‘નારી તારા નવલા રૂપ’.. નારાયણી સ્વરૂપા નારીને ભારતીય સંસ્કૃતિમાં અનેક સ્વરૂપે પોંખવામાં આવી છે. દૈત્યોનો સંહાર કરતી ‘મા દુર્ગા’નો અવતાર હોય કે, બાળકને વાત્સલ્યપ્રેમથી સુસંસ્કારોનું સિંચન કરતી યશોદા કે દરેક ક્ષેત્રમાં આગળપડતું યોગદાન આપતી આધુનિક યુગની નારીઓ હોય, ઈતિહાસ અને વર્તમાનમાં નારીની ગૌરવભરી ગરિમા છે.
આજે વાત કરવી છે નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગની આવી જ મહિલા કર્મયોગીઓની જેઓએ બાળકોની સારસંભાળ, ઘર-પરિવારની દેખરેખ સાથે RTPCR ટેસ્ટીંગની અભુતપૂર્વ કામગીરી કરી નારીશક્તિના દર્શન કરાવ્યાં છે. તેમણે કોરોનાની બન્ને લહેરમાં 2.65 લાખથી વધુ RTPCR ટેસ્ટ કર્યા છે, અને કોરોનાની સારવાર માટેના પ્રથમ પગલાંરૂપ ટેસ્ટીંગની કામગીરી માટે ઘડીયાળના કાંટાઓ જોયા વિના 12 થી 15 કલાક કામ કર્યું છે. કામનું ત્રણ શિફ્ટમાં વિભાજન હોવા છતાં કામના ભારણના લીધે ઓવરટાઈમ કરીને પણ 24 કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત કર્યા છે.
આ લેબનું જમાપાસું એ છે કે અહીં તબીબો અને ટેકનિશ્યન સ્ટાફ, કોમ્પ્યુટર ઓપરેટર, સર્વન્ટ સહિતના ૯૦ના સ્ટાફગણમાં 80 મહિલાઓ અને 10 પુરૂષો ફરજ બજાવી રહ્યાં છે. જેમાં 90 ટકા મહિલા કર્મયોગીઓ છે, જેઓ RT-PCR ટેસ્ટીંગ લેબમાં જીવના જોખમે કાર્યરત છે અને દૈનિક 2500 થી 3000 નમૂનાઓનું પરીક્ષણ કરે છે.
દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યાં બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. એટલે જ સેમ્પલના સચોટ ટેસ્ટીંગની કામગીરી પર દર્દીની સારવારનો સંપૂર્ણ આધાર હોય છે. જેથી માઈક્રોબાયોલોજી વિભાગની ક્વોલિટી કંટ્રોલ અને મેઈન્ટેઈનની જવાબદારી પણ વધી ગઈ છે.

વિગતો આપતા માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો.સુમેયા મુલ્લાં જણાવે છે કે, લેબ કર્મચારીઓએ દિવસ-રાત જોયા વિના પહેલી અને બીજી લહેરમાં આજદિન સુધીમાં 2.65 લાખ જેટલા RTPCR ટેસ્ટ કર્યા છે. જેમાં માર્ચ-2020થી લઈને ફેબ્રુઆરી-૨૧ સુધીમાં 1.39 લાખ તથા માર્ચ-21 થી મે-21 સુધીમાં 1.26 લાખ જેટલા ટેસ્ટ કર્યા છે. 90 ટકા જેટલી બહુમતીમાં મહિલા સ્ટાફગણ જીવની પરવા કર્યા વિના 10 થી 12 કલાક કીટ પહેરીને ફરજ નિભાવે છે. ડિપાર્ટમેન્ટમાં 38 ટેકનિકલ સ્ટાફ, આઠ સર્વન્ટ, 11 ડોકટર, ચાર VRDL સ્ટાફ મળી કુલ 90 સ્ટાફગણ ફરજ બજાવી રહ્યાં છે. જેમાંથી 10 જેટલા કર્મયોગીઓ કોરોના સંક્રમિત થયાં હતા, અને તમામ સ્વસ્થ થઈને ફરી પાછા ડ્યુટીમાં જોડાઈ ચૂક્યા છે.
વધુમાં ડો. સુમેયા કહે છે કે, જ્યારે 2020ના વર્ષમાં માર્ચ મહિના દરમિયાન કોરોના કેસોમાં વધારો થતા તાબતતોડ ICMRની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં અમદાવાદ, જામનગર બાદ ત્રીજી લેબ શરૂ કરવાં સુરતની સિવિલને મંજૂરી આપવામાં આવી હતી, શરૂઆતના એ સમયે સુરત શહેરથી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કોરોના દર્દીઓના રોજના 800 થી લઈ 1200 ટેસ્ટ કરવામાં આવતા હતા. પછી તબક્કાવાર સ્મીમેર અને શહેર, જિલ્લાની અન્ય ખાનગી લેબોને મંજૂરી મળતા ટેસ્ટીંગ શરૂ થયા હતા. ત્યાં સુધી અમારા વિભાગે સમગ્ર દક્ષિણ ગુજરાતની કોવિડ ટેસ્ટીંગ જવાબદારી બખૂબી નિભાવી અને આજપર્યંત અમારૂં કામ 24x 7 રાઉન્ડ ધ ક્લોક અવિરત છે.’
કોરોનાની બીજી લહેરમાં પણ માત્ર ત્રણ મહિનાના ટુંકાગાળામાં1.26 લાખ જેટલા ટેસ્ટ કર્યા છે એમ જણાવતાં તેઓ ઉમેરે છે કે, તબીબોથી લઈને સર્વન્ટ સુધીના સ્ટાફનું ટીમવર્કથી ટેસ્ટીંગ કાર્ય ચાલી રહ્યું છે. સિવિલની આ લેબમાં ટેસ્ટીંગ માટે 10 મશીનો, બે RNA એક્સટ્રેકશન મશીન ઉપલબ્ધ છે. જયારે જયારે જરૂર પડી ત્યારે રાજ્ય સરકારે તમામ આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
કોવિડ ટેસ્ટીંગ માટેના નોડલ ઓફિસર અને પ્રોફેસર ડો.નીતા ખંડેલવાલ જણાવે છે કે, સેમ્પલ આવ્યાં બાદ સૌ પ્રથમ વાઈરલ ટ્રાન્સપોર્ટ મિડીયમમાં આવેલ સેમ્પલમાં વાઈરસને લાઈસીસ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ વાઈરસમાં રહેલા RNAને RNA એક્સટ્રેકશન મશીનમાં એક્સટ્રેક્ટ (અલગ) કરવામાં આવે છે. ત્યારબાદ PCR ચેમ્બરમાં અલગ-અલગ કરેલા RNAને માસ્ટર મિકસ ચેમ્બરમાં તૈયાર કરેલ રિએજન્ટમાં ઉમેરી કોવિડ-19 વાઈરસ છે કે નહી તે જોવા માટે RT-PCR મશીનમાં બે કલાક મૂકવામાં આવે છે. RT-PCR મશીનમાં ગ્રાફ જોઈને આ વાઈરસની હાજરી છે કે નહી તે જાણી શકાય છે. આ એક ટેસ્ટની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા સુધી આશરે 08 થી 09 કલાક જેટલો સમય લાગે છે. રાજ્ય સરકાર અને કેન્દ્રના ICMRના પોર્ટલ પર દરરોજની નિશ્ચિત સમયાવધિમાં ડેટા એન્ટ્રી કરવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયા માટે બાયો સેફટી કેબિનેટ કલાસ ટુએ, RT-PCR અને RNA એક્સટ્રેકશન મશીન, માઈનસ ૨૦ ડિગ્રી રેફ્રિજરેટર (જેમાં ૦૬ માસથી પણ વધુ સમય સુધી સેમ્પલ સાચવી શકાય છે) સેન્ટ્રીફ્યુઝ, પીસીઆર સ્ટ્રીપ રોટર, મીની સ્પિન જેવા અતિ આધુનિક સાધનોની જરૂર પડે છે એમ તેઓ જણાવે છે.

ડો. નીતાએ ઉમેર્યું કે દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ અને નવસારીમાં નવી RT PCR લેબ શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ અહીંના તબીબો દ્વારા તેમના સ્ટાફગણને ટેસ્ટીંગ માટે ICMR અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર પદ્ધતિસરની તાલીમ પણ આપવામાં આવી હતી. સિવિલમાં અમે ઈન્ફેકશન કંટ્રોલ ટીમનું પણ ગઠન કર્યું છે. જે વિવિધ વિભાગોમાં તબીબો, નર્સિંગ અને મેડિકલ સ્ટાફમાં સંક્રમણ અટકાવવાં માટે પણ સતત કાર્યરત છે.
વિભાગીય વડા ડો.સુમેયા મુલ્લાંના માર્ગદર્શન હેઠળ અહીં કાર્યરત ડો. ઉલ્લાસ ભાભોર અને ડો.ગીતા વાઘેલા કોવિડ ઇન્ફેકશન કંટ્રોલ, ડો.સંગીતા રેવડીવાલા અને ડો.યોગિતા મિસ્ત્રી મેડિકલ સ્ટાફને તાલીમ, ડો.દિપલ અને ડો.પૂર્વી ગાંધી કોવિડ કામગીરીની તાલીમ, બાયોમેડિકલ વેસ્ટના નિકાલ, રેસિડેન્ટ ડોક્ટર્સ અને સ્ટાફગણને સેલ્ફ કેર, ડો.તન્વી પાનવાલા અને ડો.વિભૂતિ સેમ્પલ ટેસ્ટીંગમાં ક્વોલિટી કંટ્રોલ, અન્ય જિલ્લાની લેબના સ્ટાફને તાલીમ અને ડો.અલ્પા પટેલ, ડો.ઉલ્લાસ અને ડો.દીપિકા મ્યુકર માયકોસિસના નમૂનાનું પરીક્ષણ, સિનીયર લેબ ટેક્નિશ્યન હેતલ નાયક પણ ટેસ્ટીંગ માટે મહત્વની જવાબદારી નિભાવે છે.
આમ, કોવિડ પરીક્ષણ માટે માઈક્રોબાયોલોજી વિભાગનું નમૂનેદાર માઈક્રોમેનેજમેન્ટ રહ્યું છે. જેમાં નારીશક્તિઓએ કાબેલિયત થકી ‘પુરૂષ સમોવડી નારી’નું બિરૂદ સાર્થક કર્યું છે.
RT PCR એટલે શું? તે કઈ રીતે થાય છે?
RT PCR એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર્સ ચેઈન રિએકશન ટેસ્ટ. આ ટેસ્ટ દ્વારા વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણી શકાય છે. આ ટેસ્ટમાં વાયરસના આરએનએની તપાસ કરવામાં આવે છે. જેમાં શરીરના મોટા ભાગે નાક અને ગળામાંથી મ્યૂકોઝાની અંદરના સ્તરથી સ્વાઈબ લેવામાં આવે છે. પછી સેમ્પલમાંથી RNA ને અલગ કરવામાં આવે છે. RNA ને માસ્ટર મિક્સ રિએજન્ટની અંદર મિક્સ કરવામાં આવે છે. હવે એ પ્લેટને RTPCR મશીનની અંદર મુકવામાં આવે છે. ૨ કલાક પછી RTPCR મશીન તેના નેગેટિવ કે પોઝિટિવ પરિણામ આપે છે. આ ટેસ્ટ થકી સંક્રમણ કેટલું ગંભીર છે અને આગળ જતાં ઘાતક બની શકે છે કે નહીં તે પણ જાણી શકાય છે. આ ટેસ્ટ દુનિયાના દરેક દેશોમાં ૧૦૦ ટકા વિશ્વસનીય ગણાય છે.
(અહેવાલ: મહેન્દ્ર વેકરિયા, પરેશ ટાપણીયા)