સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં 14 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી બે જૈન સાધુ ભગવંતોએ શરૂ કર્યું વિહાર
સુરતના અડાજણ ખાતે જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સંચાલિત જૈન સમાજના સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં પાલિતાણાના ૫૫ વર્ષિય જૈનાચાર્ય અને તેમના સગા મુનિ ભાઈ તથા ૫૬ વર્ષિય સંસારીભાઈ નરેશભાઈએ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા છે. કોરોનાને મ્હાત આપી જૈન મુનિઓએ વિહાર શરૂ કર્યું છે. આ સેન્ટરમાં સારવાર લઈ ગુરૂ ભગવંતો સહિત 10 વર્ષની દીકરીથી લઈને 90 વર્ષના વૃદ્ધા સહિત 17 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.
આત્મવલ્લભ સમુદાયના મૂળ થરાદ ગામના અને અદાણી પરિવારના 41 વર્ષનો દિક્ષાપર્યાય ધરાવતા 55 વર્ષિય ૫.પૂ. આચાર્ય ભગવંત જિનરત્નસૂરીશ્વરજી મ.સા., પર વર્ષિય પ.પૂ. મુનિરાજ વિરાગરત્ન વિ.મ.સા. તથા તેઓના ૫૬ વર્ષિય સંસારીભાઈ નરેશભાઈ સહિત ત્રણેય ભાઈઓ કોરોના સંક્રમિત થયા હતા. સૌરાષ્ટ્રના પાલિતાણામાં છેલ્લાં બે વર્ષથી બિરાજમાન અને ડાયાબીટીસ તેમજ બ્લડપ્રેશરની બિમારી ધરાવતા ગુરૂ ભગવંતો સુરત ખાતે 15 દિવસ અગાઉ સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયાં હતાં.
જૈનાચાર્ય શ્રીમદ વિજય જિનરત્નસૂરીશ્વરજી મહારાજ, તેમના નાના ભાઈ વિરાગજિનરત્નસૂરીશ્વરજી ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આ દરમિયાન બંને જૈન મહારાજશ્રીઓ કોરોના સંક્રમિત થયાં હતાં,
જૈનાચાર્ય શ્રીમદ વિજય જિનરત્નસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે, ‘પાલિતાણામાં કોવિડના પ્રાથમિક લક્ષણો જણાતાં સિટીસ્કેન કરાવ્યો, જેમાં કોરોના ઇન્ફેકશન હોવાનું જણાયું હતું. સ્થાનિક તબીબે પાલિતાણામાં કોરોના સારવારની વિશેષ સુવિધા ન હોવાથી તેમણે ભાવનગર કે અન્ય શહેરમાં હોસ્પિટલમાં સારવાર લેવાની સલાહ આપી. અમે અવારનવાર સાધુ-સાધ્વી અને ગુરૂ ભગવંતોના મુખેથી પ્રવચનોમાં સુરતના સંપ્રતિ કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરની ઉત્તમ સારવાર વ્યવસ્થા વિષે સાંભળ્યું હતું. જેથી સુરત આવીને આ સેન્ટરમાં દાખલ થયા. અમારા ધાર્મિક આસ્થા, આચાર–વિચાર જળવાઈ રહે તેવા ભાવ સાથે ડોકટર્સ, પેરામેડિકલ સ્ટાફ દ્વારા સેવાસારવાર કરવામાં આવી. અમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોવાથી એમ.ડી. ડોકટરોની સલાહ લઈને જરૂરી દવાઓ, ઈન્જેકશન અને વિવિધ થેરાપીથી ૧૫ દિવસ સારવાર મેળવ્યા બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા છીએ.’ તેમણે લોકોને કોરોનાથી ડરવાના બદલે મક્કમતાથી મુકાબલો કરી યોગ્ય સારવાર લેવાનો સંદેશ આપ્યો હતો.
સંસ્થાના સંચાલકો નિરવ શાહ, કેતન મહેતા અને ચંપક ધરૂએ ગુરૂભગવંતો પાસે દેશમાંથી કોરોના મહામારી ઝડપથી દૂર થાય તેવા આશીર્વાદ મેળવ્યા હતાં. અને ગુરૂભગવંતોની સેવા કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.
નોંધનીય છે કે, સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નિરવભાઈ શાહની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શ્રી કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજના સહયોગથી જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (JIO) સંચાલિત ૧૨૫ બેડનું ઓક્સિજન સુવિધા સાથેનું સંપ્રતિ કોવિડ આઈસોલેશન સેન્ટર, દિવાળી બાગ, અડાજણ, સુરત ખાતે દર્દીઓની સેવામાં કાર્યરત છે. જેમાં કોવિડ દર્દીઓની સારવારની સાથોસાથ પ્રભુદર્શન, વાઈફાઈ, આધ્યાત્મિકતા, ભક્તિમય વાતાવરણ અને ઉત્તમ સેવા-સારવારની સુવિધાને કારણે દર્દીઓની શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થતા મજબૂત બની રહી છે અને કોરોના સામેની જંગમાં ઝડપથી સાજા થઈ ઘરે હસતા મુખે પરત ફરી રહ્યાં છે. અહીના ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણને કારણે ગંભીર હાલત ધરાવતા દર્દીઓ પણ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યાં છે.