સુરતના બાબેન ગામમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું 100% રસીકરણ

….

21મી જૂન-વિશ્વ યોગ દિવસે દેશ અને રાજ્યવ્યાપી વેક્સીનેશન મહાઅભિયાનના શુભારંભ થયો છે, જેના ભાગરૂપે બારડોલી તાલુકાના બાબેન પ્રાથમિક સ્કુલ ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે કોવિડ વેક્સીનેશન મહાઅભિયાનની શરૂઆત કરાવી હતી.
આ પ્રસંગે મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીનો મક્કમતાથી સામનો કરવાં કોરોના પ્રતિરોધક રસી એક માત્ર અકસીર અને અમોઘ ઉપાય છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના ‘કોરોનામુક્ત ગુજરાત’ના સંકલ્પને વધુમાં વધુ વેક્સિન લઈને સાકાર કરવાનો ભારપૂર્વક અનુરોધ કરતાં તેમણે કહ્યું કે, વેક્સિનેશન માટે રાજ્યનો પ્રત્યેક નાગરિક આગેવાની લઈને રસી જાતે પણ લે અને અન્યોને પણ પ્રેરિત કરે તે જરૂરી છે. બાબેન ગામમાં ૪૫ વર્ષથી વધુ ઉમરના વ્યક્તિનું રસીકરણ 100% પૂર્ણ થઈ ચુક્યું છે બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતાં.
તેમણે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે દેશવાસીઓને નિ:શુલ્ક અને સરળ-સહજ રીતે વેક્સિન પ્રાપ્ય બને તે માટે બીડું ઉઠાવ્યું છે, જેને રાજ્ય સરકારે વેગવંતુ બનાવવાની નેમ લીધી છે ત્યારે પ્રજાજનોએ જાગૃત બની આ મહાઅભિયાનનો લાભ લે એવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન રાઠોડ બાબેનના સરપંચ ફાલ્ગુનીબેન પટેલ, મામલતદાર જિજ્ઞા પરમાર સહિત નગરજનો અને રસીકરણ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બારડોલી તાલુકાના 29,184 (52 ટકા) લોકોનું રસીકરણ
આજથી ગુજરાતના 1025 કોવિડ રસીકરણ કેન્દ્રો ખાતે વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ થયો છે. જેને વિસ્તારીને 5000 રસીકરણ કેન્દ્રો પર વેક્સિન થશે, ત્યારે બારડોલી તાલુકાના 45 વર્ષથી ઉપરનો લક્ષ્યાંક 61,393 છે. જેમાં 29,184 લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. એટલે કે 52% રસીકરણ થયું છે. બારડોલી તાલુકાના 18 થી 44 વર્ષથી ઉપરનો લક્ષ્યાંક 96,991 છે. જે પૈકી 11,325 એટલે કે 12 ટકા રસીકરણ થયુ છે. ખાસ કરીને, ઉમરાખ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આગામી સંભવિત કોરોનાની લહેરને પહોંચી વળવાની તૈયારી કરી છે અને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી કામગીરી થકી ગ્રામજનોને કોરોનામુક્ત રાખવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

Leave a Reply

Translate »