- રાજા શેખ (98980 34910)
ગુજરાતમાં ફરી વળેલા તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. લોકોની જાનમાલની સાથોસાથ જગતના તાત ખેડૂતોને પણ ભારે તારાજી વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો છે. સૌથી મોટુ નુકશાન બાગાયતી અને ઉનાળુ પાકને થયું છે. એક અંદાજ મુજબ માત્ર સાઉથ ગુજરાતમાં જ 200થી 250 કરોડનું નુકશાન ખેડૂતોએ વેઠવાનો વારો આવ્યો છે. આ આર્થિક નુકશાન સામે પ્રત્યેક ખેડૂતોનો તાત્કાલિક ધોરણે એકર દીઠ રૂ. 10 હજાર સહાય આપવા ગુજરાત ખેડૂત સમાજે સરકાર સમક્ષ માંગ મુકી છે.
ગુજરાત ખેડૂત સમાજના આગેવાન જયેશભાઈ પાલ અમને કહ્યું કે, આ વાવાઝોડાને કારણે બાગાયતી પાક જેવા કે કેરી, ચીકુ, પપૈયા, કેળા, તરબુચ, શક્કરટેટી ઉપરાંત ઉનાળુ પાક ડાંગર, કઠોળ (મગ-અડદ વગેરે), મગફળી, તલ વગેરેને ખૂબ મોટુ નુકશાન થયું છે. તેમજ જે શેરડીમાં હાર્વેસ્ટિંગ બાકી છે તેને નુકશાનની ભીતી છે. કુદરતની થપાટ સૌથી વધુ ખેડૂતોને વાગી છે. જો, હજી એક-બે દિવસ આવુ જ વરસાદી વાતાવરણ રહેશે અને પવન ફૂંકાશે તો થોડુ ઘણું કંઈક બચ્યુ હશે તે પણ નાસ પામી શકે છે. જયેશ પાલનું કહેવું છે કે, સાઉથ ગુજરાતમાં હજી 50 ટકા ડાંગર ખેડૂતોનો ઉતારવાનો બાકી છે, જે વાવાઝોડામાં તબાહ થયો છે અને તેનાથી દોઢથી બે કરોડનું નુકશાન છે. જ્યારે કેરીની હાલ સિઝન છે અને હજી ઘણી કેરી ઉતારવાની બાકી હતી તે પૂર્વે પવન અને વરસાદે તેને આમને આમ જ ભોંયભેગી કરી દીધી છે. આ કેરી બજારમાં વેચવી મુશ્કેલ છે. અગર કોઈ લે પણ તો પહેલા જેટલો ભાવ નહીં આવશે. પાલના અંદાઝ મુજબ કેરી સહિતના બાગાયતી પાકોમાં ખેડૂતોને 200થી 250 કરોડનું નુકશાન થયું છે. જેથી, અમે સરાકર સમક્ષ માંગ મુકી છે કે તાત્કાલિક પ્રભાવથી એક એકર દીઠ ખેડૂતોને 10 હજાર ચુકવી દેવાય અને બાદમાં દરેક ખેડૂતના ખેતરનો સર્વે કરીને જે પણ મોટુ નુકશાન હોય તેમાં બીજી વધારાની સહાય ચુકવવામાં આવે. જેથી, ખેડૂતો આ કુદરતી આફત બાદ પણ ટકી રહે.