સુરત ટ્રાફિક પોલીસે પહેલા સંખ્યાબંધ જગ્યાઓ પર વાહનોની અવરજવરને અંકુશિત કરવા અને ટ્રાફિક નિયમનું પાલન કરાવવા માટે ટ્રાફિક સિગ્નલ લગાવી દીધા. આ સિગ્નલ કદાચ આંતરિક સર્વેને કારણે લગાડ્યા હોઈ શકે પરિણામે ઠેરઠેરથી બુમો પડવા માંડી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટનો આ સિગ્નલને કંટ્રોલ કરવા ઉપયોગ થતો હોવાની જાહેરાત પણ થઈ પણ એઆઈ પણ ફેઈલ હોય તેમ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાવા લાગ્યા. ફરીથી રિવ્યુ કરવાની ફરજ પડી અને હવે પોલીસ પોતાની રીતે એ નિષ્કર્ષ પર પહોંચી કે ટ્રાફિક સર્કલ-આઈલેન્ડ તોડી પાડો અને બમ્પર તોડી પાડો તો સમસ્યા ઉકેલાય જશે. જોકે, આ બધુ કરતા પહેલાં એક્સપર્ટની સલાહ અને આપણાં શહેરમાં મૌજૂદ જગવિખ્યાત એસવીએનઆઈટીના એન્જિનિયરોની ટીમનો અભિપ્રાય લઈને આગળ વધાયું હોત તો વધુ સારું પરિણામ આપી શકાયું હોત. સુરત મહાનગર પાલિકા તો આમ કરે જ છે પરંતુ ટ્રાફિક પોલીસે પણ સંયુક્ત કમિટિ બનાવીને નિર્ણય લે તો શહેરને ટ્રાફિક નિયમન માટે સારું પરિણામ મળી શકે.
રોડ એન્જિનિયરિંગને ધ્યાનમાં લીધા વિના આયોજન થયું હોય તેવું લાગે છે
સિવિલ એન્જિનિયર અને સુરતના સિનિયર પત્રકાર ચેતન શેઠ કે જેઓ સુરત મહાનગર પાલિકાનું બીટ લગભગ 24 વર્ષ ઉપરાંતથી કરે છે તેમણે આ મામલે એક્સપર્ટ વ્યુ લેવાયો તો તેઓએ કહ્યું કે, ટ્રાફિકના પ્રશ્ન માટે ચાર “ઈ” મહત્વના છે. એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન અને એનેક્ટમેન્ટ(કાયદામાં સુધારા વધારા).
પાલિકાના ભાગે એન્જિનિયરિંગ આવે પોલીસના ભાગે એન્ફોર્સમેન્ટ આવે આરટીઓ અને સમાજના બીજા ક્ષેત્રો માટે એજ્યુકેશન આવે અને ચૂંટાયેલી પાંખ માટે એનેકટમેન્ટ આવે.
1) ટ્રાફિક સિગ્નલના આખા બખેડામાં સ્થિતિ એવી લાગે છે કે, પોલીસ પાસે એન્ફોર્સમેન્ટ માટે માણસો અને ફંડ બંનેનો મહદઅંશે અભાવ છે એટલે સીસી કેમેરાની ટેકનોલોજીનો સહારો લઈને એન્જિનિયરિંગ અને એન્ફોર્સમેન્ટ બંને હાથમાં લઈ લીધું છે.
2) આખી વ્યવસ્થામાં રોડ એન્જિનિયરિંગનો ક્યાંય ઉપયોગ કરાયો હોય કે વિચાર પણ કર્યો હોય તેવું દેખાતું નથી.
3) ટ્રાફિક સિગ્નલ મેનેજમેન્ટ હેવી ટ્રાફિકવાળા શહેરના માત્ર ૧૩૬ મેઇન રુટ ઉપર જ હોય શકે. આ મેઇન રૂટ ઉપર પણ ITMS (ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ) જ એપ્લિકેબલ કરવાની હોય. એટલે ઇન્ફ્રારેડથી જ્યાં જેટલો ટ્રાફિકનો લોડ હોય તે પ્રમાણે સિગ્નલ આપોઆપ ટાઈમ મેનેજમેન્ટ કરે. આ રીતે પ્રિ ડીસાઈડેડ ટાઈમિંગ ન હોય.
4) તેમાં પણ જ્યાં જંકશન ઉપર આઇલેન્ડ બનાવ્યો હોય ત્યાં માત્ર બ્લીંકર્સ જ મૂકીને એલર્ટ કરવાના હોય. અન્ય સબમેઇન અને ઇન્ટરનલ રોડ ઉપર માત્ર એલર્ટ સ્ટ્રીપ કે સ્પીડ બ્રેકર મૂકીને ટ્રાફિક જ્યાં મર્જ થતો હોય ત્યાં મેનેજમેન્ટ કરી શકાય. (કોર્પોરેશનના ટ્રાફિક અને સોલિડ વેસ્ટ વિભાગ પાસે શહેરના મેઇન રુટ અને સબમેઇન રૂટ તેમજ ઇન્ટરનલ રૂટની તમામ યાદી તૈયાર જ છે તેનો ઉપયોગ કરી શકાયો હોત.
5) અત્યારે સ્થિતિ એવી છે કે લોકો દંડનું ચલણ નહીં મળે તે ડરથી જંકશન ઉપર ઊભા રહેવા માંડ્યા છે પરંતુ એ ડર જેવો નીકળી જશે કે તરત જ સિગ્નલ બ્રેક થવા માંડશે. લોકો ધીરજ ગુમાવે અને સિગ્નલ ઉપર એક સામટા વાહનો ભેગા થઈ જશે તો પોલીસના કોઈપણ સીસી કેમેરા ઇ-મેમો આપવા માટે ગાડીઓના નંબર ઓળખી શકવા સક્ષમ નહી રહે અને આખી વ્યવસ્થા ફરી હતી ત્યાંની ત્યાં આવી જશે. એટલે આ વ્યવસ્થામાં ખામી દૂર કરવા માટે એન્જિનિયરિંગ એક્સપર્ટનો સહયોગ લઈને માત્ર સમયસર અને પ્રેક્ટીકલ સુધારા જ નહી આ શહેરના કલચરને અનુરૂપ સુધારા કરવામાં આવશે તો જ આ અખતરો સફળ થઈ શકશે. અન્યથા ખુબ ટૂંકા સમયમાં ફરી આપણે હતા ત્યાંના ત્યાં આવી જઈશું.
સર્કલ અગાઉ પણ તોડાયા હતા પરંતુ રોડ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને ફરી બનાવાયા
સુરત મહાનગર પાલિકાના કેટલાક અભ્યાસુ અધિકારીઓનો એક જ મત છે કે, બેફામ ટ્રાફિક આઈલેન્ડ કે સર્કલની તોડફોડ અને બમ્પની તોડફોડ ટ્રાફિક નિયમનનો વિકલ્પ નથી. હાલ પોલીસ વિભાગ તરફથી સુરત મહાપાલિકાને 200 જેટલા સર્કલ અને બમ્પનું લિસ્ટ અપાઈ ગયું છે અને તેને તાત્કાલિક ધોરણે દૂર કરવા સૂચના આપી દેવાય છે. પરંતુ સુરતમાં જેટલા પણ સર્કલ -આઈલેન્ડ હાલ હયાત છે તે મહાપાલિકા દ્વારા ભૂતકાળમાં એસવીએનઆઈટી , બીઆરટીએસ, ટ્રાફિક વિભાગ અને ટ્રાફિક પોલીસની કમિટિ બનાવીને જ સાયન્ટિફિક રોડ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને બનાવાયા હતા. જેનાથી અકસ્માતો ઘટે, ટ્રાફિક મોડરેડ થઈ ચાર રસ્તા પર ધીમી ગતિએ આગળ વધે તે માટેનું આયોજન કરાયું હતું પરંતુ ફરીવાર ભૂતકાળમાં થયેલી કસરત શરૂ થઈ છે અને ટ્રાફિક આઈલન્ડ -સર્કલ તોડી પાડવાનું શરૂ કરાયું છે. જોકે, આગળ જતા ફરી તેને બનાવવાનું કહેવાય તો નવાઈ નહીં. (જેવું ભૂતકાળમાં થયું છે.), હાલ આ કસરતથી સુરત મહાનગર પાલિકા અને સ્પોનસર્સને ભારે આર્થિક નુકશાન ઉઠાવવું પડે એમ છે અને લોકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ પણ થાય એમ છે. અધિકારીઓ અને ઘણાં લોકો ઈચ્છે છે કે, રોડ એન્જિનયરિંગ મુજબ અને હયાત પરિસ્થિતિનો પ્રોપર તાગ મેળવીને તેના અનુરૂપ ડિઝાઈન અપાય અને જે ખરેખર સર્કલ ખસેડવા પડે તેમ જ હોય અને તેનાથી ફાયદો થતો હોય તો જ તેના અમલ કરાય.
આ ઉદાહરણથી સમજીએ કે સર્કલ ખસેડવાથી ફાયદો છે કે નહીં?
એક ઉદાહરણ લઈએ તો કારગીર ચોકનું સર્કલ દૂર કરાય પણ બંને તરફથી જે માર્ગ આવે છે તે તો એક સમાન જ છે. એટલે સર્કલ દૂર કરવાથી વાહનોનો ફોલો ત્યાંથી એક સાથે પસાર થઈ શકે નહીં. એ તો ચાર રસ્તા પર ઊભો રહેશે અને લાઈન લાગશે જ અને માત્ર સર્કલ પર પહોળાઈ થશે પણ ત્યાં વાહનો સિગન્લન પર ઊભા રહેશે નાકી સર્કલની વચ્ચો વચ. જેવું સિગ્નલ ખુલશે તો વાહનો આગળ વધી રોડ ટુ રોડ જ ચાલશે એટલે સર્કલ ખસેડવાને કારણે ટ્રાફિક ફ્રી થશે તે વાત માનવામાં આવે તેવી નથી. આવું જ દરેક જગ્યા પર થશે. ઉપરથી સર્કલ ખસેડી દેવાથી સિગ્નલ ન હોવાની સ્થિતિમાં કે રાતના સમયે વાહનો ધીમા નહીં પડે અને સીધા અથડાઈ જવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. સુરત મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે પણ નોંધ મુકી છે કે, પુરતો અભ્યાસ કરીને જે સંભવ હોય તે ટ્રાફિક નિયમનના હીતમાં કરવું અને સાત દિવસમાં રિપોર્ટ કરવો.
શું પોલીસ પોતાનો નિર્ણય ખરો સાબિત કરવા મથી રહી છે?
જાણકાર એક્સપર્ટોનો મત છે કે, ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવવું તે સારી વાત છે પરંતુ આડેધડ તે ન થવું જોઈએ. હવે સિગ્નલને કારણે ઈશ્યું ઊભા થયા છે. વાહનોનો ટ્રાફિકનો રાઉન્ડ ધ ક્લોક અભ્યાસ ન થયો હોય અને રોડ એન્જિનિયરિંગનો પણ ઉપયોગ થયો ન હોવાથી લોકોનો સમય બગડી રહ્યો છે. એક જ સિગ્નલ પર ત્રણ-ત્રણ વાર પણ થોભવું પડે છે. ઈંધણનો ખર્ચ વધ્યો છે. માનસિક સ્થિતિ પર અસર થઈ રહી છે. જેથી, હવે ઉતાવળે લેવાય ગયેલા આ નિર્ણયને ખરો સાબિત કરવા માટે પોલીસ મથી રહી હોય તેવું લોકોનું માનવું છે અને તેના કારણે જ ટ્રાફિક સર્કલ અને સ્પીડ બ્રેકર તોડી પાડવાનો નિર્ણય ઉતાવળે લેવાય રહ્યો છે. જો રખે ચુક રહી ગઈ અને ફરી ટ્રાફિક-રોડ એન્જિનિયર્સ પાસે પ્રોપર સમય લઈ સર્વે ન કરાવ્યો તો સ્થિતિ ફરી ત્યાં ને જ ત્યાં જ આવીને અટકી જશે એવું જાણકારોનું માનવું છે.