સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910)
નેતા તો આપણે ઘણાં જોયા પણ જમીની નેતાઓ અને લોકહીત-પ્રજાહીત માટે લડનારા નેતાઓ તો ઘણાં જૂજ જોવા મળે છે. આ વ્યક્તિને નેતા કહેવડાવવા કરતા ખેડૂત પુત્ર અને સ્વતંત્ર ચળવળકારનો પૌત્ર કહેવડાવવું વધુ ગમે છે. લોહીમાં સ્વંતત્ર સંગ્રામી જેવી ખુમારી સાથે જીવતો આ શખ્સ હાલમાં જ ભારે ચર્ચામાં આવ્યો. સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ ઓકને ડુમસની એક સરકારી પડતર જમીનમાં ખોટી રીતે નામ દાખલ કરાવીને તેને સોંપી દેવાના મામલે સસ્પેન્સન સુધી ઘસડી ગયા. આવા અનેક કૌભાંડો ઉજાગર કરનારા આ શખ્સ છે ‘દર્શન નાયક.’ નાયક ખરેખર નાયકની ભૂમિકા નિભાવી રહ્યાં હોવાનું ફલિત થાય છે. એડવોકેટ એવા નાયક સામા વ્હેણે તરવામાં પાછી પાની કરતા નથી. કોંગ્રેસી વિચારધારાને વરેલા દર્શન નાયક હાલમાં જ ઓલપાડ વિધાનસભાથી ચૂંટણી લડી ચુક્યા છે પરંતુ રનિંગ ભાજપના મંત્રી મુકેશ પટેલ સામે તેઓ જીતી નહીં શક્યા. તેઓ 10 વર્ષ સુધી સુરત જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યા છે અને અધિકારીઓના નાકે દમ લાવી ચુક્યા છે. આખરે બેઠકોના નવા સીમાંકનમાં તેઓની સાયણ બેઠક કપાય અને તેઓ જિલ્લા પંચાયતમાં બેઠક બદલાવાથી ફાવી ન શક્યા. જોકે, લડવાનું અને જજૂમવાનું તેઓએ ચાલું રાખ્યું છે અને તે પણ પોતાના માટે નહીં પણ પ્રજાના પ્રશ્નો માટે.
દર્શન નાયક પૂર્વ કેન્દ્રિય મંત્રીની આગળી પકડી રાજકારણમાં આવ્યા હતા

નાયક સ્નાતક થયા બાદ કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થયા અને 21 વર્ષના હતા ત્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી (સ્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર)ની આગળી પકડી રાજકારણમાં પ્રવેશ્યા. થોડા સમયમાં જ તેઓ તેમના અંગત સચિવ તરીકે પણ પ્રસ્થાપિત થયા. આખા બોલા દર્શન નાયક ખોટા કામોમાં કોઈની પણ શેહશરમ રાખવામાં માનતા નથી, પરિણામે તેઓ ઝડપથી આગળ વધ્યા અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી જીત્યા. ધીરેધીરે તેઓએ પોતાની એક લડાયક અને પ્રજાહિતના પ્રશ્નોને અધિકારીઓ-પદાધિકારીઓ સમક્ષ મુકવા માટેની ઓળખ ઊભી કરી. મજબૂત લોકસંપર્ક અને સુરત જિલ્લાના લગભગ તમામ ગામો સુધી લોકસેવા કાજે દર્શન નાયક દોડતા રહે છે. તેમની જન્મ-કર્મભૂમિ ઓલપાડમાં તેઓ વધુ સક્રિય રહે છે. દર્શન નાયક ખેડૂત અને સહકારી ક્ષેત્રે પણ મજબૂત પકડ ધરાવે છે. હાલ તેઓ સાયણ સુગર ફેક્ટરની ડિરેક્ટર છે. નામાંકિત આનંદ વોલીબોલ કલબના પ્રમુખ છએ. ડીઆરજીડી સાર્વજનિક વિદ્યાલયના ઉપપ્રમુખ અને સુરત જિલ્લા શૈક્ષણિક સંચાલન મંડળના સહમંત્રી તરીકે સેવારત છે.
નાયકે સર આંદોલન, બુલેટ ટ્રેન જમીન સંપાદન વિરોધ અને ભાટીયા ટોલ ટેક્સ જેવા અનેક મુદ્દે મોરચો ખોલ્યો


દર્શન નાયકે અનેક આંદોલનની આગેવાની કરી. હાલની જ વાત કરીએ તો બુલેટ ટ્રેનના જમીન સંપાદન મુદ્દે ઓછા વળતર મામલે તેઓએ આંદોલન છેડ્યું અને છેક જાપાનથી પત્રકારો દોડી આવીને તેમની વાત મુકી. કામરેજ અને ભાટીયા ટોલ પ્લાઝા પર સ્થાનિક પાસેથી પણ બેફામ ટોલટેક્સ વસૂલી સામે તેઓએ ના-કર સમિતિ બનાવીને લાંબી લડત ચલાવી જીત મેળવી. ભાંડુપ ઘન કચરા પ્લાન્ટ સામે લડત ચલાવી સુરત મનપાને રોકી, હજીરા-ગોથાણ રેલવે લાઈન સંદર્ભે ખેડૂતોની ખાનગી જમીન સંપાદિત કરવા સામે લડ્યા. હજીરાની કંપનીઓમાં સ્થાનિકોને નોકરી અપાવવા લડત ચલાવી. સર આંદોલનમાં લડત ચલાવી. આવા અનેક એવા પ્રશ્નો અંગે તેઓ આજે પણ લડતા રહે છે. એક દિવસ એવો જતો નથી કે તેઓ અખબારી પાને ચમકતા ન હોય.
નાયકના દાદા સ્વતંત્ર ચળવળકાર રહ્યાં
દર્શન નાયકના દાદા સ્વ. છોટુભાઈ લલ્લુભાઈ નાયક ઘાસિયા સત્યાગ્રહને સફળ બનાવવા માટે આઝાદીની ચળવળના ગુરુ સ્વ. કાનજીભાઈ દેસાઈ, હિતેન્દ્ર દેસાઈ, પ્રમોદકાકા, ગાંધીજીના સલાહકાર સ્વ. મહાદેવભાઈ દેસાઈ વગેરે સાથે ચળવળમાં જોડાયા હતા અને શિક્ષિત ખેડૂત પરિવારનો આ ગુણ દર્શનમાં પણ આવ્યો. આજે તેમનું નામ પડે એટલે ઘણાં ભ્રષ્ટ અધિકારીઓના હાજા ગગડી જાય છે.