ન્યૂઝનેટવર્કસ ટીમ: હાલમાં જ ‘મુઘલસરાઈ’ એટલે કે સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી જેમાં ચાલી રહી છે અને જેની અંદર પાંચ હજાર કરોડથી વધારેનું બજેટ મેનેજ મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ કરી રહ્યાં છે તે કચેરીને હાલમાં વકફ મિલ્કત તરીકે નોંધવા માટે ગુજરાત વકફ બોર્ડ દ્વારા જરૂરી પુરાવાઓના આધારે હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે આપણે તેનો ઈતિહાસ શું છે તે પણ જાણી લેવાની જરૂરત છે. સુરત મહાનગર પાલિકાએ તેની વેબસાઈટ પર પણ આ ઐતિહાસિક સ્થળનો આખો ઈતિહાસ લખ્યો છે.
શાહજહાંના કહેવાતી હકિકતખાને બનાવી હતી મુઘલસરાઈ
ઈતિહાસમાં નોંધાયું છે કે, 16 મી સદીમાં સ્થાપત્યકળાનો ઉદય કરનારમુઘલ બાદશાહ શાહજહાં તે સમયે ગુજરાતના સૂબા હતા. ત્યારે તેમણે તેમના ખાસ એવા અને સુરતના કિલ્લેદાર ઈશાક બેગ યઝદી ઉર્ફે હકીકત ખાન પાસે સુરતની મુગલીસરાઈની ઈમારત ઈ.સ. 1644 (હિજરી 1054)માં ઈમારત બનાવી હતી. જે ખાસ કરીને હજયાત્રીઓ, વેપારીઓ અને મુસાફરોની સગવડ માટે બનાવામાં આવી હતી. સુરતના મુગલીસરા વિસ્તારનું નામ મુઘલસરાઈ પરથી જ પડ્યું હતું. દિલ્હીના બાદશાહ શાહજહાંએ સુરત બંદરની આવક તેની પુત્રી જહાંઆરાને દૈનિક ખર્ચ માટે બક્ષિસમાં આપી હતી. તેના તરફથી નિમાયેલા આ કિલ્લેદારે સરાઈ બંધાવી. પાછળથી જહાંઆરા ઔરંગઝેબના શાસન દરમિયાન ઈ.સ.1698માં સુરતમાં આવીને વસી હતી.
ઈતિહાસકારોએ નોંધ્યું છે કે, માર્બલથી બનેલી અને ત્રણ ભાગમાં વહેંચાયેલી આ ઈમારત હજયાત્રીઓ માટે જ બન્યાનો ઉલ્લેખ પણ મુખ્ય દ્વારની તક્તી પર હતો પણ તે તકતી હાલમાં મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં છે. લેખમાં જણાવ્યા પ્રમાણે ‘‘ ઉચ્ચતમ અને પરમ પવિત્ર અલ્લાહને ખાતર ઈશાકબેગ યઝદી ઉર્ફે હકીકતખાન આ કારવાન સરાઈનો બાની બન્યો છે. ગુજરાતનું પહેલું છાપખાનું પણ અહીં સ્થાપવામાં આવ્યું હતુ. આ સરાઈમાં ઉતરનારા વિદ્વાનો, પવિત્ર પુરષો, ગરીબો અને હાજીઓ પાસેથી ભાડારૂપે કંઈપણ લેવામાં નહીં આવે. સરાઈમાં સવાર કે સિપાઈને ઉતરવાની મનાઈ છે.’’ લેખમાં આ સરાઈને મુબારક મુસાફરખાનું કહેવાયું છે.
- અંગ્રેજોએ કાચી જેલ તરીકે ઉપયોગ કર્યો હતો
- આ સરાઈનો ઉપયોગ ઈ.સ. 1869 સુધી કાચી જેલ તરીકે કર્યો હતો. સુરત સુધરાઈની સ્થાપ્ના કલેક્ટર રોજર્સે ઈ.સ. 1852ના એપ્રિલની 23મી તારીખે કરી હતી ત્યારે તેની ઓફિસ નાનપુરામાં મુખ્ય પોસ્ટ ઓફિસવાળા મકાનમાં હતી. બાદમાં ઈ.સ. 1867 પથી મુઘલસરાઈમાં ખસેડાઈ અને આજદીન સુધી તે અહીં જ છે. સુધરાઈ બાદમાં સુરત મહાનગર પાલિકા બની અને તે અહીં જ ચાલી રહી છે. આજે પણ આ વિસ્તાર મુઘલસરાઈના નામે ઓળખાય છે.
- રાજા શેખ, સુરત (98980 34910)