પીવીએસ શર્માએ સોશ્યલ મીડીયા પર વીડીયો જારી કર્યો, મારી પાસેથી એક રૂપિયો પણ વધુ મળ્યો નથી
સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્મા (પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી)એ સોશિયલ મીડિયા પર એક વીડીયો મુકીને દાવો કર્યો છે કે, મારા ત્યાં ઈન્કમટેક્સને ત્યાં થયેલા સર્ચમાં એક રૂપિયો પણ વધારે મળ્યો નથી. કેટલાક મીડીયા દ્વારા પ્રોપોગન્ડા અને કોઈનો હાથો બનીને મારા ત્યાંથી ફલાણું પકડાયું, આવક કરતા વધારે સંપત્તિ મળી વગેરે વાતો ચગાવીને ભ્રમ ફેલાવ્યો છે. હું ઈન્કમટેક્સની નોકરી છોડી સમાજ સેવા કરવા માટે ના કે રૂપિયા ભેગા કરવા માટે એટલે તેવી વાતોમાં દમ નથી. શર્માએ કહ્યું કે મારે ત્યાંથી ગોલ્ડ-જ્વેલરી કે બીજી કોઇ વસ્તુઓ સીઝ કરાઈ નથી. ઊનના જે પ્લોટની વાત છે તે નાના નાના પ્લોટ છે અને તે મુસ્લિમ વિસ્તાર હોવાથી ત્યાંના સ્થાનિક ટ્રસ્ટને મેં વેચી દીધા હતા અને તે ચોપડે બતાવ્યું છે. મારી પાસે લિંબાયતમાં નાની ઓફિસ છે, એક બીજી ઓફિસ છે. પલસાણા ગામમાં 2 હજાર ફુટની નોન એગ્રિકલ્ચરલ જમીન છે. આ ત્રણ મારી મિલકતો છે. આ સાથે મારા વાઇફના નામે ફોર સિઝનમાં ફ્લેટ છે તેમજ 2016માં લીધેલી એક ઓફિસ છે તેમજ હૈદરાબાદમાં એક મિલકત છે. બેનામી નામે ઇન્વેસ્ટ કરેલી મિલકતોની જે વાત ચગાવવામાં આવી છે તે ખોટી છે અને કોઈનો હાથો બનીને, વિરોધીઓના કહેવાથી ચગાવાય છે.
પીવીએસ શર્મા ટ્વીટર પર વડાપ્રધાન અને ફાઈનાન્સ મિનિસ્ટરને ટેગ કરીને ઈન્મકમટેકસના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તેમજ જવેલર્સ સામે મની લોન્ડરિંગનો આરોપ લગાવી ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને બાતમીના આધારે આઈટીએ સમન્સ બજાવ્યું હતું અને શર્માના ઘરે તા. 21 ઓક્ટોબર 2020ના રોજ રાત્રીના સમયથી સર્ચ કરવામાં આવ્યું હતું. પીવીએસ શર્મા સાથે સંકળાયેલા કુસુમ સિલીકોન કંપનીના સંચાલકો કુસુમ-કૌશલ ખંડેલિયા, શાહ એન્ડ પ્રજાપતિ કંપનીના ભાગીદાર ધવલ શાહ, શર્માના એકાઉન્ટન્ટ અદુકીયા વગેરેના રહેણાંક-ઓફીસ મળીને સુરત, મુંબઈ અને થાણેના કુલ 13 સ્થળો પર તપાસ ચલાવાય હતી. જે ચાર દિવસ ચાલી અને આખરે સાંજે તે તપાસ પૂરી કરી આઈટીની ટીમ પરત ફરી હતી.
Hon’ble PM shri @narendramodi ji, This is how idea of #Demonetisation defeated by the corrupt.
Cash deposit is ₹110 cr, income ₹0.84 cr & tax ₹0.80 cr.
IT(Inv)wing closed eyes & Settlement Commission accepted illogical arguments&caused huge revenue loss.@PMOIndia @FinMinIndia pic.twitter.com/VWkkuXQlvt— pvs sarma (@pvssarma) October 19, 2020
આ બધી વાતો આઈટી સૂત્રો તરફથી બહાર આવી હતી
આઈટીની તપાસ શનિવારે પૂરી થઈ ત્યારે ઈન્કમટેક્સના સૂત્રો તરફથી આવી વાતો સામે આવી છે કે પીવીએસ, શર્માની સંકેત મીડિયાની રૂપિયા 2.25 લાખની ખરીદી એવી ફર્મમાંથી બતાવવામાં આવી છે જે 40 વર્ષ પહેલાં જ જેની ઓફિસ બંધ થઈ ગઈ છે. અધિકારીઓને લાગે છે કે, આ તમામ ખરીદી બોગસ છે.
શર્મા જ્યાં નોકરી કરે છે તેવા કુસુમ સિલિકોનના ડિરેક્ટર ખંડેલીયાએ પોતાના ઘોડદોડ રોડ સ્થિત નિવાસ્થાનેથી દરોડા પડતાની સાથે જ ઘરમાંથી 25 લાખ ભરેલી બેગ, દોઢ કિલો સોનું બારીમાંથી બહાર ફેંકી દીધું હતું. અલબત્ત, તમામ મુદ્દામાલ અધિકારીઓએ રિકવર કરી લીધો હતો.
અધિકારીઓ કહે છે કે, સંકેત મીડિયામાં શર્મા ડિરેક્ટર છે અને ગુજરાતી-અંગ્રેજી પેપર નીકળે છે. કંપનીની સૌથી વધુ ખરીદી મહિધરપુરામાં આવેલી મહેશ ટ્રેડિંગમાં બતાવાઈ હતી. ત્યાં તપાસ કરાતા એ ઓફિસ સી.એ. અદુકિયાની જ નિકળી હતી.
શંકા: શર્માની માહિતી કોઈ સી.એ. કે રાજનીતિમાં તેમના હરીફે જ આપી હોવાની વાત વહેતી થઈ છે. ડિપાર્ટમેન્ટની કામગીરી પણ હાલ શંકાના દાયરામાં છે કેમકે આવી અનેક ટીઇપી (ટેક્સ ઇવેઝન પિટિશન) આવતી હોય છે. પરંતુ ભાગ્યે જ તે સર્ચમાં પરિણમે છે. શર્માના ઘરનો વીડિયો રેકોડિંગ પણ દરોડા દરમિયાન કરાયું છે. તેમના ત્યાંથી રૂપિયા 12 લાખની ચોપડે નહીં બતાવેલી જ્વેલરી મળી હોવાનું કહેવાય છે.