1 જાન્યુઆરી 2022થી કાપડ ઉપર 5 ટકાને બદલે 12 ટકા જીએસટી લગાડવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી પરંતુ સુરતની સાથોસાથ દેશભરમાંથી આ મામલે વિરોધ ઉઠતા આખરે આ અમલવારી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી, કાપડ ઉદ્યોગમાં ખુશીની લહેર ફેલાય ગઈ છે. ઠેરઠેર જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે એક દિવસ પહેલા 30 ડિસેમ્બરે કાપડ ઉદ્યોગ સજ્જડ બંધ રહ્યો હતો અને તેમાં વિવર્સ પણ જોડાયા હતા. ચેમ્બર ઓફ કોમર્સે પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.
ફેરવિચારણા કરી નિર્ણય માર્ચમાં લેવાશે
ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવાર, તા. 31 ડિસેમ્બર, 2021ના રોજ નવી દિલ્હી ખાતે 46મી જીએસટી કાઉન્સીલની બેઠક મળી હતી. જેમાં નાણાં મંત્રાલય દ્વારા ટેકસટાઇલ ક્ષેત્રે જાહેર કરાયેલા જીએસટી કર માળખાના નવા પરિપત્રની અમલવારી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે ફેર વિચારણા કરવાનો નિર્ણય હવે જીએસટી કાઉન્સીલની ફેબ્રુઆરી, 2022ના અંતમાં અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં મળનારી મિટીંગમાં લેવાશે અને ત્યારબાદ અંતિમ નિર્ણયની જાહેરાત કરાશે તેવી જાહેરાત નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદમાં કરી હતી.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ, ભારતના ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તથા સાંસદ સી.આર. પાટીલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ તથા અન્ય રાજ્યોના નાણાં મંત્રીઓનો ટેકસટાઇલ ઉદ્યોગની માંગ માટે સહકાર આપવા બદલ આભાર વ્યકત કરવામાં આવે છે. ઉપરોકત નિર્ણયના કારણે ભારત દ્વારા છેલ્લાં 60 વર્ષ દરમ્યાન દેશભરમાં 25 લાખ લૂમ્સની જે કેપેસિટી બિલ્ટઅપ થઇ છે તે ધ્વસ્ત થતા બચી ગઇ છે. ઉપરોકત મામલે દેશભરના ટેકસટાઇલ ઉદ્યોગકારો દ્વારા જોઇન્ટ ટેકસટાઇલ રિપ્રેઝેન્ટેશન કમિટી બનાવવામાં આવી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફિઆસ્વી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફોગવા, ફોસ્ટા, મસ્કતિ મહાજન– અમદાવાદ, ન્યુ કલોથ માર્કેટ– અમદાવાદ, સીએમએઆઇ– મુંબઇ, કેટ તથા બેંગ્લોર અને દિલ્હીના ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કમિટી દ્વારા સંયુકત રીતે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણને ઇમરજન્સી જીએસટી કાઉન્સીલની મિટીંગ બોલાવવા માટે અસરકારક રજૂઆત કરવામાં આવી હતી.
આ નેતાઓના પ્રયાસો ફળ્યા
આ અંગે ભારતના ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તથા સાંસદ સી.આર. પાટીલ દ્વારા વડાપ્રધાન અને કેન્દ્રીય નાણાં મંત્રીને જીએસટી કાઉન્સીલની ઇમરજન્સી મિટીંગ બોલાવવા માટે ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે સવારે જીએસટી કાઉન્સીલની ૪૬મી ઇમરજન્સી મિટીંગ મળી હતી. જેમાં નાણાં મંત્રાલય દ્વારા ટેકસટાઇલ ક્ષેત્રે જાહેર કરાયેલા નવા પરિપત્ર (કાપડ ઉપર 12 ટકા જીએસટી)ની ૧લી જાન્યુઆરીથી કરવામાં આવનાર અમલવારીને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં હતો, પરંતુ કાપડ ઉપર 12 ટકા જીએસટી કર માળખાને પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવી નથી. એના માટે નાણાં મંત્રાલય દ્વારા કર્ણાટકાના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇની અધ્યક્ષતામાં સાત સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જે કમિટી આ વિષય ઉપર નિર્ણાયક રિપોર્ટ જીએસટી કાઉન્સીલને આપશે.
હવે આમના નેજા હેઠળ બનશે એક્સપર્ટ કમિટી
કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટીને રજૂઆત કરવા માટે હવે દેશભરના ટેકસટાઇલ ઉદ્યોગકારો દ્વારા સીએમએઆઇના ચેરમેન રાહુલ મહેતા અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીની અધ્યક્ષતામાં એકસપર્ટ કમિટી બનાવવામાં આવશે. જેમાં ટેકસટાઇલ ઉદ્યોગના તમામ સેકટરના પ્રતિનિધીઓનો જોડવામાં આવશે અને ફેકટ્સ એન્ડ ફિગરબેઝ એનાલિસિસ કરી કાપડ ઉપર જીએસટી કર માળખાના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા માટે સૂચનો કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટીના દરેક સભ્યને આપવામાં આવશે.
વીસી કરી આભાર વ્યક્ત કર્યો
ચેમ્બર દ્વારા આજે સાંજે દેશભરના ટેકસટાઇલ એસોસીએશનોના પ્રતિનિધીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટકા, તામિળનાડુ, તેલંગાણા, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્રના ટેકસટાઇલના ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધીઓ જોડાયા હતા. જેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ તથા ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલનો આભાર માન્યો હતો. સાથે જ જીએસટી કર માળખામાં ઓછામાં ઓછા ત્રણથી પાંચ વર્ષ સુધી કોઇ ફેરફાર નહીં આવે તે માટે જીએસટી કાઉન્સીલને સમજાવવામાં આવશે તેમ નકકી કરવામાં આવ્યું હતું.
કાપડ પર GST ન વધારવાનો નિર્ણય ને ફોગવાએ આવકાર્યો
આજરોજ GST કાઉન્સિલ ની બેઠક માં નવેમ્બર મહિના માં નોટિફિકેશન No. 18/11 બહાર પાડી Gst નો દર 5% થી વધારી 12% કરવા માં આવ્યો હતો તે મુલતવી રાખવાનો નિર્ણય લેવા માં આવ્યો છે તેને ફોગવા આવકારે છે. આ નિર્ણય ને કારણે લાખો વિવર્સ, ટ્રેડર્સ તથા ગારમેન્ટર ને ખૂબ જ મોટી રાહત મળશે.ટેક્સટાઇલ ઉદ્યોગ નો વિકાસ થશે. ફોગવા પરિવાર નવસારી ના સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી. આર. પાટીલ અને રાજ્યકક્ષાના કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોષ તથા ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માને છે એમ ફોગવા પ્રમુખ અશોકજીરાવાળાએ કહ્યું હતું., ફોસ્ટાએ પણ આ નિર્ણયને આવકારીને આભાર વ્યક્ત કર્યો હતો.
જ્યારે ફેડરેશન ઈન્ડિયા એસોસિયેશનના (એફઆઈએ)ના પૂર્વ પ્રમુખ અને સચિન ઈન્ડસ્ટ્રીઝ કો.ઓ. સોસાયટીના પૂર્વ પ્રમુખ જગદીશ રામાણીએ પણ આ નિર્ણયને વધાવીને નવસારી ના સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી. આર. પાટીલ અને રાજ્યકક્ષાના કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોષ અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ નિર્ણયથી ઉદ્યોગની મોટી ચિંતા ટળી હોવાનું જણાવ્યું હતું.
સચિન ઈન્ડસ્ટ્રીયલ કો. ઓ. સોસાયટીમાં પણ આ મામલે ઉજવણી કરાય હતી. મહેન્દ્ર રામોલિયાની આગેવાનીમાં વીવર્સ ભેગા થયા હતા અને તેઓએ ખુશી વ્યક્ત કરી હતી.