રેલ સંઘર્ષ સમિતિનો ટ્રેનની માંગણી સાથે ઘેરાવ તો હવાઈસેવા માટે પણ આવેદન

મંગળવારે ભેસ્તાન રેલ્વે સ્ટેશન પર ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિમંડળ દ્વારા રેલ્વે બોર્ડની મુસાફર સુવિધા સમિતિને એક આવેદનપત્ર સુપ્રત કરીને નવી ટ્રેનોની માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે દક્ષિણ ગુજરાત દેશનું મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર છે, જેમાં દેશભરના ખાસ કરીને ઉત્તર ભારતમાંથી 20 લાખથી વધુ લોકો રોજગારી મેળવે છે, જેમના આવાગમન માટે એકમાત્ર સાધન રેલ છે. પરંતુ સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની સંખ્યા મુસાફરોની સંખ્યાની સરખામણીમાં લગભગ નહિવત છે, જેથી મુસાફરોને ઘેટા-બકરાની જેમ જવાની ફરજ પડે છે એટલું જ નહીં તેમનું શોષણ પણ થાય છે, આ હકીકતને સાથે રેલવે તંત્ર પણ સારી રીતે પરિચિત છે. ઉત્તર ભારતની રેલ સમસ્યા માટે રચાયેલી ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ છેલ્લા પાંચ વર્ષથી સંઘર્ષ કરી રહી છે, જે અંતર્ગત બે વિશાળ રેલી, સેંકડો જાહેર સભાઓ, રેલ રોકો આંદોલન, રેલ મંત્રીનો ઘેરાવ, સહિત વિવિધ અધિકારીઓ સાથે મંત્રણા કરવામાં આવી છે. વિવિધ તબક્કે રેલવેના જીએમ, ડીઆરએમ સાથેના પત્રવ્યવહાર બાદ રેલવે અધિકારીઓ અને ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિની સંયુક્ત બેઠક દરમિયાન સમિતિને રેલવે અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ઉધના-જલગાંવ ટ્રેક ડબલ થયા પછી નવી ટ્રેનો ચલાવવામાં આવશે. પરંતુ આ સમયગાળા દરમિયાન કોવિડ રોગચાળો આવવાના કારણે વહીવટીતંત્રની વિનંતીને કારણે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું. રેલ્વે તંત્ર હવે સામાન્ય સંજોગોમાં પણ તેના ભરોસા પર ખરું ઉતરી રહ્યું નથી, તેથી ઉત્તર ભારતીય રેલ્વે સંઘર્ષ સમિતિ રેલવે તંત્રને વિનંતી કરે છે કે તેઓ દ્વારા અગાઉ આપેલા વચન મુજબ અમારી માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ કરો અન્યથા અમને ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થવું પડશે, જેની સમગ્ર જવાબદારી રેલવે તંત્રની રહેશે.

સમિતિના વરિષ્ઠ સભ્ય શાન ખાને જણાવ્યું હતું કે અમે સુરતના સાંસદ અને રેલ્વે રાજ્ય મંત્રી તથા નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખને પણ મળવા માટે સમય માંગ્યો છે, પરંતુ હજુ સુધી અમને સમય આપવામાં આવ્યો નથી, અમે થોડી રાહ જોઈશું જો અમને સમય નહીં આપવામાં આવશે તો તે પછી અમે આંદોલન શરૂ કરવાની રણનીતિ તૈયાર કરીશું. સંઘર્ષ સમિતિના પ્રતિનિધિમંડળમાં શાન ખાન, ઉમાશંકર મિશ્રા, શશિ દુબે, અવધેશ મૌર્યા, રોશન મિશ્રા સહિતના અન્ય અગ્રણીઓનો સામેલ હતા.

મુખ્ય માંગણીઓ:-


(1) સુરતથી અયોધ્યા માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવે. જે સુરતથી વાયા ઉધના, ભુસાવલ, ઈટારસી, કટની, શંકરગઢ, નૈની, પ્રયાગરાજ, પ્રતાપગઢ, સુલતાનપુર થઈને અયોધ્યા પહોંચે.

(2) સુરતથી પટનાની નવી ટ્રેન શરૂ કરવામાં આવે. જે સુરતથી વાયા વડોદરા, રતલામ, ઉજ્જૈન, સુજાલપુર, બીના, ઝાંસી, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર, વારાણસી, દીનદયાલ ઉપાધ્યાય જંકશન થઈને પટના પહોંચે.

(3) 09175 મુંબઈ સેન્ટ્રલ ભાગલપુર વિશેષ ટ્રેનને નિયમિત કરવામાં આવે.

(4) સુરતથી વાયા ભુસાવલ, દીનદયાળ, ગયા, કોડરમા, બોકારો, રાંચી સુધીની નવી ટ્રેન શરૂ કરવામાં આવે.

(5) 19063 ઉધના દાનાપુર એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.

(6) 19051 શ્રમિક એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.

(7) 19053 સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.

(8) 11104 બાંદ્રા ઝાંસી એક્સપ્રેસના રૂટનું વિસ્તરણ કરી બાંદ્રાથી ગોરખપુર કરવામાં આવે.

સુરતથી લખનૌ, વારાણસીની સીધી ફ્લાઈટ શરૂ કરવાની માંગ.

ઉત્તર ભારતીય સભાના સુરત શહેર પ્રમુખ ઉમાશંકર મિશ્રા અને કાર્યકારી પ્રમુખ શાન ખાનની આગેવાનીમાં સુરતથી લખનૌ, વારાણસીની સીધી ફ્લાઈટ શરૂ કરવાની માંગણી સાથે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યામાં હતું કે ઉત્તર પ્રદેશના લાખો લોકો સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસવાટ કરે છે જેઓ હવાઈ અવરજવર માટે સુરત એરપોર્ટનો ઉપયોગ કરે છે. દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પ્રદેશના લોકોની વસ્તી લાખોમાં હોવા છતાં સુરત એરપોર્ટથી લખનૌ અને વારાણસીની એક પણ સીધી ફ્લાઈટ નથી, જેથી કારણે ઉત્તર પ્રદેશના મુસાફરોને વાયા ફ્લાઈટ મારફતે મુસાફરી કરવા માટે મજબૂર છે, જેના કારણે તેઓને અનેક પ્રકારની અસુવિધાઓનો સામનો કરવો પડે છે. ઇમરજન્સીની સ્થિતિમાં પણ મુસાફરોને સુરતથી લખનૌ અને વારાણસી પહોંચવામાં 5 કલાકથી 15 કલાકનો સમય લાગે છે. તે સાથે વાયા ફ્લાઇટ્સનું ભાડું પણ ખૂબ મોંઘું પડે છે. સુરતમાં કાપડ, હીરા અને અન્ય ઉદ્યોગો હોવાના કારણે દરરોજ હજારો વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઉત્તર પ્રદેશથી સુરત આવે છે. આ ઉપરાંત વારાણસી, અયોધ્યામાં ધાર્મિક સ્થળો છે જ્યાં દક્ષિણ ગુજરાતમાંથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અવરજવર કરે છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સુરતથી લખનૌ અને વારાણસીની સીધી ફ્લાઈટની સખત જરૂર છે. માટે અમે તમને સુરતથી લખનૌ અને વારાણસીની સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની દિશામાં જરૂરી પગલાં લેવા વિનંતી કરીએ છીએ. આ પ્રસંગે ઉત્તર ભારતીય સભાના પ્રમુખ ઉમાશંકર મિશ્રા, કાર્યકારી પ્રમુખ શાન ખાન, અગ્રણી કરુણાશંકર તિવારી, પુનીત ગોયલ, રાહુલ પાંડે, સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Translate »