સુરત મહાનગર પાલિકા આમ તો સવાસોથી વધુ બ્રિજ બનાવીને ‘બ્રિજ સિટી’ હોવાની પીઠ ભલે ઠપઠપાવતી હોય પરંતુ અહીં વાહનોના વસ્તી વિસ્ફોટ પર અંકુશ ન હોવાને કારણે દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. આમ તો મહાપાલિકાના એન્જિનિયરો (હોશિંયાર કે ડોબા તે તમે વાંચકો નક્કી કરજો)ની ફૌજ હંમેશા એક ‘ગફલત’ કરે છે અને તે એ છે કે કોઈપણ બ્રિજનો એપ્રોચ ચાર રસ્તા પહેલા જ ઉતારી દે છે. જેથી, આખો બ્રિજ સડસડાટ વાહનો પસાર ભલે થઈ જાય પણ એપ્રોચ પરના બોટલ નેકને કારણે અને ચાર રસ્તાને કારણે વાહનો ટ્રાફિકમાં ફસાય છે. પી-પી-પોપોના અવાજથી લોકો પરેશાન થાય છે તે અલગ.! આવું જ કંઈ જીલાની બ્રિજ (આમ તો તેનું નામ શાસકોએ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાડ્યું છે)માં પણ થયું છે. બ્રિજનો એપ્રોચ બરાબર પ્રસિદ્ધ સરદાર સ્કૂલના છેડે આપી દીધો. અહીં વાહનો ઉતરે એટલે તુરંત આગળ અડાજણ પાટીયાના ચાર રસ્તા આવે, તેમાં પણ પોલીસે ટ્રાફિક મેનેજમેન્ટ માટે સીધા ચાર રસ્તા પરથી વાહનો પસાર ન થાય તે માટે બેરિકેડ લગાવ્યા છે એટલે વાહનચાલકોએ પોતાના વાહનોને અડાજણ બસ ડેપો સુધી હંકારી જઈને ત્યાંથી યુ-ટર્ન મારીને સરદાર બ્રિજ તરફ આગળ જવું પડે છે. બીજી તરફ, વેડ રોડ તરફ જવા ઈચ્છતા વાહનચાલકો આખો યુટર્ન મારીને આવવું ન પડે તે માટે સરદાર સ્કૂલ પાસેથી રોંગ સાઈટ આવીને બ્રિજ પર ચઢવા જતા અડાજણ પાટીયા પરથી સીધા બ્રિજ પર ચઢતા વાહનો માટે અડચણ સાબિત થઈ રહ્યાં છે અને તેના કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાય છે! હોર્નના લગાતાર અવાજથી સ્કૂલમાં ભણતા બાળકો અને ડિવાઈ્ન હીબા હોસ્પિટલના દર્દીઓ તેમજ આસપાસ રહેતા લોકો માટે ત્રાસ બની રહે છે. વહેલી સવારે સ્કૂલ ઉઘડવાના સમયે અને છૂટવાના સમયે તેમજ સવાર-સાંજના પીક અવર્સમાં તો આ સમસ્યા એટલી વકરી જાય છે કે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, અહીં ચાર રસ્તે ઊભી રહેતી ટ્રાફિક પોલીસ આ સ્થળે આવતી નથી. અગર 100 નંબર પર ફરિયાદ થાય તો પોલીસ આવે છે પણ તે રોંગ સાઈડથી આવતા વાહનચાલકોને પાછા કરે છે પણ એક્શન લેતી નથી. પોલીસ દ્વારા લગાડવામાં આવેલા સીસીટીવીના આધારે પણ કંટ્રોલરૂમમાંથી પોલીસ તૈનાત કરાતી નથી કે મેમો મોકલવામાં આવતા નથી. આવા લોકોના વાહનો જપ્ત થાય અને મોટો દંડ થાય તો જ આ સમસ્યાનો અંત આવે એમ છે. સાથોસાથ ટ્રાફિક પોલીસ અહીંના દરેક રોંગ સાઈડ રસ્તા બંધ કરે તેમજ સીધા ચારરસ્તાને ખોલે તો આસાની રહે એમ છે.
અહીં મહાપાલિકાએ ફ્લાયઓવર બ્રિજ બનાવવો જરૂરી
સુરત મહાનગર પાલિકાએ વેડ દરવાજાના છેડે તો ફ્લાયઓવર બ્રિજ બનાવીને ત્યાં સર્જાતી આવી જ સમસ્યાનો ઉકેલ લાવી દીધો પરંતુ અડાજણ પાટીયાના છેડે પણ ફ્લાયઓવર બનાવવો જોઈએ તેવી માંગ સ્થાનિકો તેમજ વાહનચાલકો કરી રહ્યાં છે. પીક અવર્સમાં તમે અહીં એક સેકન્ડ ઊભી ન રહી શકો એવો વાહનોનો અવાજ અને હોર્નનો અવાજ લોકોને પરેશાન કરી રહ્યો છે. સ્કૂલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલના દર્દીઓ અને સિનિયર સિટિઝનો પરેશાન થઈ રહ્યાં છે. માનસિક સ્થિતિ લોકોની બગડી રહી છે એટલો ઘોંઘાટ અહીં થઈ રહ્યો છે. સુરત મનપા તત્કાલિક ધોરણે ચંદ્રશેખર આઝાદ બ્રિજ (જીલાની બ્રિજ)ના અડાજણ છેડે ફ્લાયઓવર નિર્માણ કરીને તેને સીધો જ ચાર રસ્તાની આગળ ઉતારે અને એક છેડો ઋષભ ટાવરની આગળ અને એક છેડો નહેરબ્રિજ તરફ ઉતારીને આ કાયમી સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે!! ટ્રાફિક પોલીસ પણ સીધા ચારરસ્તા ખોલીને ટ્રાફિકનું પ્રોપર મેનેજમેન્ટ કરે તે જરૂરી છે.
રાત્રે લક્ઝરી બસવાળાનો ત્રાસ
આમ તો લક્ઝરીને બસને રાત્રે 10 વાગ્યા બાદ જ શહેરમાં એન્ટ્રી છે પરંતુ અડાજણ ગુજરાત ગેસ સર્કલથી અડાજણ પાટીયા સુધી લક્ઝરી બસ વાળા રાત્રે 8 પછી અડીંગો જમાવે છે. અહીંથી રાત્રે 8થી 10.30 સુધી પસાર થવું હોય તો મુશ્કેલ બને છે. રસ્તામાં વચ્ચોવચ લક્ઝરી બસ લાઈનબંધ ઊભી રાખી પેસેન્જરોને બેસાડે છે અને ટ્રાફિક જામ થાય છે પરંતુ તેઓને ટ્રાફિક પોલીસની કોઈ રોકટોક હોય તેમ દેખાતું નથી. આ મામલે અગાઉ ફરિયાદો પણ થઈ છે છતા લક્ઝરી બસવાળાઓ પર કોઈ અસર થઈ નથી. ઘણીવાર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના વાહનો અહીં ઊભા હોવા છતા કોઈ આ બસોને ખસેડવાની હિંમત કરતા નથી એ સ્થાનિક લોકોને આશ્રર્ય જન્માવે છે! અહીં શાસક પક્ષો પણ કોઈ તસ્દી લેતા નથી!!