સિવિલ હોસ્પિટલ કે લાલિયાવાડીનો અડ્ડો: મનપા કર્મીનું મોત થયુ રાત્રે પણ….!!

સુરતની સિવિલ હોસ્પિટલ એટલે લાલિયાવાડીનો અડ્ડો હોવાનું વારંવાર સામે આવતી ઘટના પરથી પ્રતીત થઈ રહ્યું છે. હજી એક દિવસ પહેલા જ કોવિડમાં અવસાન પામેલી મુસ્લિમ મહિલાના શબને હિન્દુ ફેમીલીની સોંપી દઈ અગ્નિસંસ્કાર કરાવી દેનાર તંત્રનો વધુ એક લાપરવાહીનો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે કોવીડમાં અવસાન પામનાર બીજુ કોઈ નહીં પરંતુ સુરત મનપાના વરાછા ઝોનના સેનેટરી ઈન્સ્પેક્ટર મોહંમદ હનીફ મુસાભાઈ ચોપડાના કેસમાં લાલિયાવાડી સામે આવી છે. તા. 1 એપ્રિલના રોજ શ્વાસ લેવામાં તકલીફ થવાથી તેમને ન્યૂમોનિયા થયો હોવાનું નિદાન થયું હતું અને તેઓને સિવિલ હોસ્પિટલના પાંચમાં માળે આઈસીયુમાં દાખલ કરાયા હતા. જોકે, સારવાર દરમિયાન તેઓનું 5 એપ્રિલની રાત્રે 11.15 કલાકે અવસાન થયું હતું પરંતુ તેમના પરિવારને જાણ કરાય ન હતી. પરિવાર લગાતાર સિવિલ હોસ્પિટલના પૂછપરછ વિભાગના સંપર્કમાં હતો પરંતુ તેઓને ક્રિટીકલ હોવાનું જણાવાયું આજે 6 એપ્રિલે સવારે પણ જણાવાયું હતું.. જોકે, એક સામાજિક સંસ્થાએ ગઈરાત્રે મોહંમદ હનીફનું શબ જોયુ હોવાથી તેમના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારે ફરી હોસ્પિટલમાં તેમના સ્વજનનું ક્યારે મોત થયું તે સમય જાણવાનો પ્રયાસ કર્યો તો માલૂમ પડ્યુ કે તેઓ તો 5 એપ્રિલે રાત્રે જ દુનિયા છોડી ગયા હતા. આમ સિવિલે સવાર સુધી ક્રિટિકલ હોવાનું ધુપ્પલ ચલાવીએ રાખ્યું. આ મામલાની જાણ સુરત સુધરાઈ કામદાર (સ્ટાફ) મંડળના પ્રમુખ ઈકબાલભાઈ શેખ અને મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિને થતા તેઓએ ભારે નારાજગી વ્યક્ત કરીને જવાબદારો સામે કડક પગલા લેવા માંગ કરી છે. આ તમામ હકીકત સુરત સુઘરાઈ કામદાર મંડળ દ્વારા અમને અધિકૃત પ્રેસનોટ દ્વારા જાણવા મળી છે.

Leave a Reply

Translate »