ગુજરાતમાં યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા 1720 મુસાફરોના RTPCR ટેસ્ટ થયા હતા જેમાથી 11 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી રાજ્ય સરકારે તકેદારી રાખી કોરોના વાયરસનાં નવા પ્રકારના સ્ટ્રેનના લક્ષણોની તપાસણી માટે સેમ્પલની પુના-ગાંધીનગરમાં ચકાસણી માટે મોકલ્યા છે જેની જીનોમ સ્ટડી કરાશે. જોકે આ તમામ ટેસ્ટનું 8થી 10 દિવસમાં પરિણામ જાણી શકાશે.
રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારે પણ ભારત સરકારના આ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીને આગવું ઉદાહરણને પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીના પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય પણ આ સમય દરમિયાન યુકેથી ગુજરાત આવ્યા હતા અને તેમણે ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ પોતાનો RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે..
કોરોના વાયરસના યુકે અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતારૂપે ભારત સરકારે આ દેશોમાંથી ભારત આવતી તમામ હવાઇ ઉડાન 23 ડિસેમ્બરથી રદ કરી છે. ભારત સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે, આ દેશોમાંથી 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન આવેલા તમામ મુસાફરોએ સેલ્ફ મોનીટરીંગમાં રહેવું પડશે. એટલું જ નહીં 9મી ડિસેમ્બરથી 23 ડિસેમ્બરના સમય દરમિયાન ભારત આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ RTPCR ટેસ્ટ ફરજીયાતપણે કરાવવાના રહેશે.
કયા શહેરના કેટલા લોકો એરપોર્ટ પર પોઝિટિવ મળ્યા
તારીખ 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન આવા 572 મુસાફરો યુ.કે યુરોપથી રાજ્યમાં આવેલા છે. તે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર દરમિયાન 1148 વ્યક્તિઓ આ દેશોથી ગુજરાતમાં આવ્યા છે. તેમના RTPCR ટેસ્ટમાં અમદાવાદ-4, વડોદરા-2, આણંદ-2, ભરૂચ-2 અને વલસાડ-1 વ્યક્તિઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ વ્યક્તિઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે રાખવામાં આવી રહી છે.