યોગ દિનથી 18 વર્ષથી વધુ ઉંમરનાને ફ્રી વેક્સિન, ખાનગી હોસ્પિટલો રૂ. 150થી વધુ સર્વિસ ચાર્જ નહીં લઈ શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઇને દેશને સંબોધિત કરતાં એક મોટી જાહેરાત કરી છે. યોગ દિવસ (21 જૂન)થી દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને ભારત સરકાર દ્વારા મફતમાં વેક્સિન લગાવવામાં આવશે. પીએમ મોદીએ જાહેરાત કરી કે, રાજ્યો પાસેથી વેક્સિનેશનનું કામ પાછું લેવામાં આવશે અને હવે કેન્દ્ર સરકાર જ આ કામ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશની કોઇપણ રાજ્ય સરકારને વેક્સિન પાછળ કોઇ ખર્ચ કરવો પડશે નહીં.  અત્યાર સુધી દેશના કરોડો લોકોને મફત વેક્સિન મળી છે, હવે 18 વર્ષથી ઉંમરના લોકો પણ આની સાથે જોડાઇ જશે. તમામ દેશવાસીઓને ભારત સરકાર મફત વેક્સિન ઉપલબ્ધ કરાવશે.

પ્રાઈવેટ હોસ્પિટલો એક ડોઝ પર વધુમાં વધુ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે

પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં બની રહેલી વેક્સિનમાંથી 25 ટકા, પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલો સીધી લઇ શકે, તે વ્યવસ્થા ચાલુ રહેશે. પ્રાઇવેટ હોસ્પિટલ, વેક્સિનની નક્કી કિંમત ઉપરાંત એક ડોઝ પર વધુમાં વધુ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઇ શકશે. જેની દેખરેખનું કામ રાજ્ય સરકારનું જ રહેશે. ​​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક જાહેરાત કરી છે. હવે નવેમ્બર, 2021 સુધી દેશના 80 કરોડ લોકોને મફ્ત રાશન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે પણ આવી જ સ્કીમ ચલાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાની બીજી લહેર વચ્ચે ફરી સંકટ થયો છે, આવામાં હવે સરકાર ફરી આ સ્કીમ લાવી રહી છે. તેમણે કહ્યું કે, આવી મહામારી 100 વર્ષમાં નથી આવી. દેશે ઘણા મોરચે એક સાથે લડાઇ લડી છે. છેલ્લા દોઢ વર્ષમાં હેલ્થકેર સ્ટ્રક્ચરને વધારવામાં આવ્યું. આવનારા દિવસોમાં વેક્સિનની સપ્લાય ઝડપથી વધવાની છે. દેશમાં 7 કંપનીઓ વેક્સિનનું પ્રોડક્શન કરી રહી છે. ત્રણ વેક્સિનની ટ્રાયલ એડવાન્સ સ્ટેજમાં ચાલી રહી છે. બીજા દેશોમાંથી પણ વેક્સિન ખરીદવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. બાળકોને લઇને પણ બે વેક્સિનનું ટ્રાયલ ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં નેઝલ વેક્સિન પર પણ રિસર્ચ કરાઇ રહ્યું છે. 

જો ફ્રન્ટ લાઈનર્સને વેક્સિન ન લાગી હોત તો મોટુ સંકટ ઊભુ થયુ હોત

​​​​​​​પીએમ મોદીએ કહ્યું કે, જો કોરોનાની બીજી લહેર પહેલાં ફ્રન્ટ લાઇન વર્કર્સને વેક્સિન ન લાગી હોત તો બહુ મોટું સંકટ ઊભું થયું હોત. પીએમ મોદીએ વિપક્ષના સવાલોના જવાબ પણ આપ્યા. તેમણે કહ્યું કે, જ્યારે કોરોનાના કેસ ઓછા થયા તો સવાલ ઊભા થવા લાગ્યા કે બધું કેન્દ્ર કેમ નક્કી કરી રહ્યું છે, લોકડાઉન લગાવવાનો હક રાજ્ય સરકારને આપવામાં આવે.

​​​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઇને દેશને સંબોધિત કરતાં કહ્યું કે, આજે પણ દેશ આની સામે લડી રહ્યો છે. અમે પાછલા કેટલાક દિવસોમાં કોરોનાની બીજી લહેરની પીક જોઇ, જેમાં અમે મોટી સંખ્યામાં લોકોને ગુમાવ્યા છે. ઝડપથી મેડિકલ ઓક્સિજનની માંગ વધી હતી, જેના સપ્લાય માટે સેનાને પણ લગાવવામાં આવી. વિદેશોમાંથી પણ ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી. તેમણે કહ્યું કે, તે ઉપરાંત જરૂરી દવાઓના ઉત્પાદનથી લઇને વિદેશથી લાવવા સુધી કોઇ કસર બાકી રાખવામાં આવી નથી. કોરોના જેવા અદ્રશ્ય દુશ્મન સાથેની લડાઇમાં સૌથી કારગર હથિયાર કોવિડ પ્રોટોકોલ છે. માસ્ક અને ડિસ્ટન્સિંગ સૌથી સારો ઉપાય છે.

પોલીયો-ચેચકની રસી માટે દાયકાઓ રાહ જોવી પડી, હવે ઝડપથી દેશમાં બની રહી છે રસી

પીએમ મોદીએ કહ્યું કે, વેક્સિન આ સંક્રમણ સામે જંગ માટે એક સુરક્ષાચક્ર છે, પરંતુ તે સમજવું પડશે કે દુનિયામાં વેક્સિનની સપ્લાય ઓછી છે. આવામાં ઘણા ઓછા દેશ અને કંપનીઓ છે, જે દવાઓ બનાવી રહી છે. પીએમ મોદીએ પોલિયો અને ચેચકનું ઉદાહરણ આપતાં કહ્યું કે, એક સમયે મહામારીઓનો સામનો કરવા માટે રસીની દાયકાઓ સુધી રાહ જોવી પડતી હતી. આજે આપણા દેશમાં વેક્સિન ન બની રહી હોત તો સમજો શું થયું હોત.  પીએમ મોદીએ કહ્યું કે, જે ગતિથી દેશમાં પહેલા રસીકરણ ચાલી રહ્યું હતું, તે ગતિથી તો પુરું રસીકરણ થતાં 40 વર્ષ લાગી જતાં. અમે સત્તા પર આવ્યા તો રસીકરણની ગતિ ઘણી ઓછી હતી, પરંતુ અમે રસીકરણ માટે મિશન ઇન્દ્રધનુષ લોન્ચ કર્યું. અમે 100 ટકા રસીકરણ તરફ વધી રહ્યાં કે કોરોના સંકટે અમને ઘેરી લીધા. 

નિયત સાફ હોય તો સારા પરિણામ આવે છે

​​​​​​​પીએમ મોદીએ કહ્યું કે, દુનિયામાં આશંકા વ્યક્ત કરાઇ રહી હતી કે કેવી રીતે ભારત આટલી મોટી વસ્તીને બચાવશે, પરંતુ નિયત સાફ હોય તો સારા પરિણામ આવે જ છે. તમામ આશંકાઓને દૂર કરતાં અમે એક વર્ષની અંદર બે મેડ ઇન ઇન્ડિયા વેક્સિન તૈયાર કરી. આજે દેશમાં 23 કરોડથી વધુ કોરોના વેક્સિનના ડોઝ અપાઇ ચૂક્યાં છે.

Leave a Reply

Translate »