5000 કરોડ જેટલું કૌભાંડ, હું ઉજાગર કરીશ ડરવાનો નથી: ભાજપ નેતા

સુરતના ભાજપ ઉપપ્રમુખ પીવીએસ શર્મા (પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી)એ સુરતમાં નોટબંધી બાદ ટેક્સચોરીના કૌભાંડ અંગે વડાપ્રધાન અને ફાઈનાન્સ મિનિસ્ટરને ટેગ મારી કરેલા ટ્વવીટ બાદ વિવાદ ગરમાયો છે અને ઈન્કમટેક્સ વિભાગે તેઓને તેમની સંપત્તિ અંગે સમન્સ મોકલ્યા બાદ બુધવારે મોડી રાત્રે તેમના  પીપલોદ સિટી જિમખાના સામે આવેલા ફોર સિઝન્સ એપાર્ટમેન્ટના સી વિંગના ચોથા માળે આવેલા ફ્લેટમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા છે. પોતે ઉઠાવેલા અવાજને પગલે તેમને મળતી આવેલી ધમકી બાદ આ દરોડા પાડી તેમના અવાજને દબાવીને આખા કૌભાંડ પર પરદો નાંખવાનો પ્રયાસરૂપે આ છાપામારીને લેખાવીને પીવીએસ શર્માએ ખોંખારો ખાધો હતો કે હું કોઈનાથી ડરવાનો નથી, આ કૌભાંડ પાંચ હજાર કરોડથી વધુ છે. મારા સુરતીઓના વિકાસમાં આ રકમ કામ આવશે. મારી પાસે પુરતા પુરાવા છે અને તેના આધારે હું ઈન્કમટેક્સના કેટલાક અધિકારીઓએ મોટા માથાઓ સાથે મળીને કરેલા આ કૌભાંડને ઉજાગર કરીશે.  ઈન્કમટેક્સના દરોડા પડ્યા બાદ આજે ગુરુવારે સવારે તેઓ પોતાના એપાર્ટેમેન્ટ નીચે ધરણા પર બેસી ગયા હતા અને મીડીયા સાથે વાત કરી હતી.

પીવીએસએ કહ્યું હતું કે, આ મારા મૌલિક અધિકારનું હનન થયું છે, ઈન્કમટેક્સની તપાસમાં હું તેમને સહયોગ આપી રહ્યો છે. પરંતુ હવે 10 કલાકથી વધારેનો સમય થઈ ગયો છે. મારા પર તમામ પ્રકારની પાબંદી લાધી છે, ફોન કરતા પણ અટકાવાય રહ્યો છે. મેં પણ મારી ઈન્કમટેક્સની જોબ દરમિયાન 300થી વધારે દરોડા પાડયા છે, આ અધિકારીઓ મને કયા કાયદાથી રોકી શકે. મને 27 તારીખે જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યો હતો. તો એ પહેલાં રાત્રે રેડ પાડવાની શું જરૂર હતી. મારી પાસે જે ડોક્યુમેન્ટ છે જે આ લોકોના ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે છે, એનાથી એ લોકો ફફડી રહ્યા છે. રાત્રે 10:30થી સવારે 5 વાગ્યા સુધી મારા ઘરે સર્ચ ચાલી હતી.

આવા ટ્વીટ પીવીએસ શર્માએ કર્યા..167 કરોડની ટેક્સ ચોરી

પીવીએસ શર્મા નોટબંધીની રાત્રિએ શહેરના જ્વેલર્સ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું તેની તપાસ ઈડી અને સીબીઆઈ દ્વારા કરવામાં આવે તે અંગેનું ટ્વીટ મે કર્યું છે. તે સમયે કોઈ જ્વેલર્સ કે કંપનીના નામનો ઉલ્લેખ કર્યો નથી. રૂ. 167 કરોડ ટેક્સ ભરવાની નોબત આ‌વતાં તેઓ ગભરાયા છે. જ્વેલર્સ અને કેટલાંક ભ્રષ્ટ આવકવેરા અધિકારી મારી પાછળ પડ્યા છે. ધમકીઓ મળી રહી છે, પરંતુ હું ગભરાવાનો નથી. રૂ. 10 કરોડનો ફ્લેટ હોય તો તેઓ તેને લઈ લે અને સામે તેમના 5 મકાન મને આપી દે. આવનારા સમયમાં નોટબંધી દરમિયાન જે અનેક કૌભાંડ થયા છે એની પણ વિગતો તૈયાર કરી રહ્યો છું. જે આવનારા સમયમાં જાહેર કરીશ.

ચણભણ: પીવીએસના દાવા સાચા તો તપાસ થવી જોઈએ

પીવીએસ શર્માના પુરાવા સાથેના ટ્વીટ અને તેમના દાવાથી જરૂર કેટલાક જવેલર્સમાં ફફડાટ છે અને તેમના કહેવા પ્રમાણે તેઓને ધમકી પણ મળી રહી છે ત્યારે ભાજપના જ મોટા કદના સુરતના નેતા ની આવી હાલત અધિકારી રાજમાં થઈ રહી છે ત્યારે સામાન્ય માણસની શી વિસાત? એવા સવાલો ભાજપના કાર્યકરો તેમજ આમ જનતામાં ઊભા થઈ રહ્યાં છે. ખાસ કરીને ત્યારે કે ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પણ સુરતના છે ત્યારે આ મુદ્દે ચણભણ શરૂ થઈ છે. જો ખરેખર પીવીએસ શર્માની વાતમાં વજૂદ હોય તો તે અંગે સરકારે તપાસ કરાવી જોઈએ કે જેનાથી મોટી ટેક્સચોરી બહાર આવે અને સરકારી તિજોરીને લાભ થવા સાથે ભ્રષ્ટ અધિકારીઓ સામે એક્શન લઈ શકાય.

Leave a Reply

Translate »