કોરોના: મુખ્યમંત્રીની સુરતમાં સમીક્ષા બેઠક, લોકડાઉન-કરફ્યુ અંગે અભ્યાસ બાદ નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે સુરત ખાતે કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીએ મીડીયાને કહ્યું હતું કે, હાઈકોર્ટે જે નિર્દેશ કર્યા છે તેનો અભ્યાસ કરાશે અને આશિંક લોકડાઉન તેમજ વીકએન્ડ કરફ્યુ અંગે ત્યારબાદ નિર્ણય લેવો કે નહીં તે નક્કી કરાશે. આજે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે પણ સરકારને નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકારે જરૂરી નિર્ણય લેવો જોઈએ. બીજી તરફ, સરકાર પણ લોકડાઉન અંગે વિચારણા કરી રહી હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓ સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા સમીક્ષા કરી રહ્યા છે, ત્યાર બાદ દાંડિયાત્રાનો સમાપન કાર્યક્રમ પૂર્ણ કરી સાંજે મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ ગાંધીનગર પહોંચશે, જ્યાં કોર કમિટીની બેઠક મળશે, જેમાં કોરોના અંગે હાઈકોર્ટે આપેલા નિર્દેશો તેમજ વેપારી અને મેડિકલ એસોસિયેશને કરેલી માગણી અંગે ગંભીરતાથી ચર્ચાવિચારણા કરી ગુરુવાર રાતથી 3 દિવસનું આંશિક લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ છે.
મુખ્યમંત્રી રૂપાણીએ સુરતમાં કોરોનાના વધતા કેસ, કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેડની સુવિધામાં વધારો કરવા, વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા, જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રસીકરણમાં ઝડપ લાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.


વધુમાં મુખ્યમંત્રીએ સુરતમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા ત્રણ T- ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપનાવવા તેમજ લોકો માસ્ક પહેરે અને પૂરતું અંતર જાળવે તેની ઉપર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું.
આ બેઠકમાં ઉપસ્થિત આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણી, સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, સાંસદ દર્શનાબેન જરદોશ, સુરતના ધારાસભ્યઓ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવી, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સુરત મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા- વિચારણા કરી હતી.

Leave a Reply

Translate »