ઉનાથી પ્રવેશેલુ વાવાઝોડું સોમવાર રાતથી ગુજરાતને ઘમરોળી રહ્યું છે, જે આજે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર બુધવાર સુધી રાજસ્થાન પહોંચવાની સંભાવના છે. ત્યારબાદ જ ગુજરાતમાં તેની અસર ઓછી થવાની શક્યતા છે. જો કે આ દરમિયાન 100 કિમીની ઝડપે પવનની સાથે ભારે વરસાદ પણ પડી શકે છે અને હાલ રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના મહેસુલ સચિવ પંકજકુમારે સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે ગુજરાતમાં પ્રવેશેલું વાવાઝોડું ધીમું પડી રહ્યું છે, ગઈકાલે 160ની ગતિએ ત્રાટકેલા વાવાઝોડાની સ્પીડ હવે 100ની થઈ ગઈ છે. આ વાવાઝોડું બપોર સુધી અમદાવાદ થઈ ને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, પરિણામે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે, આજે મધરાત બાદ કે કાલે વહેલી સવાર પછી વાવાઝોડું ગુજરાત છોડી રાજસ્થાન તરફ આગળ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનો સ્ટાફ લગાતાર કંટ્રોલરૂમમાં હાજર રહી સમીક્ષા કરી રહ્યાં છે.
વાવાઝોડામાં 3નાં મોત, 40 હજાર વૃક્ષો ધરાશાયી, 16500 કાચા મકાનોને વાવાઝોડામાં નુકશાન
સરકારની અધિકૃત માહિતી મુજબ ભાવનગરમાં ઓક્સિજન પ્લાન્ટમાં પાવર કટ ના કારણે સમસ્યા થઈ હતી. 16 જગ્યાએ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખીરવાયો હતો.જ્યાં જનરેટર હતા. હાલ 2437 ગામ વીજ ડુલ થઈ હતી. જેમાં 484 ગામમાં પૂર્વવત કરાઈ છે. 220 kvના સ્ટેશન બંધ થઈ ગયા છે જ્યાં કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં 1081 થાંબલા, 40 હજાર વૃક્ષો પડી ગયા. 196 રસ્તા બંધ થઈ ગયા, 16500 કાચા મકાન અસરગ્રસ્ત થયા છે, જેનો સર્વે ચાલુ છે. બીજા વિસ્તારમાં 100થી વધુની સ્પીડે પવન ચાલુ છે ત્યાં પણ નુકસાનનો સર્વે ચાલુ છે. અત્યારે વરસાદ 35 તાલુકામાં 1 ઈંચ વરસાદ થયો છે. બગસરામાં 9 ઈંચ, ઉનામાં 8 ઈંચ, સાવરકુંડલામાં 8 ઈંચ, અમરેલી અને આસપાસના સ્થાનોમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. કન્ટ્રોલરૂમથી તમાનની સાથે સંપર્કમાં છીએ. અત્યાર સુધી 3નાં મોત થયા છે. જેમાં 1 વાપી, 1 રાજકોટ અને ગારીયાધારમાં 80 વર્ષના 1 વૃદ્ધનું મોત થયું છે.