇને સમગ્ર રણનીતિ હાલના તબક્કે ઘડી છે.

ઉલ્લેખનીય છે કે, બીજી લહેરમાં હોસ્પિટલમાં જગ્યા ન હોવી, ઓક્સિજન અને દવાઓની અછત, સ્ટાફની અછત સહિત મામલે સરકાર પર લોકોનો ફિટકાર વરસ્યો હતો ત્યારે સરકાર હવે ત્રીજા વેવમાં તૈયાર હોવાનું કહી રહી છે.

 • કેવી તૈયારીઓ છે?
 •  બીજી લહેરમાં રાજ્યમાં એક્ટિવ કેસ ૧.૪૮ લાખ હતા તેની સામે સંભવિત ત્રીજી શહેરમાં ૨.૫ લાખ એક્ટિવ કેસ થાય તો તેને લક્ષમાં રાખી ઓક્સિજન બેડની સંખ્યા ૬૧,૦૦૦ વધારી ૧,૧૦,૦૦૦ કરવાની કાર્યયોજના ઘડી કાઢવામાં આવી છે.
 •  રાજ્યમાં આઇ.સી.યુ. બેડની સંખ્યા ૧૫ હજારથી વધારીને ૩૦ હજાર કરવામાં આવશે, વેન્ટિલેટરની સંખ્યા ૭ હજારથી વધારે ૧૫ હજાર કરવામાં આવશે અને રાજ્યમાં કોવિડ ફેસિલિટી ૧૮૦૦થી ૨૪૦૦ કરવામાં આવશે.
 •  સંભવિત ત્રીજી લહેરમાં ઓક્સિજનની માંગને પહોંચી વળવા ઓક્સિજન ક્ષમતા ૧૧૫૦ મેટ્રીક ટનથી ૧૮૦૦ મેટ્રિક ટન, પી.એસ.એ. પ્લાન્ટ ૨૪ થી ૪૦૦ તથા પી.એસ.એ. પ્લાન્ટની ક્ષમતા ૨૦ મેટ્રિક ટનથી ૩૦૦ મેટ્રિક ટન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સંખ્યા ૭૦૦થી વધારે ૧૦,૦૦૦ કરવામાં આવશે. ગુજરાત ઓક્સિજનમાં પગભર બને તેવી નેમ રાખવામાં આવી છે.
 •  રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બી, ટોસિસ્લિઝુમેબ, ફેવિપેરાવિર ટેબલેટ વગેરે દવાઓના બીજા વેવમાં થયેલા વપરાશને આધારે ત્રીજા સંભવિત વેવ માટે પૂરતો જથ્થો પ્રોક્યોર કરવામાં આવશે.
 •  કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે પૂરતું માનવબળ ઊભું કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રીએ સ્પેશિયાલિસ્ટ તબીબોની સંખ્યા ૨૩૫૦ વધારી ૪૦૦૦ એમ.બી.બી.એસ. તબીબની સંખ્યા ૫૨૦૦થી વધારી ૧૦,૦૦૦ નર્સની સંખ્યા ૧૨ હજારથી વધારી ૨૨,૦૦૦ વર્ગ-૪ના કર્મચારીઓની સંખ્યા ૮ હજારથી વધારે ૧૫ હજાર અને અટેન્ડન્ટની સંખ્યા ૪૦૦૦થી વધારે ૧૦ હજાર કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે આરોગ્ય વિભાગમાં ખાલી-વેકેન્ટ તમામ જગ્યાઓને ભરવામાં આવશે.
 •  મુખ્યમંત્રીએ સંભવિત ત્રીજી લહેર માટે ટેસ્ટીંગ, ટ્રેસિંગ, ટ્રિટમેન્ટની ટ્રીપલ ટી સ્ટ્રેટેજી રૂપે સર્વેલન્સ યુનિટની સંખ્યામાં ૧૪ હજારથી વધારો કરી ૨૧ હજાર અને સર્વેલન્સની ટિમની સંખ્યામાં ૨૧ હજારથી વધારો કરી ૬૦ હજાર કરવાનો નિર્ધાર કર્યો છે.
 •  આ સાથે રાજ્યમાં RTPCR ટેસ્ટની સંખ્યા રોજના ૭૫ હજારથી વધારી ૧.૨૫ લાખ કરાશે અને કુલ ટેસ્ટની સંખ્યા જે દરરોજ ૧.૭૫ લાખથી વધારી ૨.૫ લાખ કરવામાં આવશે. RTPCR લેબની સંખ્યા ૧૦૪ થી વધારી ૧૫૫ તથા RTPCR ટેસ્ટ મશીનની સંખ્યા ૨૩૪થી વધારી ૨૮૫ અને સિટી સ્કેન મશીનની સંખ્યા ૧૮થી વધારી ૪૪ કરવામાં આવશે.
 •  દેશમાં ગુજરાત માત્ર એક રાજ્ય છે જે રાજ્ય સ્તરે જીનોમ સીકવંસીંગ કરે છે. ૧૭ એપ્રિલ ૨૦૨૦ના રોજ સૌપ્રથમ જીનોમ સીકવંસીંગ ગુજરાતમાં આપણે કર્યુ હતું. રાજ્યની જીબીઆરસી-ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ કાઉન્સીલ સંસ્થા અન્ય ખાનગી સંસ્થાઓ સાથે જોડાણ કરી આગામી મહિના ૧૦૦૦ જેટલા સેમ્પલનું એક મહીનામાં જીનોમ સીકવંસીંગ કરવાની ક્ષમતા કેળવાશે. તેવું પણ આ એકશન પ્લાનમાં સૂચવવામાં આવ્યું છે.
 •  મુખ્યમંત્રીશ્રીએ ધનવંતરી રથની સંખ્યા ૧૫૦૦થી વધારી ૩૦૦૦ અને સંજીવની રથની સંખ્યા ૧૪૦૦થી વધારી ૩૦૦૦ કરવાનું પણ આ રણનીતિ કાર્યયોજનામાં સૂચવ્યું છે. ધનવંતરી રથ અત્યારના રોજના ૧.૧૦ લાખ કેસની સાપેક્ષે ૨.૨૫ લાખ કેસ હેન્ડલ કરશે તથા સંજીવની રથ ૨૮ હજારની સાપેક્ષે ૬૦ હજાર કેસ ટ્રીટ કરશે.
 •  કોવિડ-19 કેસોનું તેમજ સારવારનું સીધું નિયંત્રણ અને મોનિટરીંગ મુખ્યમંત્રી કક્ષાએથી થઇ શકે તે હેતુસર જિલ્લા સ્તરે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરાશે.
 •  આ સેન્ટર્સ મુખ્યમંત્રીના નિવાસસ્થાને સી.એમ ડેશબોર્ડ સાથે રિયલ ટાઇમ અપડેટથી જોડાયેલા રહેશે.
 •  રાજ્યની દરેક હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની માહિતી માટે એક નોડેલ ઓફિસર પણ નિમણુંક કરાશે.
 •  કોરોનાની સંભવિત ત્રીજી શહેર સામે લડવાનું અમોઘ શસ્ત્ર રસીકરણ છે ત્યારે સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં રાજ્યમાં વધુને વધુ વેક્સિનના ડોઝ લોકોને આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
 •  ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨ કરોડ થી વધુ વેક્સિનના ડોઝ લોકોને આપી દેવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતે રસીકરણના દરેક તબક્કે ‘પર મિલિયન’ રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. રાજ્યમાં દૈનિક 3 લાખ વ્યક્તિઓને ૧૨૦૦ કેન્દ્રો પરથી કોરોનાની રસીની ડોઝ આપવામાં આવી રહ્યા છે.
 •  ૪૫થી વધુની ઉંમરના ૫૪ ટકાથી વધુ લોકોને તથા ૧૮-૪૪ વયના ૧૨ ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.
 •  ત્રીજી લહેરમાં ખાસ બાળકોને ધ્યાને રાખી સરકારી હોસ્પિટલોમાં બાળકો માટેના ૨ હજાર બેડ છે તે વધારીને ૪ હજાર કરવામાં આવશે, અહીં ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ ઉભા કરવામાં આવશે જેમાં બાળકોના માતા-પિતા, વાલીઓ માટે સુવિધાઓ, રંગીન કાર્ટૂન ચિત્રો સાથેની દીવાલો, ટેલિવિઝન અને રમકડાં સાથેના વોર્ડ ઉભા કરવામાં આવશે. બાળકો માટેના વેન્ટિલેટરની સંખ્યા ૫૦૦થી વધારે ૧૦૦૦ કરવામાં આવશે.
 •  કોવિડના કેસો વધે તો તે કયા વિસ્તારમાં વધ્યા છે, સંક્રમણની સ્થિતી, પોઝિટીવીટી રેટ, હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાને આધારે જે-તે જિલ્લા અને શહેરોમાં શૈક્ષણિક સંસ્થા, એર, રોડ, ટ્રાન્સર્પોટેશન સર્વિસ, શોપીંગ મોલ, દુકાનો, જાહેર સ્થળોને ગ્રીન- બ્લુ -યલો -બ્રાઉન અને રેડ કલરના કોડ આપી તે મુજબ નિયંત્રણ લાદવામાં અને છૂટછાટ આપવામાં આવશે.
 •  રાજયમાં જનભાગીદારી સાથે મારુ ગામ-વોર્ડ કોરોના મુક્ત ગામ-વોર્ડનું અભીયાન શરૂં કરલે છે. જે અંતર્ગત એ અભિયાન ૧૫૦૦૦થી વધારે કોમ્યુનીટી કોવીડ કમીટી અને કોમ્યુનીટી કોવીડ આઇસોલેશન સેન્ટર તૈયાર કરવમાં આવ્યા છે તે ચાલુ રાખવામાં આવશે.
 •  ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સહયોગથી રાજ્યમાં એપિડેમિક ઇન્ટેલિજન્સ યુનિટની સ્થાપના કરવામાં આવશે જે રાજ્યના વિવિધ જિલ્લાના વિસ્તારોમાં કોવિડ કેસિસમાં વધારા-ઘટાડાનું પૂર્વાનુમાન કરવામાં મદદરૂપ થશે.
 •  હોમ આઇસોલેશનમાં રહેલા દર્દી માટે ટેલી મેડિસિન વ્યવસ્થા ઉભી કરી નિવૃત તબીબો દ્વારા ઇ-સંજીવની એપ થકી માર્ગદર્શન આપવામાં આવશે.

રસી મુકાવવા અપીલ કરી

મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને અપિલ પણ કરી કે, આ સંભવિત ત્રીજી લહેરથી બચવા સૌ કોરોના વેક્સિનેશન અવશ્ય કરાવે સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ અને કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનું પાલન પણ ચુસ્તપણે કરે તે જરૂરી છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published.

Translate »