ઉભરાટ ખાતે રૂ.200 કરોડના ખર્ચે બનશે બ્રિજ, મુખ્યમંત્રીની જાહેરાત

  • સુરતના નગરજનોને રૂ.૫૧૪.૧૫ કરોડના વિકાસકામોની ભેટ ધરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
  • શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કરાયાઃ
  • સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ મોડલથી ૧૫૦ ઈલેકટ્રીક બસોનું ફલેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યુંઃ

સુરત ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સુરત શહેરે અનેકક્ષેત્રોમાં વિવિધ એવોર્ડ મેળવીને ગુજરાતની આબરૂ વધારી છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરત મનપાએ રૂા.૨૦ હજારના કરોડના વિકાસકામો કરીને સમગ્ર ગુજરાત માટે દાખલો બેસાડયો છે જે બદલ તેમણે પદાધિકારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ કોરોનાની કપરી પરિસ્થિતિમાં સૂરતવાસીઓની સુખાકારી માટે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના અંદાજિત રૂ.૪૩૧.૩૨ કરોડના અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના રૂ.૮૨.૮૩ કરોડના મળી કુલ રૂ.૫૧૪.૧૫ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યુ હતું. સાથે  સુરતના ઉભરાટ ખાતે રૂા.૨૦૦ કરોડના ખર્ચે નવા બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. જેનાથી ખજોદ ડ્રીમસીટી, ડુમસ, મગદલ્લા, સુલતાનાબાદ, મરોલી, ભીમપોર સહિતના ગામોને જોડતા બ્રિજ બનવાથી સૂરતનો વિકાસ વધુ તેજ બનશે.

સૂરતના સંજીવકુમાર ઓડીટોરીયમ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૂરત ડ્રીમસીટી, સ્માર્ટ સીટી, બ્રિજ સીટી સાથે અનેકક્ષેત્રોમાં વિકાસનો પર્યાય બન્યું છે. સુરતની કોર્પોરેશને પ્રજાની અપેક્ષા-આકાંક્ષાઓને ખરા અર્થમાં સાકારિત કરી છે. સામાન્ય માનવીને રહેવા અને માણવા ગાયક સીટી બને તેવી ગટર, પાણી, આવાસ, આરોગ્ય જેવી અનેક સુખ-સુવિધાઓ ઉભી કરી છે. જેના કારણે સુરત રહેવાલાયક શહેરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. કચરોનો યોગ્ય નિકાલ થાય, પાણીનો રી-યુઝ થાય, ટર્શરીવોટર જેવા પ્લાન્ટ શરૂ કરીને પર્યાવરણની સાચા અર્થમાં કાળજી લઈને સમગ્ર દેશને નવી રાહ બતાવી છે.રાજય સરકારે પારદર્શકતા સાથે ભ્રષ્ટાચાર મુકત શાસન વ્યવસ્થા સ્થાપિત થાય તે માટે ટેકનોલોજીને મહત્તમ ઉપયોગ કરીને ઓનલાઈન એન.એ., મકાન બાંધકામ માટેની મંજુરી, ટીપી-ડી.પી.પ્લાનની ઝડપી મંજુર, ઓનલાઈન દાખલાઓ જેવા અનેકવિધ નિર્ણયો કરીને વિકાસની ગતિ વધુ તેજ બનાવી છે.

છેલ્લા મહિનાઓ દરમિયાન વડાપ્રધાનના હસ્તે ગુજરાતમાં થયેલા વિકાસકામોની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડુતોને દિવસે વીજળી મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાતે વિવિધ પ્રકલ્પો, સી-પ્લેન, ગીરનાર રોપ-વે, હજીરા રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ કરીને સમગ્ર દેશમાં નવા કિર્તીમાનો સ્થાપિત કર્યા છે.

કોંગ્રેસ ખાતમૂહૂર્તના નાટકો કરતી અમે કામો કરીએ છીએ

કોગ્રેસના શાસનકાળ દરમિયાન ખાતમુહૂર્તના નાટકો થતા હતા. યોજના શરૂ થયા બાદ વર્ષો બાદ પણ પૂર્ણ થતી ન્હોતી તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ રાજય સરકાર જે વિકાસકામોનું ખાતમુહૂર્ત કરે છે તેનું નિયત સમયમર્યાદામાં લોકાર્પિત કરે છે. જે અભિમાન નહી પણ પધ્ધતિસરની વ્યવસ્થા ઉભી કરી છે તેનું પરિણામ છે. યોજનાની તાંત્રિક, નાણાકીય, ટેન્ડરની મંજુરી તત્કાલ આપીને ખાતમુહૂર્ત કર્યા બાદ સમયમર્યાદામાં વિકાસકામો પૂર્ણ થાય તેવી વ્યવસ્થા રાજય સરકારની રહી છે.

કોરોનાકાળમાં નાણાંની તંગી વચ્ચે અનેક વિકાસ કાર્યો કર્યા

કોરોના કાળમાં ગુજરાત સરકારે કોરોના સામે જંગ ખેલીને સુયોગ્ય પગલાઓ લઈને કોરોના પર લગામ લગાવી છે. જેના કારણે રિકવર્રી રેટમાં વધારો, ઝડપી ડિચાર્જ, ડેથ રેટમાં ધટાડો નોંધાયો છે. જેની નોંધ ડબ્લયુ.એસ.ઓ., આઈ.આઈ.એમ., આઈ.સી.એમ.આર. જેવી ઉચ્ચ સંસ્થાઓએ લઈને ગુજરાતની કોરોનાની કામગીરીને બિરદાવી છે હોવાનું તેમણે જણાવ્યું હતું.  કોરોના કાળમાં ગુજરાતની આવક ધટી હોવા છતા પૈસાની ચિંતા કર્યા વિના રૂા.૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર યોજના શરૂ કરી છે. છેલ્લા પાંચ-છ મહિના દરમિયાન સમગ્ર ગુજરાતમાં રૂા.૨૦ હજાર કરોડના જનવિકાસલક્ષી કાર્યો શરૂ કરીને રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે.

આ વેળાએ મુખ્યમંત્રીના હસ્તે શહેરના સમતોલ વિકાસથી પ્રજાભિમુખ પ્રકલ્પોને આગળ ધપાવતી સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા અને રાંદેર ઝોનમાં સાકારિત સુમન હાઈસ્કૂલ, વાંચનાલય, ઈ-બસની સુવિધા અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકોર્પણ કરવામાં આવ્યું હતું.  ઉપરાંત, રૂા. ૪૩૧.૩ર કરોડના ખર્ચે શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં NRCP યોજના અંતર્ગતના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત EWSના આવાસો, લિંબાયત-ડીંડોલી વિસ્તારને જોડતો રેલવે અંડરપાસ તથા નગર પ્રાથમિક શાળા, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરહેડ ટાંકી, આંગણવાડી, કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.  મુખ્યમંત્રીએ જૂન-૨૦૧૮ થી ડિસેમ્બર-૨૦૨૦ દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા કરાયેલા વિવિધ વિકાસકાર્યોની માહિતી દર્શાવતી “વિકાસયાત્રા” પુસ્તિકાનું વિમોચન કર્યું હતું

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા બાંધકામ શ્રમિકોને મુખ્યમંત્રીના હસ્તે વિનામૂલ્યે બસ પાસ અપાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શહેરમાં વસતા બાંધકામ શ્રમિકોને વિનામૂલ્યે બસ પાસ એનાયત કરાયા હતા. તનતોડ મહેનત કરીને પેટીયુ રળનારા બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે સુરત મહાનગરપાલિકા તથા શ્રમયોગી કલ્યાણ બોર્ડ અનેરી પહેલ કરવામાં આવી છે. જે અનુસાર શ્રમિક પરિવહન યોજના અંતર્ગત સુરત શહેરમાં સિટિલિંક દ્વારા ચાલતી બસોમાં શ્રમયોગીઓને વિનામૂલ્યે બસ પાસ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં એક વર્ષ દરમિયાનના આ પાસની ૮૦ ટકા રકમનો ખર્ચ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચુકવવામાં આવશે તથા ૨૦ ટકા ખર્ચ લાભાર્થીએ ચુકવવાના રહે છે. પરંતુ જરૂરીયાતમંદોને આર્થિક ભીસ ન પડે અને સરળતા રહે તેવા ઉદ્દેશ સાથે બાકી ૨૦ ટકાનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવશે. હવે શ્રમયોગીઓ આ પાસ દ્વારા શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે વિનામૂલ્યે જઈ શકશે.

Leave a Reply

Translate »