- સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910)
તેમનું નામ છે મનોજ નિનામા. 2006ની બેચના આઈપીએસ. 1996માં ડાયરેક્ટ ડીવાયએસપી તરીકે પોલીસ ફોર્સમાં ભરતી થયા. તાલીમ મેળવ્યા બાદ તેઓએ વિભાગીય પોલીસ અધિકારી તરીકે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના ડીવાયએસપી તરીકે શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2001માં કચ્છ જિલ્લામાં આવેલા ભયાનક ભુકંપ વખતે તેઓએ ભૂજ ખાતે પ્રસંશનીય ફરજ બજાવી હતી. ત્યારબાદ વડોદરા જિલ્લાના ડભોઈ ડિવિઝનમાં પણ સારી સેવા બજાવતા સરકાર દ્વારા તેઓને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે પ્રમોશન આપીને દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે ફરજ સોંપાઈ હતી. ત્યાં લગાતાર ત્રણ વર્ષ પડકારજનક કહી શકાય તેવી કામગીરી કરીને તેઓએ અહીં 500 જેટલા ધાડ-લૂંટ અને ઘરફોડ જેવા ગંભીર ગુન્હાના ફરાર આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા હતા. દાહોદ જિલ્લાને અડીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પ્રદેશની બોર્ડર આવેલી છે અને આ વિસ્તાર ધાડ-લૂંટ માટે ખૂબ જ પંકાયેલો છે અને તેવામાં સુચારું આયોજન કરીને નિનામા સાહેબે આવા ગુનાઓ પર કંટ્રોલ મેળવવાની ઉલ્લેખનીય કામગીરી કરી હતી. હાલ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે 19 માર્ચ ફરજ બજાવે છે. હાલમાં જ સરકારે સારી કામગીરીને પગલે ડીજીપી તરીકે પ્રમોશન આપ્યું.
મનોજ નિનામાની કામ કરવાની પદ્ધતિ અન્ય જેલ સુપરિન્ટેન્ડેન્ટ કરતા સાવ નોખી છે. તેઓએ કેદીઓના સજાના સ્થળને ‘ઘર’ જેવું બનાવી દીધું છે. જેમાં કાચા અને પાકા કામની સજારૂપે 2700થી વધુ કેદીભાઈઓ બંધ છે તે લાજપોર સેન્ટ્રલ જેલ આજકાલ તેની વિકાસલક્ષી વાતોને લઈને અને કેદીઓને સુધારણા માટેના કરાતા અનેકવિધ કાર્યોને લઈને ચર્ચામાં છે. જેલની તારીફ ગુજરાતભરમાં થઈ રહી છે. હાલમાં આ જેલ ગુજરાતની એવી પહેલી જેલ બની ગઈ છે કે તેમાં કસરત કરીને સ્વાસ્થય સુધાર રહે તે માટે એક ‘જીમ’ ઊભું કરાયું. તે માટે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ચાર લાખ રૂપિયાની માતબર રકમનો ખર્ચ કરાયો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ જીમમાં કસરત કરીને તેને કેદીભાઈઓ માટે ખુલ્લું મુક્યું અને આઈપીએસ મનોજ નિનામાની ખૂબ જ પ્રસંશા કરી. શરીર સ્વસ્થતા સાથે માનસિક રીતે પણ કેદીભાઈઓ તંદુરસ્ત રહે તે માટે મહિનામાં ત્રણવાર સાઈકાલોજીના વ્યાખ્યાન કરવામાં આવી રહ્યાં છે.
ત્રણ વર્ષમાં અનેક સુધારણા કાર્યો અને સગવડો જેલમાં ઊભી કરાય, જેનાથી, કેદી ગુનેગાર ન રહી અચ્છો ઈન્સાન બને
સુરત લાજપોર સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે આઈપીએસ મનોજ નિનામાએ 1 માર્ચ 2019ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. તે વખતે જેલ તો હતી પરંતુ કેદીઓના ઉત્થાન, સુધારણા માટે જોઈએ તેટલા કાર્યો થતા ન હતા. તેઓને લાગણીથી જોડાતા ન હતા. તેઓને સામાજિક-ધાર્મિક જવાબદારીઓથી એટલા વાકેફ કરાતા ન હતા. તેમની આવડતનો એટલો ઉપયોગ કરાતો ન હતો. તેઓને વિવિધ એક્ટિવિટીમાં મગ્ન રાખીને તેઓની સારપ બહાર કઢાતી ન હતી. મનોજ નિનામાએ આવ્યા પછી ઉપરાઉપરી આવા અનેકવિધ કાર્યો કર્યા અને કેદીઓના તેઓ પ્રિય બની ગયા. હા, જેઓ સીધી લીટીમાં ન ચાલતા તેવા કેદીઓને કાયદાનું ભાન કરાવવામાં પણ તેઓ ચુક્યા નહી.
પ્રકૃત્તિ પ્રેમ:
માંડીને વાત કરીએ તો મનોજ નિનામા ખૂબ સ્વચ્છતા પ્રેમી છે. સાથોસાથ તેઓ હેલ્થ કોન્સિયસ પણ છે. મનની શાંતિથી માંડીને તેઓ વાતાવરણ પણ એવું જ ઈચ્છે છે. જેથી, તેઓએ આખી જેલના કંપાઉન્ડ તેમજ આસપાસની જગ્યાઓમાં છોડ-ઝાડ વાવવાની શરૂઆત કરી અને 200 આંબા અને 200 નાળિયેરી સહિત 1000 રંગબેરંગી સુંગધિત ફૂલોના છોડવા-ઝાડવાથી આખું જેલ પરિસર ખુશનુમા બનાવી દીધું. તેઓ જાતે જ તેની માવજત પણ કરે છે. ધાર્મિકતા સાથે દેશભક્તિની ભાવના પણ કેદીઓમાં આવે, પ્રાણીપ્રેમ વધે તે માટે તેઓએ ગૌશાળા શરૂ કરીને 32 ગાય –વાછરડા પણ તેઓએ પાળવાની શરૂઆત કરી. ઉપરાંત જેલ પરિસરમાં શાકભાજી ઉગાડી તેને સસ્તાભાવે બજારમાં વેચવાની શરૂઆત કરાવડાવી.
દેશ પ્રેમ:
જેલમાં દાંડીયાત્રાનું આયોજન કરાવ્યું અને તેમાં કેદીભાઈ પાસેથી ગાંધીજીની દાંડી યાત્રામાં સાથે સામેલ થયેલા પાત્રો ભજવડાવ્યા અને ગાંધીવંદના કરાવી. સાથોસાથ દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ કર્યો. પ્રજાસત્તાક દિન અને ગણતંત્ર દિને પણ તેઓ કેદીઓમાં દેશભક્તિની ભાવના જાગે અને તેઓ ખોટા રસ્તેથી સારા રસ્તે ચાલતા થાય તે માટેના કાર્યક્રમો કરતા રહે છે. તેઓએ ગાંધીકથા પણ કરાવડાવી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની પણ જેલમાં સ્થાપ્ના કરાવી.
શિક્ષણ:
કેદીઓ જેલમાં રહીને પણ શિક્ષણ મેળવી શકે તે માટે કોવિડ જેવી મહામારીમાં પણ તેઓએ ઓનલાઈન એજ્યુકેશન માટેની વ્યવસ્થા પીપી સવાણી સ્કૂલ સાથે ટાયઅપ કરીને ઊભી કરાવડાવી. જેનો લાભ એ થયો કે કોવિડ દરમિયાન ભણતા કેદીઓનું 100 ટકા રિઝલ્ટ આવ્યું. હાલ ઈદિંરાગાંધી ઓપન યુનિવર્સિટી અને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી બે કેદીઓ એમ.એ.નો અભ્યાસ કરી રહ્યા છે. નિનામા સાહેબે જેલમાં આખી લાઈબ્રેરી પણ અપડેટ કરી છે. ધાર્મિક-સામાજિક-મોટિવેશનલ સહિતના પુસ્તકોનો ત્યાં જમાવડો કર્યો છે. જેથી, ત્યાં દરેક પ્રકારનું વાંચન કેદીઓને મળી રહે. ઉપરાંત જે કેદીઓને વાંચતા-લખતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઈબ્રેરીની વ્યવસ્થા ઉભી કરાય. જેથી, સાંભળીને પણ તેઓ જ્ઞાન પ્રાપ્ત કરી શકે.
ધાર્મિકતા:
ગૌસેવાની સાથોસાથ આઈપીએસ નિનામાએ ત્રણ દિવસ શિવકથા કરાવડાવીને જેલ પરિસરની બહારના ભાગે એક દાતાની મદદથી શિવમંદિર બનાવડાવ્યું. ઉપરાંત એક ભજન મંડળી તૈયાર કરાવડાવીને સમયાંતરે ભજનના કાર્યક્રમો કરીને કેદીભાઈઓમાં ધાર્મિકતા વધારવાનો પ્રયાસ કર્યો છે. શ્રાવણમાં ઉપવાસ અને રમજાન માસમાં રોજા રાખવા માટે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની મદદથી ફળાહાર, ઈફતારી-સેહરી માટેનો સરસામાન જેલ મેન્યુઅલ પ્રમાણે કેદીભાઈઓને પુરો પાડી તેઓમાં વધુ ધાર્મિકભાવ ઉભો કરવાની કોશિશ કરી રહ્યાં છે. દિવાળીના તહેવારોમાં તેમનો નિનામા સાહેબનો પરિવાર પણ કેદીઓ સાથે ઉજવણી કરે છે. મીઠાઈ વ્હેંચીને તેઓને પ્રેમ આપે છે. નિનામા સાહેબે પહેલીવાર દિવાળીમાં હાઈબેરેક બંધ કરીને ઈતિહાસ રચ્યો.
વ્યવસાય:
લાજપોર સેન્ટ્રલ જેલમાં પહેલીવાર હિરા ઘસવાની ફેક્ટરી તેમજ વીવીંગ ઉદ્યોગ ઉભો કરવામાં આવ્યો છે. તે માટે બકાયદા નિષ્ણાંતો બોલાવીને કામ કરવા ઈચ્છુક કેદીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં 45થી વધુ કેદીઓ હાલ હીરા ચમકાવીને મહિને 10થી 12 હજારની આવક રળી રહ્યાં છે. જ્યારે વીવીંગ ઉદ્યોગમાં પણ 30 જેટલા કેદીઓ કામ કરી રહ્યાં છે. સાડીમાં સ્ટોન લગાડવાની કામગીરીનો વ્યવસાય પણ શરૂ કરાયો. ઉપરાંત જેલમાં બેકરી પ્રોડક્ટ બનાવીને તેને વેચવાની પણ શરૂઆત કરવામાં આવી.
સ્પોર્ટસ:
હેલ્થ કોન્સિયસ આઈપીએસ મનોજ નિનામાએ કેદીઓના સ્વસ્થયની તકેદારી રાખતા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની મદદથી જેલમાં જીમ ઊભું કરાવડાવ્યું છે. સાથોસાથ તેઓએ ક્રિક્રેટ ટુર્નામેન્ટ, વોલીબોલ ટુર્નામેન્ટના આયોજનો પણ દર વર્ષે કરતા રહે છે. લાજપોર જેલની ટીમ ગુજરાત લેવલે રમી ચુકી છે.
સુખસુવિધા:
1) ભોજન વ્યવસ્થા: આઈપીએસ મનોજ નિનામા સાહેબે જેલમાં કેદીભાઈઓને સારું ભોજન મળી રહે તે માટે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની મદદથી ત્રણ ઓટોમોટિક રોટી મેકર મશીન અને 2 આંટો ગુંદવાના મશીન ઈન્સ્ટોલ કરાવ્યા. તેનાથી ઝડપી અને સારી-પોચી રોટલી કેદીઓને મળતી થઈ.
2) કાનૂની વ્યવસ્થા: કેદીઓને કાનૂની સહાય મળી રહે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને સાથે રાખીને અત્યારસુધી 5661 આરોપીઓના કાનૂની સલાહ આપી. તેમજ 899 કેદીઓને સહાય આપી. 549 કેદીઓ સહાય મેળવી મુક્ત થયા. જ્યારે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની મદદ મેળવીને નજીવા દંડ માટે જેલમાં બંધ એવા 35 જેટલા કેદીઓને મુક્ત કરાવ્યા.
3) હેલ્થ વ્યવસ્થા: જેલમાં કોરોનાનો પગપેસારો ન થાય અને બંદીવાનો તેમજ સ્ટાફ સ્વસ્થ રહે તે માટે દરેક જેલ પરિસરમાં સેનેટાઈઝીંગ કરાવડાવ્યું. તેમજ 261 સ્ટાફ અને તમામ બંદીવાનોને કોરોના રક્ષક રસી મુકાવવામાં આવી. ઉપરાંત વિવિધ મેડીકલ કેમ્પો યોજવામાં આવ્યા. યોગ વર્ગો કરાવાયા. ઉપરાંત હાલમાં કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સહયોગથી કેદી ભાઈ-બહેનોને ન્હાવા માટે ગરમ પાણી મળી રહે તે માટે 12 જેટલા સોલાર વોટર હીટર ફીટ કરાવડાવ્યા.
4) મનોરંજન વ્યવસ્થા: જેલ પરિસરમાં કેદીઓને મનોરંજ મળી રહે તે માટે લાઈવ રેડિયોનું પ્રસારણ શરૂ કરાવ્યું. તેમાં જેલના કેદીઓને રેડિયો જોકી તરીકે રાખવામાં આવ્યા.
નોંધનીય છે કે, આ કામમાં નિનામા સાહેબના સાથીઓ નરવડે સાહેબ, પુંડલિયા સાહેબ સહિતના સ્ટાફે પણ તેમની સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું હતું.
શું કહે છે મનોજ નિનામા?
લાજપોર સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ મનોજ નિનામા કેદીઓ માટે ઉપરાઉપરી સેવાકીય પ્રવૃત્તિ અંગેનું કારણ જણાવતા કહે છે કે, કેદીઓ પણ મનુષ્ય છે. કદાચ આવેશમાં કે ભૂલથી ઘણાં કેદીઓ ગુના કરી બેસતા હોય છે. સમાજમાં તેઓને પણ સુધારવાની તક આપવી જોઈએ. મારા અને જેલ સ્ટાફ દ્વારા અગર સજા કાપતા કાચા કામના કે પાકા કામના કેદીમાંથી થોડા ઘણાં પણ સુધરે તો એકંદરે સમાજનું જ ભલું થવાનું છે. સમાજસુધારણાનું કામ થવાનું છે. જેથી, અમે ધાર્મિકતા-સામાજિકતા-માનવતાના બંધનોમાં કેદીઓને બાંધીને, તેમનું કાઉન્સેલિંગ કરીને તેમને અચ્છા ઈન્સાન બનાવવાની કોશિશ કરીએ છીએ. અગર તેઓ પ્રવાહથી ભટકી ગયા હોય તો ફરીથી સમાજના મૂળ પ્રવાહમાં આવીને સારી જીંદગી ગુજારી શકે તેવો અમારો પ્રયાસ હોય છે. ઈશ્વર અમારા પ્રયાસને સફળ બનાવે તેવી જ અમે અભ્યર્થના રાખીએ છીએ.