- રાજા શેખ- 98980 34910
સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ (ઘન કચરો) ઉઘરાવનારા 700 કામદારોનું શોષણ થઈ રહ્યું હોવાની બૂમો ઉઠી છે. આ બધા વચ્ચે ચાર જેટલા કામદારોએ સોંગદનામા સાથેની ફરિયાદ નાયબ શ્રમ આયોગ, બહુમાળી ખાતે કરી છે અને તેમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે, ડોર ટુ ડોર ગાર્બેજના કોન્ટ્રાક્ટરો અમારું શોષણ કરે છે. અમારો ચોપડે પગાર રૂ. 21000 આસપાસ બોલે છે પરંતુ અમને માત્ર રૂ. 7000 જ આપવામાં આવે છે. આ ફરિયાદ બાદ શ્રમ આયોગ હરકતમાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરોને જરૂરી પુરાવા સાથે હાજર થવા ફરમાન કર્યું હતું અને આમ ન કરાય તો કાયદેસરના પગલાં ભરવાની નોટિસ પણ જારી કરી હતી પરંતુ કોઈ કોન્ટ્રાક્ટરે પગાર મામલે સુધારો કર્યો નથી. કોન્ટ્રાક્ટરો સુરત મહાનગર પાલિકામાં પ્રત્યેક કામદાર દીઠ રૂ. 21 હજાર વસૂલી દર મહિને લાખો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યાં છે. ઉપરાંત ઈન્કમટેક્સ ચોરી થતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ બધી બાબતો સુરત મનપાના સોલિડ વેસ્ટના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જોકે, આશ્ચર્ય વચ્ચે આજ દીન સુધી આઠેય ઝોનની કોન્ટ્રાક્ટર એજન્સી સામે કોઈ કડક કાર્યવાહી કરાય નથી અને તેઓ પાસે કામદારોનું શોષણ બંધ કરાવાયું નથી. જે ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે.
ચેક બુક, પાસબુક, એટીએમ કાર્ડ પણ કોન્ટ્રાક્ટર પોતાની પાસે રાખી લે છે અને પગાર પોતે કાઢી લે છે
શ્રમ આયોગમાં કરાયેલા સોગંદનામામાં 8 વર્ષ ઉપરાંતથી ફરજ બજાવતા કામદારો દ્વારા સ્પષ્ટ લખાયું છે કે, સુરત મનપાના આઠેય ઝોનની કોન્ટ્રાક્ટર એજન્સી ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન કરનારા ડ્રાઈવરો, કામદારોને પગાર કરવા માટે બેંકમાં એકાઉન્ટ તો ખોલાવે છે પરંતુ તેમના નામની ચેક બુક, પાસબુક તેમજ એટીએમ કાર્ડ કોન્ટ્રાક્ટરની ખાનગી ઓફિસ તેમજ ઉપરી અધિકારીના ઘરના એડ્રેસ પર મંગાવે છે. મહાપાલિકામાંથી દર 15 દિવસે બિલ પાસ કરાવાય છે. જે રાશિ ટેન્ડરરના ખાતામાં મનપાનું એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ નાંખે છે. ત્યાંથી પેટા કોન્ટ્રાક્ટરના ખાતામાં રાશિ જમા થાય છે અને તે પહેલા કામદારોના બેંક ખાતામાં નક્કી પગાર નાંખે છે અને બાદમાં કામદારોના એટીએમ દ્વારા ઉપાડી લે છે. દરેક કર્મચારીઓનો મિનિમમ બેઝિસ મુજબ પગાર રૂ. 21 હજાર ચુકવવાનો થાય છે પરંતુ તેઓને માત્ર રૂ. 7000 જ દર મહિને ચુકવાતા હતા. બે ગણી રકમ ખિસ્સે કરાય છે.. ફરિયાદ બાદ માત્ર કતારગામ ઝોનમાં રૂ. 11 હજાર ચુકવાય રહ્યાં છે. બાકીના ઝોનમાં હજી પણ સાત હજાર જ ચુકવાય છે. ઉપરાંત પગાર ચુકવનાર સુપરવાઈઝર પણ રૂ. 100થી 200 સુધીની કટકી મારે છે તે અલગ. આમ ગરીબ કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કામદારો આરોપ લગાવી રહ્યાં છે કે કોન્ટ્રાક્ટરો સાથે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓની પણ મિલીભગત છે. કામદારોની કડી મહેનતની કમાણીના નાણાંમાંથી કટકી કાઢીને તેમાં મનપાના અધિકારીઓ પણ ભાગબટાઈ કરે છે તેઓ સીધો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જે કર્મચારીઓ આવાજ ઉઠાવે છે તેઓને લેબરના નિયમો વિરુદ્ધ રાતોરાત છુટા કરી દેવામાં આવે છે. આ મામલે મનપાના ભાજપ શાસકો પણ મોઢું બંધ રાખી બેઠા છે તે આશ્ચર્યની વાત છે.
પગાર ભંગારમાંથી વસૂલી લો
કોન્ટ્રાક્ટ પરના સુપરવાઝરો કામદારો પુરતો પગાર માંગે છે તો કહેવાય છે કે, ડોર ટુ ડોર ગાર્બેજ ઉઘરાવતી વખતે ઘણો બધો ભંગાર આવે છે, પ્લાસ્ટિક થેલીઓ આવે છે. સરસામાન પણ આવે છે તે બધો તમે તમારી રીતે અલગ પાડીને ભંગારમાં વેચી દો અને તેમાંથી વધારાની રકમ મેળવી લો. તે તમારો નફો. આખરે નિયમ મુજબ કામદારો ટેમ્પો પાછળ અલગ-અલગ થેલા લટકાવીને ભંગારમાં વેચાય તેવો માલ અલગ કરે છે અને જે મળે તે મેળવી લે છે.
પાર્ટ-3