સુરત: સુરતની ખૂબ પ્રતિષ્ઠિત અને 80 વર્ષ પુરાણી શૈક્ષણિક સંસ્થા ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ) અંગે અને તેના ટ્રસ્ટીઓને બદનામ કરતા મેસેજ સોશ્યલ મીડીયામાં ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા સઈદ અચ્છા નામના શખ્સે વાઈરલ કરતા ચિતિંત ટ્રસ્ટીઓએ આજે સુરત પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરીને પગલાં લેવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરને કરેલી લેખિત રાવમાં કહેવાયું છેકે, ગંભીર ગુનાઓના જેના પર આરોપ છે તે શખ્સ સઈદ અચ્છા પોતાને રિપોર્ટર લેખાવીને આ મેસેજ વાઈરલ કર્યો છે અને આવનારા સમયમાં બીજા અનેક મેસેજ વહેતા કરવાની ચીમકી પણ તેમાં ઉચ્ચારી આડકતરી રીતે ટ્રસ્ટીઓને ડરાવીને ચોક્કસ હેતુ પાર પાડવાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો હોવાનું રાવમાં કહેવાયુ્ં છે.
ધી સુરત ડિસ્ટ્રીક મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મહેબૂબ પલ્લાની આગેવાનીમાં ટ્રસ્ટીઓનું એક પ્રતિનિધિ મંડળ આજે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યુ હતું અને રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવાયું છે કે, કેટલાક ચોક્કસ અસામાજિક તત્વો આટલી જૂની નામી સંસ્થાને બદનામ કરવાના ઈરાદાથી અને ટ્રસ્ટી સામે વ્યક્તિગત આરોપ લગાવતા મેસેજ સોશ્યલ મીડીયામાં વાઈરલ કરી રહ્યાં છે અને ગર્ભિત ધમકી આપી રહ્યાં છે. ખોટી રીતે સંસ્થાને બદનામ કરીને પોતાનો છુપો એજન્ડા ચલાવી રહ્યાં છે અને સમાજનો માહોલ ખરાબ કરી રહ્યાં છે. કમિટીમાં શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. તેવામાં આવા તત્વો આવા ખોટા બદઈરાદાપૂર્વકના મેસેજ વાઈરલ કરીને પોતાની મનમાની ચલાવવા માંગે છે અને પોતાનો ફાયદો કરવા માંગે છે. સીધી રીતે કહીએ તો ખંડણી માંગવાની મનસા રાખી રહ્યાં છે. મેસેજ વાઈરલ કરનાર શખ્સ સઈદ અચ્છા પોતે પત્રકાર ન હોવા છતા પોતાની જાતને પત્રકાર લેખાવીને આ મેસેજ વાઈરલ કરી રહ્યો છે. આ સઈદ અચ્છા પર ભૂતકાળમાં બોમ્બ કાંડના આરોપો લાગ્યા છે અને પોતાની મનમાની ચલાવવા તેમજ ખંડણી માંગવાના ઈરાદે આ મેસેજ વાઈરલ કર્યા હોવાથી આવા તત્વો તેમજ તેમનો સાથ સહકાર આપનારા શખ્સો સામે કાયદાકીય રાહે પગલા લેવામાં આવે અને 80 વર્ષ જુની પ્રતિષ્ઠિત સંસ્થાને રક્ષણ આપવામાં આવે તેવી અમારી માંગણી છે.
માનહાનિનો દાવો પણ કરવાની તજવીજ હાથ ધરાય
ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું કે અવારનવાર કેટલાક અસમાજિક તત્વો પ્રતિષ્ઠિત સંસ્થાઓને બદનામ કરવાની ચેષ્ટા કરતા રહે છે. અમારા બુજુર્ગોએ સિંચેલી સંસ્થાને બદનામ કરવા અને ટ્રસ્ટીઓ પર વ્યક્તિગત આરોપ મઢતા મેસેજ સોશ્યલ મીડીયામાં વાઈરલ કરનારા સઈદ અચ્છા નામના માથાભારે શખ્સ સામે માનહાનિનો દાવો કરવા માટે પણ શહેરના નામી વકીલોના અભિપ્રાયો લેવાયા છે અને આવા તત્વો સમાજ માટે દુષણ હોય તેમની સામે કડક કાર્યવાહી થાય તે દિશામાં અમે પહેલું પગથિયું ચઢ્યાં છે. આવનારા સમયમાં અમે તેની સામે આકરાં પગલા લેવાય તે માટે અન્ય કાર્યવાહી પણ કરીશું. આ વાત સંસ્થાના પ્રમુખ મહેબૂબભાઈ પલ્લાએ પણ મીડીયા સામેના ઈન્ટરવ્યુંમાં કહીં હતી.