સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને ઇ-માધ્યમથી મળી હતી.
ઓનલાઇન બેઠકમાં ધારાસભ્ય વિવેક પટેલે ઉધના બસ ડેપોનું બ્યુટીફિકેશન કરવાની રજુઆત અંતર્ગત એસટી વિભાગના અધિકારીએ આગામી આયોજનમાં કામ લેવામાં આવ્યું હોવાની વિગતો આપી હતી. ઉધના ખાતે હાઈટેન્શન લાઈન અંડર ગ્રાઉન્ડ કરવા, ઉધના વિસ્તારની મઢીની ખમણીથી ગુરૂકૃપા સોસાયટી સુધીના વિસ્તારોમાં વિજળીની જરૂરિયાત અનુસાર નવું સબસ્ટેશન બનાવવાની રજુઆત કરી હતી. આ ઉપરાંત કોરોનાકાળ દરમિયાન રોજગાર કચેરી દ્વારા છેલ્લા છ મહિનામાં કરવામાં આવેલ કામગીરી તેમજ વધુમાં વધુ રોજગારમેળાઓ થાય તે અંગેના પ્રયાસો કરવા રજુઆત કરી હતી. જે સંદર્ભે રોજગાર અધિકારીએ છેલ્લા મહિનાઓ દરમિયાન ૧૯ ઓનલાઈન રોજગાર ભરતીમેળા, કારકિર્દી માર્ગદર્શન વેબિનાર કરવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી.
સાંસદ દર્શનાબેન જરદોશે વરાછા તથા અન્ય પોલીસ સ્ટેશનો બહાર જપ્ત કરવામાં આવેલા વાહનો યોગ્ય જગ્યાએ મૂકી શકાય તે માટે જગ્યાની ફાળવણી કરવાની રજુઆત સંદર્ભે પાલિકા દ્વારા ટુંક સમયમાં અલાયદા પ્લોટથી ફાળવણી કરવામાં આવનાર હોવાની ચર્ચા થઈ હતી. કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ સૂચિત સોસાયટીઓના પ્લોટધારકો દ્વારા નાણા ભરવાની અનુકૂળતા રહે તે માટે હપ્તા કરવામાં આવે તે સંદર્ભે જમીન સંપાદન અધિકારીએ સરકાર દ્વારા પરિપત્ર કરીને ચાર હપ્તામાં સુચિત સોસાયટીના પ્લોટધારકો નાણા ભરી શકશે તેમ જણાવીને સોસાયટીના પ્રમુખો સાથે કેમ્પ કરીને વધુમાં વધુ લોકો યોજનાનો લાભ લે તેવા પ્રયાસો કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું. આ ઉપરાંત ધારાસભ્યએ અમરોલી, અંજની સોસાયટી, રાજ હોટલથી હાઈવે તરફ જતા રસ્તાનું કામ શરૂ થયું ન હોવા બાબતે કલેકટરએ સત્વરે માર્ગ અને મકાનના અધિકારીઓને કામ શરૂ કરવા જણાવ્યું હતું.
ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે સુડામાં સમાવિષ્ટ ગામોમાં ટી.પી.સ્કીમમાં જે ખેડુતોની જમીનો કપાત થઈ હોય અને તેઓને અન્યત્ર પ્લોટની ફાળવણી કરવામાં આવે છે, ત્યારે વીજ કનેકશનની ટ્રાન્સફર ફી ખેડુતો પાસેથી વસુલવામાં આવે છે તે અંગેની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ આ બાબત અંગેનો નિર્ણય નીતિવિષયક હોય ઉચ્ચસ્તરે અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિવડો લાવવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાત, તેમણે મોટા વરાછા, ઉત્રાણ વિસ્તારમાં સિટી સર્વેમાં એન્ટ્રીઓ પાડવા તેમજ બોગસ રેશનકાર્ડ સંદર્ભે રજુઆતો કરી હતી.
ભાગ-૧ની બેઠકમાં કલેકટરએ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીની વિગતો સી.એમ.ડેશબોર્ડ પર અદ્યતન કરવા જણાવ્યું હતું. સરકારના વિવિધ વિભાગોમાં નાગરિક અધિકારપત્રની બાકી અરજીઓ, બાકી પેન્શન કેસો, ઓડિટ એ.જી.પેરાની પૂર્તતા અંગે વિસ્તૃત સમીક્ષા કરી લોકોની પડતર અરજીઓનો ઝડપભેર ઉકેલ કરી સરકારી નાણાં વસુલાતને વધુ વેગવાન બનાવવા સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.