સાધ્વી પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા સુરતની લાજપોર સેન્ટ્લ જેલમાં કાપી રહેલા આસારામ પુત્ર નારાયણ સાંઇ પાસેથી શંકાસ્પદ સ્થિતિમાં મોબાઇલ ફોન મળી આવતાં જેલ સત્તાધીશો તરફથી સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાય છે. નારાયણ સાંઇને બીજી બેરેક ફાળવવામાં આવી હતી પરંતુ જે બેરેકમાંથી મોબાઇલ ફોન મળ્યો ત્યાંના ચાર કેદી સાથે નારાયણની શંકાસ્પદ હાજરી મળી આવી છે. જોકે, આ મામલે જેલ સત્તાધીશોએ પોલીસ ફરિયાદ નોંધાવતા એક કેદી પર બાતમી આપી હોવાનો આરોપ મુકી તેને તેના કહેવાતા સાગરિતોએ ઢોર મારમાર્યો હોવાની અને પરિવારને પણ પતાવી દેવાની ધમકી આપતા બીજી એક ફરિયાદ પણ નોંધાઈ છે.
બાતમીને આધારે વોચ ગોઠવી પકડ્યા
જેલ સુપરિન્ટેન્ડન્ટ મનોજ નિનામાએ મીડીયાને જણાવ્યું હતું કે એ/2, બેરેક નંબર ૫૫માં કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોવાની માહિતી મળી હતી. જેલમાં મોબાઇલ ફોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ જેલમાં મોબાઇલ ફોન ઘૂસાડવામાં આવ્યાની વાતને પગલે મંગળવારે વોચ રાખવામાં આવી હતી. બપોરે સાડા ત્રણ વાગ્યા બાદ ઝડતી સ્કવોડ ત્રાટકતાં જ ત્યાં નારાયણ સાંઇ ઉપરાંત આજીવન કેદની સજા પામેલા ખૂંખાર ગુનેગાર મુસ્તાક અસ્લમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગડીયા, તારીક કુત્બુદ્દીન સૈયદ અને નવીન દલપત ગોહિલ સહિતના પાંચ કેદીઓ મળી આવ્યા હતા. પોલીસને જોતા બધા આઘાપાછા થવા લાગ્યા હતા અને બધાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. જેમાં નવીન ગોહિલે કોમન ટોયલેટ તરફ કોઇ વસ્તુ ફેંકી હોવાનો પણ ખ્યાલ આવ્યો હોઇ જેલ સ્ટાફ દ્વારા આખા બેરેકની ઝડતી લેવાઇ હતી. .દરમ્યાન બેરેક નંબર પાંચ અને ૬૬ વચ્ચેની કોમન ટોઈલેટના દરવાજા પાસે જ એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન બેટરી સાથે હતો. તેની અંદરથી સીમકાર્ડ જોકે કાઢી લેવાયું હતું. ઉપરનું ઢાંકણું પણ ન હતું. સ્પષ્ટ હતું કે કેદીઓ આ ફોનનો ઉપયોગ કરતા હતા અને ઝડતી સ્કવોડ આવ્યાનો ખ્યાલ આવી જતાં તેમણે સીમકાર્ડ કાઢી બેટરી લગાવ્યા વિના હડબડાટમાં ફેંકી દીધો હતો. અનઅધિકૃત રીતે મોબાઇલ ફોન લાવવા અને તેનો ઉપયોગ કરવા બદલ નારાયણ સાંઇ સહિત પાંચેય વિરુધ્ધ કેદી અધિનિયમ ૪૨, ૪૩, ૪૫(૧૨) અંતર્ગત સચીન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ મોબાઇલ ફોન ઉપર કોણે અને કોની સાથે વાત કરી છે તે જાણી શકાય તે માટે ફોન એફ.એસ.એલ.માં મોકલવા પોલીસને જેલ સત્તા દ્વારા લખવામાં આવ્યું હતું.
બાતમી કેમ આપી કહીં એક કેદીને મારમાર્યો
20 ઓક્ટોબરે ઝડતી સ્કવોડને મોબાઇલ ફોન પકડાઇ જતાં મુસ્તાક પરમાર, પરેશ ઉર્ફે પાંચો જોગડીયા, તારીક કુતુબુદ્દીન સૈયદ અને નવીન દલપત ગોહિલે બીજાં દિવસે સાથી કેદી ભૂપત ચૌહાણને ઘેર્યો હતો અને તેના પર ચારેયે હુમલો કરી માર માર્યો હતો. તે સાથે બાળકોને પણ મારી નાંખવાની ધમકી આપવામાં આવતાં પોલીસે નારાયણસાંઇ સિવાય બીજા ચાર વિરુદ્ધ મારામારી અને ધમકી અંતર્ગત પણ બીજો ગુનો નોંધ્યો હતો.
જેલમાં અવારનવાર મોબાઈલ ફોન મળી આવે છે, સ્ટાફની સંડોવણી??
સુરતની લાજપોર જેલમાં મોબાઈલ ફોન વારંવાર પકડાય રહ્યાં છે. અનેકવાર ફરિયાદો થઈ છે છતા તે અંદર આવવાના બંધ થતા નથી. તાજેતરની વાત કરીએ તો માથાભારે સૂર્યા મરાઠીની હત્યાના આરોપીઓ અંદરથી વીડીયો કોલ કરતા હોવાનો વીડીયો અને ફોટા વાઈરલ થયા હતા. દરેક વખતે જેલ સત્તાધીશો ફરિયાદ નોંધાવે છે પણ તપાસમાં વધુ સામે આવતું નથી. મોબાઈલ આવ્યા ક્યાથી, કેવી રીતે સંતાવાય છે. કોણ કોણ સામેલ છે, જેલ સ્ટાફ સામેલ છે કે કેમ તે દિશામાં નક્કર તપાસ થતી હોય તેવું લાગતુ નથી. લાજપોર જેલ હાઈટેક હોય અને તેમાં સીસીટીવી કેમેરા પણ 700થી વધુ લગાવાયા હોવાના દાવા થતા હોય ત્યારે આવી રીતે મોબાઈલ ફોન અંદર પહોંચવા અને તેના પર રોજબરોજ વાત થવી તે આશ્ચર્યજનક ઘટના છે. જેલની અંદર મોબાઈલ નેટવર્ક ન ચાલે તેવા જામર પણ લગાવાયા હોય છે છતા ફોન કેવી રીતે ચાલે છે તે પણ એક સવાલ છે! યા તો ચોક્કસ સમયે જામર બંધ કરાય છે યા તો તે ચાલતા નથી. તે અંગે પણ તપાસ થવી જરૂરી છે.