ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો સાથે અધિકારીઓનું ઈલુ-ઈલુ, તલવારો ઉછળવા અંગે પણ કોઈ કાર્યવાહી નહી!

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ હેઠળના સોલિડ વેસ્ટ વિભાગમાં આમ તો અનેક લાલિયાવાડી ચાલી રહી છે. અધિકારીઓના કોન્ટ્રક્ટરો સાથેના ઈલુ-ઈલુને કારણે મહાપાલિકાને વર્ષે કરોડોનો ચુનો ચોપડવામાં આવી રહ્યો છે. કચરાને બદલે કિચડ, માટી, પત્થરો ભરીને વજન કરાવીને બિલ મુકવામાં આવતા હોવાની વાત તો હવે આઠેય ઝોનમાં સામાન્ય બની છે પરંતુ ભંગાર વિણવા બાબતે મનપાના સેન્ટરમાં તલવારો ઉછળે તેવી વાતો પણ ડામી દેવામાં આવે છે. કોન્ટ્રાક્ટરો પર એટલો બધો પ્રેમ છે કે અધિકારીઓ પોતે પણ પોલીસ ફરિયાદ કરતા નથી અથવા કરાવતા નથી. બધુ જ સેટ કરી દેવાય છે. અમારા લગાતાર અહેવાલને પગલે કામદારોના શોષણ, ખોટા વજન, પ્લાસ્ટિક વેસ્ટ સહિતના મામલે થતી ગોબાચારી મામલે તપાસ તો શરૂ કરાવી છે પણ એ એટલી ગોકળ ગતિએ ચાલી રહી છે કે તેના પર ધીરે રહીને ઠંડુ પાણી રેડી શકાય. આ મોડસ ઓપરેન્ડીથી વર્ષોથી કોન્ટ્રક્ટરોને છાવરવામાં આવી રહ્યાં હોવાનું ફલિત થઈ રહ્યુ્ છે. આશ્ચર્ય વચ્ચે કેટલાક વચેટિયા તેમાં પોતાની રોટલી શેકીને છુટા થઈ જાય છે.

પાલ સેન્ટર પર તલવાર ઉછળી હતી પરંતુ અધિકારીઓ સીસીટીવી પોલીસને આપ્યા જ નહીં

સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના નેજા હેઠળ ચાલતા પાલ ટ્રાન્સફર સ્ટેશનમાં 15 જુન 2021ના રોજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરનારા અને તેને સ્વીકારનારા બે કોન્ટ્રાક્ટ એજન્સીના માણસો વચ્ચે કોઈ કારણોસર મારામારી થઈ હતી. મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કાર્યાપાલક ઈજનેર ઈએચ પઠાણ દ્વારા અડાજણ પોલીસને ઘટનાના અઠવાડિયા બાદ પત્ર લખીને કહેવાયું હતુ કે, એલપી સવાણી સ્કૂલની બાજુમાં આવેલા પાલ ટ્રાન્સફર સ્ટેશનમાં ઘરે ઘરેથી ઉઘરાવાતો કચરો અનલોડ કરાય છે અને આ કામ કોન્ટ્રાક્ટ એજન્સી વેસ્ટર્ન ઈમેજરી પ્રા. લિ. અને મેસર્સ જીગર ટ્રાન્સપોર્ટ કાું આ કચરાને ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર લઈ જાય છે. 15 જૂનના રોજ આ બંને એજન્સીના કર્મચારીઓ વચ્ચે કોઈ કારણોસર મારામારી થઈ હતી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હોવાનું સીસીટીવીમાં પ્રાથમિક તબક્કે જણાય આવે છે. તેથી તપાસ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવી. જોકે, બાદમાં પોલીસે આ મામલે શું કર્યું તે પુછવાની તસ્દી લેવાય નથી અને પોલીસને બહાર ફરતા થયેલા સીસીટીવી પણ અપાયા નથી. આમ તો પોલીસ તપાસ કરે પણ તેણે પણ કોઈ કારણોસર કરી નથી. જેથી, તેમાં ઉપરોક્ત બંને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બધુ ઠરીઠામ કરી દેવાયા હોવાનું પહેલી નજરે લાગી રહ્યું છે. અધિકારીઓને અમે પુછ્યું તો તેઓએ આમ કહીંને હાથ ખંખેરી નાંખ્યા કે અમે તો પોલીસને લેખિત આપી દીધું હતું હવે પોલીસે સીસીટીવી ફુટેજ મેળવવા જોઈએ. આમ બે મહિનામાં આખી વાત ઉડાવી દેવાય છે જે સીધી રીતે આવી ટપોરીગીરી વારંવાર કરવાની વાતને પરવાનો આપે છે.

  •  તપાસના પત્ર બાદ કોઈ અપડેટ નહી!
    ડાેર ટુ ડાેર ગાર્બેજ કલેક્શનમાં કામદારાેના શાેષણનાે મુદ્દાે પણ મુખ્ય છે. અને તે મામલે ફરિયાદી સોહેલ શેખને કાર્યાપલક ઈજનેરે તપાસ શરૂ કરાવી હોવાનો પત્ર 2 જુલાઈ 2021ના રોજ પાઠવ્યો હતો. જેમાં કામદારોના શોષણ સહિતના મુદે તપાસ કરવાનું તમામ ઝોનને કહેવાયું છે. ખાસ કરીને રાંદેર ઝોનના વેસ્ટર્ન ઈમેજરી પ્રા. લિ.ના કામદારોના પણ પ્રશ્નો હોય તેમાં પણ તપાસ સોંપી હતી. કામદારોએ એફિડેવિટના માધ્યમથી શ્રમ આયોગમાં જણાવ્યું હતું કે, રૂ.21500 પગાર આ કામદારાેના બેંક એકાઉન્ટમાં ઉધારાય છે અને તેમના હાથમાં માત્ર રૂ. 7000 જ આપવામાં આવે છે. દરેક 8 ઝાેન મળીને 750થી વધુ કામદારાેનું શાેષણ થઈ રહ્યું છે ત્યારે તેમને શ્રમિક કાયદા મુજબ મિનિમમ વેઝિસ મુજબ પગાર ચુકવાતો નથી. તેમને પીએફ, ઈએસઆઈ વગેરે આપવામાં આવતું નથી, ઉપરથી તેઓના બેંક એકાઉન્ટ ખોલાવીને એટીએમ, પાસબુક, ચેક બુક વગેરે કોન્ટ્રાક્ટરો પોતાની પાસે રાખી લે છે અને પગાર બારોબાર ઉપાડી લઈને તેઓને નજીવી રકમ રૂ. 7000 જ આપે છે અને ભંગાર વીણીને રૂપિયા ભેગા કરી લેવા કહી દેવાય છે. આ તમામ બાબતે તપાસ સોંપાય હતી. જોકે, આ મામલે પણ હજી કોઈ પાપા પગલી પડી હોય તેમ નથી. અધિકારીઓ મુકપ્રેક્ષક બની રહ્યાં છે જે સીધી રીતે કોન્ટ્રાક્ટરો સાથે ઈલુ-ઈલુ હોવાનું માની શકાય છે. બીજી તરફ, જીગર ટ્રાન્સ્પોર્ટની ગાડીઓનું પણ એનાલિસીસ શરૂ કરાયું હતું પરંતુ તેમાં એક મહિના બાદ પણ કોઈ રિપોર્ટ કમિશનર કચેરીને કરવામાં આવ્યો નથી.!

Leave a Reply

Translate »