વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશન (WBVF), ઇન્ડિયા ચેપ્ટર બાળકોના ઉચ્ચ શિક્ષણનું સપનું સાકાર કરી રહ્યું છે. સમાજના જરૂરિયાતમંદ કિન્તુ હોનહાર બાળકો આર્થિક તંગીને કારણે ભણતરથી વિમુખ ન રહી જાય તે માટે સ્કોલરશીપ પ્રદાન કરવાનું ફેડરેશન દ્વારા શરૂ કરાયું છે. કોવિડ જેવી મહામારીમાં પણ આ વૈશ્વિક સંગઠને 267 જેટલા બાળકોને રૂ. 40 લાખ જેટલી સ્કોલરશીપ વિતરિત કરીને ‘શિક્ષણ’નો પાયો મજબૂત કરવા તરફ પ્રયાણ કર્યાં છે. ભરૂચના મુન્સી મનુબરવાળા ટ્રસ્ટના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી પહોંચેલા ભરુચી વહોરા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વના 32 દેશોમાં વસતા 10 લાખથી વધુ ભરુચી વહોરા પટેલનુ “સંગઠિત,શિક્ષિત, સ્વાવલંબી અને સશક્ત સમાજ’ ની નેમ સાથે સ્થાપિત કરાયેલું વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશનએ પ્રારંભના બીજા જ વર્ષે શિક્ષિત સમાજ બનાવાવની દિશામાં પ્રથમ પગથિયું માંડ્યું છે. સમાજ ના અનેક વિધાર્થીઓ સ્કોલર હોવા છતાંયે આર્થિક સંકડામણ ને કારણે ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી.આ બાબત ને લક્ષ માં રાખી સંસ્થાએ તબીબી અને એન્જીનયરીંગ સહિતના ૧૫ કોર્ષ માં આગળ વધવા માંગતા 267 વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી.
મધમાખીની જેમ મધરૂપી મીઠાસ દેશને આપજો: ઐયુબ આકુજી
આ તબક્કે સંબોધન કરતા વર્લ્ડ પ્રેસિડેન્ટ ઐયુબભાઈ અકુજીએ કહ્યું હતું કે, શિક્ષણ ના માધ્યમ થી જ કોમની અને રાષ્ટ્રની શ્રેષ્ઠ સેવા કરી શકાય એમ છે. શિષ્ટાચાર વિનાની ડીગ્રી નકામી છે,એટલે આપ સૌ ડીસીપ્લીનને પ્રથમ પ્રાધાન્ય આપજો. જેમ મધમાખી વિવિધ પાનમાંથી રસ લઈને મીઠાસ ફેલાવે છે તેમ તમે પણ મીઠાસ ફેલાવી ઉમદા ઉદાહરણ દેશ સમક્ષ મુકજો. આપ સૌ ના સહકાર થી વિશ્વમાં વસવાટ કરતા સમાજ ની સારી એવી કાયા પલટ થઈ જશે.હવે પછીના વર્ષ માં ઉચ્ચ શિક્ષણ લેવા ઇચ્છતા આર્થિક રીતે નબળા સ્કોલર વિદ્યાર્થીઓ માટે એક કરોડ ની સહાય કરવાનું વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશન એ નક્કી કર્યું છે.
કાલ આપણી જ છે પણ તે માટે આપણે આજે જાગવું પડશે: ફારુક કેપી
સમાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા અને WBVFના ડિરેક્ટર તથા સફળ ઉદ્યોગપતિ એવા ફારૂકભાઈ કેપી એ જણાવ્યુ હતુ કે સમાજ ત્યારેજ આગળ વધશે જ્યારે આપણે સૌ સંગઠિત અને સ્વાવલંબી થઈશું.સંગઠન માં રહેનાર કોઈપણ સમાજ મજબૂત બનવા સાથે ધાર્યું પરિણામ મેળવી શકે છે અને એમાંય જો સમાજ ના છોકરા-છોકરીઓ ઉચ્ચ શિક્ષણ લેવામાં સફળ રહે તો સમાજ – કોમ અને દેશ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી શકશે. સમાજની દીકરી કલેકટર જેવા ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજે અને અમારે એમને મળવા માટે વેટિંગ માં બેસવુ પડશે ત્યારે અમને ગૌરવ થશે કે સંસ્થાએ કંઇક કામ કર્યું છે. આજે વિશ્વમાં મુસ્લિમોની વસ્તી બીજા નંબરે હોવા છતાંયે ઘણી જગ્યાએ આપણી ગણતરી અલ્પસંખ્યક તરીકે થાય છે.એનું પાછળ નું કારણ શિક્ષણ માં પછાતપણુ છે. આ પછાતપણાંને કારણે આપણે માન- મરતબો ગુમાવ્યો છે. એને પુનઃ પ્રાપ્ત કરવા શિક્ષણ ઉપર ભાર મુકવો જ પડશે. આજે પીમેટ, માટલીવાળા, એમએમએમસીટી જેવી સંસ્થાઓ શિક્ષણ ક્ષેત્રે અનેક કાર્યક્રમો ચલાવીને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી રહી છે જે કાબિલેતારીફ છે. હું હંમેશા કહુ્ છું કે અમારા સમાજની વ્યક્તિ ભીખ નથી માંગતી તે તેનું ખમીર છે. તે રિક્ષા ચલાવીને કે કોઈને કોઈ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવશે. આજની તારીખે એક સમાજ, સંગઠિત સમાજનું જ એટલું જ જરૂરી છે તો જ તમારી નોંધ લેવાશે. જે લોકો સફળ થયા કે છે તેઓ શિક્ષણના સહારે જ છે. મુસ્લિમ સમાજનું દુનિયા પર 700 વર્ષ આધિપત્ય રહ્યું છે તેનું કારણ શિક્ષણ જ હતું. હવે આજે આપણી શું હાલત છે તે આપણે જાણીએ જ છે. દુનિયામાં આગળ વધવું હોય તો શિક્ષણ જરૂરી છે. હું દિન અને દુન્યવી શિક્ષણને અલગ નથી ગણતો. લોકોએ તેને અલગ પાડી દીધું છે. અમારી 2025 વિઝન પણ એજ છે અને શિક્ષણથી જ આપણે સ્વાવલંબી બની શકીશું. કદાચ આપણે થોડા પછાત દેખાઈએ છીએ તે આવતીકાલે આ સમાજ અન્ય મુસ્લિમ સમાજ માટે માર્ગદર્શક બનીશું. કાલ આપણી જ છે પણ આપણે તે માટે આજે જાગવું પડશે.
શિક્ષણનું સૌથી મોટું ઉદાહરણ મુસલમાનો પાસે જ છે: મુફ્તી ઇકબાલ ટંકારવી
મુફતી ઈકબાલ ટંકારવી સાહબએ કહ્યું હતું કે, મુસલમાનો પાસે શિક્ષણનું સૌથી માેટુ ઉદાહરણ છે કે જ્ઞાન મેળવવા કોઈ ભીખારી બન્યું હોય અને જ્ઞાન પ્રાપ્ત કરવા સ્પેનથી ચાલતું કોઈ બગદાદ ગયું હોય. તેમણે ઉદાહરણ આપતા કહ્યું હતું કે ,સ્પેનના મોહદ્દીસ બગદાદના ઈમામ અહમદ પાસે હદીષનું જ્ઞાન લેવા ચાલતા પહોંચ્યા. પરંતુ તેઓ ત્યાં પહોંચતા માલૂમ પડ્યું કે ત્યાંની સરકારે તેઓને આવા જ્ઞાન ન ફેલાવે તે માટે નજરકેદ કર્યાં છે. તેઓએ તેમને શોધતા તેમના ઘરે પહોંચ્યા અને ત્યાં મળીને કહ્યું કે, તમે મને શિક્ષણ આપજો. સરકાર રોકો નહીં અને તમારા પર કોઈ આફત ન આવે તે માટે હું આપના દરવાજે રોજ ભીખ માંગતો માંગતો આવીશ અને આપ ભીખ આપવા સાથે મને રોજ એક સબક શીખવાડજો. તેઓએ બાળકોને બચપણથી જ તેમની રુચીને અનુરૂપ શિક્ષણ આપવા પર ભાર મુક્યો હતો. ખાસ કહ્યું હતું કે, દુન્યવી ભૌતિકતા માટે નહીં પણ કોમ, સમાજ માટેની સેવાભાવથી શિક્ષણ હાંસિલ કરશો તો અલ્લાહની મદદ જરૂર મળશે. ઈજિપ્ત અને રોમ ભૌતિકતાની પાછળ પાગલપણાંને કારણે કેવી રીતે ખત્મ થઈ ગયા તે તેનું ઉદાહરણ છે.
અગર કુરાન બરાબર સમજ્યું હોત તો ઈલ્મનો દરજ્જો સમજી ગયા હોત: મૌલાના અલ્તાફ
ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા મૌલાના અલ્તાફે કહ્યું હતું કે, અગર કોમએ કુરાનને બરાબર સમજી લીધુ હોત તો ઈલ્મનો શું દરજ્જો છે તે પણ સમજી ગયા હોત. કુરાને પાકમાં ઈલ્મનો ઉલ્લેખ 782 વખત છે અને મારીફત (જાણકારી) 29 વખત, ઈમાન 831 અન અલીમ (જાણવાવાળો) 153 વખત. જેથી, શિક્ષણનું કેટલું મહત્વ છે તે સમજી શકાય છે. એક સમયે મુસલમાનો પાસે બધુ જ હતું પરંતુ તેઓએ જન્નત પામવા, જન્નતી હુર પામવાને માત્ર મસ્જિદ તેમજ મદ્રેસા પાછળ ખર્ચ કરવાને સમજી લીધું. આજે એક ગરીબ ગામમાં પણ તમને કરોડો ખર્ચીને બનાલેવી મસ્જિદ મળી જશે પરંતુ એક સાયન્સ કોલેજ, કે સારી સ્કૂલ નહીં મળે. ઈસ્લામ નિયત પર એતબાર કરે છે. આપણાં સમાજ અને કોમને ફાયદો થાય તે તમામ સારાં કામ કરવાથી સવાબ મળે છે તે સમજવું પડશે. તેઓએ અરબ થ્રોટ ફાઉન્ડેશનના રિપોર્ટ પર લોકોનું ધ્યાન દોરતા કહ્યું હતુંકે, દેશનો એક મુસ્લિમ બાળક રોજ 4 મિનિટ પુસ્તક વાંચે છે જ્યારે બીજા બાળકો કલાકો સુધી પઠન કરે છે. ઈઝરાયેલી વર્ષ દરમિયાન 40 પુસ્તકો વાંચે છે, યુરોપિયન 34 જ્યારે મુસલમાન એક પાનાથી પણ ઓછુ પઠન કરે છે. હા, કુરાન સૌથી વધુ પઢાય છે પરંતુ તેને સમજતું કોઈ નથી.
વેબસાઈટ લોન્ચ કરાઈ, વ્યાજરહીત લોન, બે મિનિટનું મૌન
કોરોના ની મહામારી માં જીવ ગુમાવનારા માજી.સાંસદ મર્હુમ એહમદ પટેલ, વેલ્ફેર હોસ્પિટલ ના માજી પ્રમુખ મર્હુમ સલીમભાઈ ફાંસીવાલા અને સંસ્થા ના અન્ય મર્હુમ કાર્યકરો તેમજ કોરોનામાં સેવા કરતા કરતા મોતને ભેટેલાઓને યાદ કરીને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. ઉપરાંત આગેવાનોના હસ્તે WBVFની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ્લિકેશન લોંચ કરાય હતી. સમાજના લોકોને વ્યાજની ચુંગાલમાંઁથી બહાર કાઢવા માટે જરૂરિયાતમંદોને વિના વ્યાજની લોન માટેની સોસાયટીની બનાવવાની પણ ઘોષણા કરાય હતી. ભરૂચ, આમોદ, વાગરા અને જંબુસરમાં કોમન સર્વિસ સેન્ટર શરૂ કરવાની પણ તૈયારી બતાવાય છે. સંયોજક નાસીર પટેલે ફેડરેશનની પરિભાષા વિવિધરૂપે લોકો સમક્ષ મુકી હતી અને બે વર્ષમાં સમાજના પ્રત્યેક લોકોનો સર્વેની કામગીરી કરવાની તૈયારીનો ચિતાર આપ્યો હતી. હનીફભાઈ મેટ્રીકસે ફેડરેશને અત્યારસુધી કરેલા કાર્યો અને કોવિડ કામગીરીનો ચિતાર આપ્યો હતો. આ પ્રસંગે બીજા મહાનુભાવોમાં ઈન્ડિયા ચેપ્ટરના પ્રમુખ આદમભાઈ આબાદ નગરવાલા, ડાયરેક્ટર દિલાવરભાઈ દશાનવાલા, અગ્રણીઓ ઇકબાલભાઈ પાદરવાલા,યુનુસભાઈ અમદાવાદી તેમજ દેશ-વિદેશ માં રહેતા ભરુચી વહોરા અગ્રણીઓ,સંયોજકો અને ગામેગામ થી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(રિપોર્ટ: ભરૂચથી રાજા શેખ)
આખો કાર્યક્રમ જોવા નીચે આપેલી લિંક ખોલો….
Sun, Mar 21 at 2:30 PM GMT+05:30 Online Event https://fb.me/e/1h3Hqx0TH?ti=wa