સંઘર્ષ તમને સફળતા સુધી પહોંચાડે છે, મોદી પર કેરલના લેખક અઝીઝ અબ્દુલ્લાએ લખ્યું પુસ્તક

  • રાજા શેખ (98980 34910)

પ્રખ્યાત પ્રેરણાત્મક નવલકથાકાર પાઉલો કોએલ્હોની એક વાક્ય છે ‘જ્યારે તમે સાચા દિલથી કંઈક પામવા ઈચ્છો ત્યારે, આખું બ્રહ્માંડ તમને તે પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે આગળ આવે છે.” ( When you want something, the entire universe conspires in helping you to achieve it.”) આવી જ વાત આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાં બની છે અને આ વાક્યએ કેરલાના લેખક-કોલમિસ્ટ યુવક અઝીઝ અબ્દુલ્લાને નરેન્દ્ર મોદીની સફળતાની ગાથા લખવા પ્રેરિત કર્યા. નરેન્દ્ર મોદી પર આમ તો અનેક પુસ્તકો લખાયા પણ અઝીઝે તેમના વતન વડનગર આવીને ખુદ તમામ અનુભવો કર્યા. ગુજરાતના ખૂણાં ખુદ્યા. આરએસએસથી લઈને અત્યારસુધીની તમામ એવી વાતો જે લોકોને સંઘર્ષ કરી આગળ આ‌વવા પ્રેરણા આપે છે તે આ પુસ્તક ‘ માય પ્રાઈમ મિનસ્ટર નરેન્દ્ર મોદી’માં ટાંક્યા છે. આમ તો આ પુસ્તક મલયાલમ ભાષામાં લખાયું છે પરંતુ હવે નજીકના જ દિવસોમાં તે અંગ્રેજી અને હિન્દીમાં પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે, ત્યારબાદ તે ગુજરાતીમાં પણ પ્રકાશિત કરવાની યોજના અઝીઝ અબ્દુલ્લા ધરાવે છે.

કેરલના કાસારાગોડના રહેવાસી અઝીઝ અબ્દુલ્લાએ અમને કહ્યું કે, તેઓ હિસ્ટ્રીમાં સ્નાતક છે, સોશ્યલ એક્ટિવસ્ટ છે . આમ તો કેરલ-દુબઈમાં મેટ્રેસનો એક્સપોર્ટ ઈમ્પોર્ટનો વ્યવસાય ધરાવે છે પરંતુ તેઓને વાંચન-લેખનનો બચપનથી શોખ છે. તેઓએ 13 વર્ષની ઉંમરે જ કેરલના મેગેજીન Akhila kerala balajanasakhyam’માં લખવાની શરૂઆત કરી હતી. અઝીઝ અબ્દુલ્લા એક જાણીતા લેખક અને કટારલેખક છે જેમણે ભારતીય સાહિત્યમાં તેમના અનન્ય પુસ્તકો અને લેખો વડે મોટુ યોગદાન આપ્યું છે. તે પ્રેરક વક્તા પણ છે. તેમણે કેરળના પ્રખ્યાત સામયિકો અને અખબારોમાં તેમના શબ્દોથી તેમના વિચારોનો મોટો ફાળો આપ્યો છે.

વડનગરની મુલાકાત બાદ વડાપ્રધાન માટે લેખન શરૂ કર્યુ

અઝીઝ અબ્દુલ્લાએ વડનગર અને ગાંધીનગર ખાતે વડાપ્રધાનના ભાઈઓ સોમાભાઈ, પ્રહલાદભાઈ તેમજ માતાની મુલાકાત લીધી હતી. તે માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા અને સુરતમાં ભાજપના પીઢ મહિલા કાર્યકર વકીલ દિપીકા ચાવડાએ તેમને મદદ કરી અને જરૂર સંપર્ક કરાવી આપ્યા. અઝીઝે નરેન્દ્ર મોદીના નાનપણથી લઈને વડાપ્રધાન બનવા સુધીની સંઘર્ષગાથાનો અભ્યાસ કર્યો. જેમાં નરેન્દ્ર મોદીએ કેવી રીતે ચોકક્સ લક્ષ્ય કરી તે દિશામાં કામ કર્યું. ક્યા કેવી મહેનત કરી તેના પર વિશેષ ફોક્સ કરવામાં આવ્યું છે. કેવી રીતે મોદીએ પોતાના સપનાઓને ચરિતાર્થ કર્યા તે બાબતો આ પુસ્તકમાં વણી લેવામાં આવી છે. મલયાલમમાં લખાયેલા આ પુસ્તકની 2000 કોપી પ્રિન્ટ કરવામાં આવી હતી. તે પૈકી 1000 કોપી મોટા રાજકારણીઓ, સામાજિક આગેવાનો, પાર્ટીના નેતાઓ વગેરેને ગિફ્ટ આપવામાં આવી છે. તેની કિંમત પણ નજીવી માત્ર રૂ. 100 રાખવામાં જ આવી છે. હવે હાલ અઝીઝ તેને વિવિધ ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ માટે તૈયારી કરી રહ્યાં છે.

અઝીઝ અબ્દુલ્લાનો ટૂંકો પરિચય:

સાહિત્ય ક્ષેત્રે વિવિધ એવોર્ડ જીતવા ઉપરાંત, તેમણે કર્ણાટક સરકારના સાંસ્કૃતિક વિભાગના કર્ણાટક જનપદ પરિષદનો સાંસ્કૃતિક એવોર્ડ પણ જીત્યો છે. અન્ય ઘણા એવોર્ડ્સમાં ગ્લોબલ મલયાલી એસોસિએશન એવોર્ડ 2019, વર્લ્ડ સાત અજાયબીઓના પ્રકાશનના 2019 રાષ્ટ્રીય સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને 2021 એશિયા-આજનો રાષ્ટ્રીય ઉત્કૃષ્ટ એવોર્ડ શામેલ છે. હાલમાં, તે કેરળ રાજ્યના હિન્દુસ્તાન સ્કાઉટના ચીફ કમિશનર અને માર્ગદર્શિકા, કેરળ ફૂટબોલ એસોસિએશન સ્પર્ધા સમિતિના અધ્યક્ષ, મુસ્લિમ રાષ્ટ્રીય મંચ કેરળ રાજ્યના ખજાનચી તરીકે સેવા આપી રહ્યા છે, અને તેઓ ભારત-આરબ સાંસ્કૃતિક કેન્દ્રના પ્રમુખ પણ છે.

Leave a Reply

Translate »