સુરત જિલ્લામાં પંચાયત દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન રૂ. ૧.૦૨ કરોડના ખર્ચે કુલ ૩૦ ચેકડેમ, ચેકડેમ કમ કોઝવે, વેસ્ટ વિયરના રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનીંગની કામગીરી થઇ છે, જેના થકી આશરે ૬૦ હેકટર જમીનમાં પરોક્ષ સિંચાઈ શક્તિ ઉત્પન્ન થઈ છે તેમજ રૂ.૧.૪૩.કરોડના ખર્ચે કુલ ૧૧૧ પાઈપલાઈનના કામો કરવામાં આવ્યા છે. જેનાથી ૨૨૨ હેકટર વિસ્તારમાં સિંચાઈશકિત ઉત્પન્ન થઈ છે.
કેનાલના સીપેજ-લીકેજ વેસ્ટેજ રૂપે દરિયામાં વહી જતાં પાણીમાંથી તથા હયાત પાણીના સ્ત્રોતમાંથી ખેડૂતો પોતાના પંપથી આ પાઈપલાઈન દ્વારા સિંચાઈ કરે છે. યોજના થકી આ વિસ્તારના ખેડૂતો હવે શાકભાજી, ડાંગર અને અન્ય સીઝનલ પાકો લેતા થયા છે. આમ, ગ્રામીણ ગુજરાતની સમૃદ્ધિમાં સિંચાઈની ઉમદા વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થઈ હોવાનું કાર્યપાલક ઇજનેર, જિલ્લા પંચાયત, સુરતની યાદીમાં જણાવાયું છે.
નાણાંકિય વર્ષમાં અંદાજે રૂ.1.96 ખર્ચે કુલ 15 પૂર સંરક્ષણ યોજનાની કામગીરી કરાય
વરસાદના પાણીનું સંરક્ષણ અને પૂરના પાણીનું વ્યવસ્થાપન જેવી જળ સંરક્ષણ પદ્ધતિઓ ખેડૂતો માટે ખુબ ઉપયોગી છે. ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી અને માંગરોલ એમ કુલ ૭ તાલુકામાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે નદી, ખાડી કે કોતરમાં આવતાં પૂરને લીધે કિનારે આવેલી જમીનનું ધોવાણ થતું અટકાવવા વર્ષ ૨૦૧૯-૨૦માં અંદાજે રૂ. ૧.૯૬ કરોડના ખર્ચે કુલ ૧૫ પૂર સંરક્ષણ યોજનાની કામગીરી કરવામાં આવી છે એમ સુરત જિલ્લા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.