સુરત: ડોર ટુ ડોરમાં કચરાને બદલે કીચડ-માટી ભરાતો હોવાનો વીડીયો સામે આવ્યો!

વેસ્ટ ઝોનમાં વેસ્ટર્નના પેટા કોન્ટ્રાક્ટર જીગર ટ્રાન્સપોર્ટવાળો કરી રહ્યો છે ખેલ, વજન વધારવા કચરાને બદલે કીચડ-માટી નાંખવામાં આવે છે અને મીઠ્ઠા મામ જેવો સુપરવાઈઝર અધિકારીઓ પાસે વજન પાસ કરાવીને મોટા બિલો વસૂલી સુરત મહાનગર પાલિકાને આર્થિક ચૂનો ચોપડી રહ્યો છે.

સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટરોની ગોબાચારી છૂપી નથી પરંતુ આ ગોબાચારી મનપાના આરોગ્ય વિભાગ હેઠળ આ‌તા સોલિડ વેસ્ટ વિભાગની છત્રછાયામાં ચાલી રહી હોવાના અનેક પુરાવા સાથેના વિગતવાર અહેવાલો પ્રકાશિત અમારા દ્વારા કરાયા છે. સોલિડ વેસ્ટ વિભાગે તપાસ સોંપીને કાગળ પર કાર્યવાહી દેખાડી હોવાનું હાલ પુરતુ ફલિત થઈ રહ્યું છે એવામાં વધુ એક ‘તાજો’ વીડીયો સામે આવ્યો છે. જેમાં વેસ્ટ ઝોનમાં વેસ્ટર્ન ઈમેજરી પ્રા. લિ.નો પેટા કોન્ટ્રાક્ટર જીગર ટ્રાન્સોપોર્ટની ગાડીઓમાં હાલ ગલી-ખાંચાઓમાંથી કચરાને બદલે કીચડ-માટી ઉપાડીને ટેમ્પોમાં નાંખવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ રીતે વીડીયોમાં જોઈ શકાય છે. આ વીડીયો એક જાગૃત નાગરિકે અમને મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે, સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી જવંલત નાયકના વડપણ હેઠળ આઠ જણાંની ટીમ છેલ્લા સવા મહિનાથી જીગર ટ્રાન્સોપોર્ટની ગાડીઓમાં વજનમાં કરાયેલી હેરફેર સહિતના મુદ્દે તપાસ કરી રહી છે. પરંતુ તેમાં 15 દિવસમાં રિપોર્ટ કરવાની ઉપરી અધિકારીઓની સૂચનાઓ પણ હતી પરંતુ આજદીન સુધી તેઓએ રિપોર્ટ કર્યો નથી. કહેવાય છે કે, જીગર ટ્રાન્સોપોર્ટમાં ચુનો ચોપડવામાં માહિર મીઠા મામ જેવા સુપરવાઈઝર સાથે સેટિંગ પાડીને આખી તપાસ અવળે પાટે ચઢાવીને સબ સલામતનો રિપોર્ટ કરવાની ગોઠવણ કરાય છે. ભલે મનપા પાસે સોલિડ વેસ્ટના બદલે કીચડ-માટીના રૂપિયા વસૂલી આર્થિક ચૂનો ચોપડાય પણ ગરમ ખિસ્સા કરતા અધિકારીઓને તેની કોઈ ચિંતા ન હોવાનું આ વીડીયો પરથી સાબિત થઈ રહ્યું છે. કદાચ અહેવાલ બાદ દંડનીય કાર્યવાહી કરીને ફરી એકવાર કામગીરી દેખાડી દેવાશે પરંતુ આ સડાને જડથી નાબૂદ કરવાની દવા નહીં કરાય તે વાત પણ એટલી જ સ્પષ્ટ છે!!

Leave a Reply

Translate »