આપણાં દેશમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. આવામાં ઘણા લોકોનો પ્રશ્ન છે કે, કઇ વેક્સિન વધુ એન્ટીબોડીઝ બનાવે છે અથવા કઇ વેક્સિનની સાઇડ ઇફેક્ટ ઓછી છે? એક સંશોધનની પ્રારંભિક તપાસમાં આવા જ પ્રશ્નના જવાબ આપવામાં આવ્યા છે.
રિપોર્ટ મુજબ તાજેતરમાં જ એક સ્ટડીમાં ખુલાસો થયો કે, કોવેક્સિનની સરખામણીમાં કોવિશીલ્ડ વધુ એન્ટીબોડી બનાવે છે. કોરોના વેક્સિન ઇન્ડ્યૂસ્ડ એન્ટીબોડી ટાઇટ્રે (COVAT)ની પ્રારંભિક તપાસમાં આ વાત સામે આવી છે. તપાસમાં હેલ્થવર્કર્સને સામેલ કરવામાં આવ્યા, જેમણે કોવેક્સિન અથવા કોવિશીલ્ડના ડોઝ લીધા હતા. કોવિશીલ્ડ લેનારા લોકોમાં સીરોપોઝિટિવિટી રેટથી લઇને એન્ટી સ્પાઇક એન્ટીબોડી કોવેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા લોકોની સરખામણીમાં વધુ હતી. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાની બન્ને વેક્સિનનો પ્રભાવ સારો છે, પરંતુ સીરોપોઝિટિવિટી રેટ અને એન્ટી સ્પાઇક એન્ટીબોડી કોવિશીલ્ડમાં વધુ છે. આ સંશોધનમાં 552 હેલ્થવર્કર્સને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં 325 પુરુષ અને 227 મહિલાઓ હતી. 456ને કોવિશીલ્ડ અને 96ને કોવેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જે બાદ આ પરિણામ સામે આવ્યા હતા.