મન કી બાત 2.0ના 17મા એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ છે. આ પાવન અવસરે આપ સૌને અનેક અનેક શુભેચ્છા… દશેરાનું આ પર્વ અસત્ય પર સત્યની જીતનું પર્વ છે. પરંતુ સાથે જ, એક રીતે એ સંકટો પર ધૈર્યના વિજયનું પર્વ પણ છે. આજે આપ સૌ ખૂબ સંયમપૂર્વક જીવી રહ્યાં છો. મર્યાદામાં રહીને પર્વો, તહેવારો ઉજવી રહ્યાં છો, માટે જે લડાઇ આપણે લડી રહ્યાં છીએ તેમાં જીત પણ નક્કી છે.
પહેલાં, દુર્ગા મંડપોમાં, માં ના દર્શન માટે એટલી ભીડ એકઠી થતી હતી, બિલકુલ મેળા જેવું વાતાવરણ રહેતું હતું. પરંતુ આ વખતે એવું નથી બની શક્યું. પહેલાં, દશેરાએ પણ મોટામોટા મેળા થતા હતા, પરંતુ આ વખતે તેમનું સ્વરૂપ પણ અલગ જ છે. રામલીલાનો તહેવાર પણ, કે જેનું બહું મોટું આકર્ષણ હતું, પરંતુ તેમાં પણ અંકુશ મૂકાયેલાં છે.
તમામ તહેવારોમાં સંયમથી કામ લેવાનું છે
PMએ કહ્યુ કે, પહેલાં, નવરાત્રીમાં ગુજરાતના ગરબાનો ગુંજારવ ચારે તરફ છવાયેલો રહેતો હતો, આ વખતે બધાં મોટાં મોટાં આયોજન બંધ છે. હજી આગળ પણ કેટલાંય પર્વ આવવાનાં છે. હમણાં જ ઇદ આવશે, શરદપૂર્ણિમા છે, વાલ્મીકી જયંતી છે. પછી, ધનતેરસ, દિવાળી, ભાઇબીજ, છઠી માતાની પૂજા છે, ગુરૂ નાનકદેવજીની જયંતી છે, કોરોનાના આ સંકટકાળમાં આપણે સંયમથી જ કામ લેવાનું છે. મર્યાદામાં જ રહેવાનું છે.
વોકલ ફોર લોકલ
તેમણે કહ્યું કે, આપણે જયારે તહેવારની વાત કરીયે છીએ, તે માટેની તૈયારીઓ કરીયે છીએ, ત્યારે સૌથી પહેલાં મનમાં એ જ થાય કે બજારે ક્યારે જવાનું છે? શું શું ખરીદવાનું છે? ખાસ કરીને, બાળકોમાં તો એનો વિશેષ ઉત્સાહ હોય છે, તહેવારોમાં આ વખતે નવું શું મળવાનું છે? તહેવારોના ઉમંગ અને બજારની રોનક એક-બીજા સાથે જોડાયેલાં છે. પરંતુ આ વખતે તમે જયારે ખરીદી કરવા જાવ ત્યારે વોકલ ફોર લોકલનો પોતાનો સંકલ્પ ચોક્કસ યાદ રાખજો. બજારમાં સામાન ખરીદતી વખતે આપણે સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવાની છે.
કોરોનામાં મુશ્કેલ સમયમાં સાથે રહેનારાઓને યાદ રાખજો
સાથીઓ, તહેવારોના આ હર્ષોલ્લાસ વચ્ચે આપણે લોકડાઉનના સમયને પણ યાદ કરવો જોઇએ. લોકડાઉનના સમયમાં આપણે સમાજના તે સાથીઓને વધુ નિકટતાથી જાણ્યા છે, કે જેમના વિના આપણું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાત. સફાઇ કર્મચારી, ઘરમાં કામ કરનારાં ભાઇઓ-બહેનો, સ્થાનિક શાકભાજીવાળા, દૂધવાળા, ચોકીદાર, આ બધાંની આપણા જીવનમાં શું ભૂમિકા છે તે આપણે સારી રીતે અનુભવ્યું છે. મુશ્કેલ સમયમાં, તેઓ આપણી સાથે હતા, આપણાં બધાંની સાથે હતાં. હવે, આપણાં પર્વોમાં, આપણાં આનંદમાં પણ, આપણે તેમને સાથે રાખવાનાં છે. મારો આગ્રહ છે કે જે પણ રીતે શક્ય હોય, તેમને પોતાના આનંદમાં ચોક્કસ સામેલ કરજો. પરિવારના સભ્યની જેમ સામેલ કરજો, પછી તમે જોજો, તમારો આનંદ પણ કેટલો વધી જાય છે!