જ્યા સૌથી વધુ સંક્રમિત 10 જિલ્લામાં ગુજરાત સ્થાપ્ના દિનથી 18થી ઉપરના લોકોને વેક્સિન અપાશે: મુખ્યમંત્રી

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં આગામી 1લી મેથી 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. જોકે સ્ટોકની કમીને લઈને ગુજરાતમાં તે સંભવ થશે કે કેમ તે અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે ગુજરાત રાજ્યના સ્થાપનાદિન 1 મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે. રાજ્ય પાસે 29 એપ્રિલની સ્થિતિએ 4.62 લાખ વેક્સિનના જ ડોઝ ઉપલબ્ધ હતા, જેમાં વેક્સિનના સૌથી વધુ ડોઝ ધરાવતાં રાજ્યોમાં ઉત્તરપ્રદેશ 11.80 લાખ સાથે સૌથી ઉપર, જ્યારે ગુજરાત 4.62 લાખ ડોઝ સાથે આ લિસ્ટમાં 10મા ક્રમે છે. ગુજરાતમાં 29 એપ્રિલે સવારે 7 વાગ્યા સુધીમાં સુધીમાં કુલ 97,78,790 વ્યક્તિને પ્રથમ ડોઝનું, જ્યારે 22,67,033 વ્યક્તિનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ, કુલ 1,20,54,863 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

આ જિલ્લાઓમાં ફ્રી વેક્સિનેશન

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આવતીકાલે, ગુજરાતના સ્થાપના દિવસે સવારે ૯ વાગ્યાથી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, મે મહિના દરમિયાન ગુજરાતને વેક્સિનના ૧૧ લાખ ડોઝ મળશે. હજુ વધુ જથ્થો પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમ-જેમ વેક્સિન ઉપલબ્ધ થશે તેમ-તેમ વધુને વધુ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો તબક્કાવાર આરંભ કરાશે.

અહીં રજિસ્ટ્રેશન કરવાથી જ વેક્સિન મેળવી શકાશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને જ SMS મળશે, અને SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેક્સિન લેવા માટે જાય. ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ સુચારુ રૂપે થઈ રહી છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ સૌએ જોવાનું રહેશે.

Leave a Reply

Translate »