ઓડિસા, નાગાલેન્ડના વિવિધ રાજ્યોની નૃત્યમંડળીઓએ પરંપરાગત નૃત્યોની પ્રસ્તુતિ કરી શહેરીજનોને મંત્રમુગ્ધ કર્યા
સુરત:ગુરૂવાર: આઝાદી કા અમૃત મહોત્સવ અને જી૨૦ સમિટ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને પ્રબળ બનાવવાના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને સુરત શહેર પોલીસ કમિશનર કચેરી તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે અઠવાલાઇન્સ સ્થિત સુરત પોલીસ પરેડ ગાઉન્ડ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંત્રીશ્રીના હસ્તે BSFના શસ્ત્ર પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું.
આ અવસરે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં સુભાષચંદ્ર બોઝનું અનેરૂ યોગદાન રહ્યું છે. ૧૯૩૮માં હરિપુરા ખાતે આયોજીત કોગ્રેસના ૫૧માં અધિવેશનમાં ભાગ લેવા સુભાષ બાબુ આવ્યા હતા. તેમણે આઝાદી માટે આપેલા યોગદાન વિશે યુવાપેઢી માહિતગાર થાય તેવા આશયથી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યા છીએ. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સૌને કટિબદ્ધ બનવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.
આ અવસરે સાંસદશ્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝ મા ભોમની આઝાદી માટે આઝાદ હિંદ ફોજની રચના કરી અંગ્રેજો સામે ઝઝુમ્યા હતા. ‘તુમ મુઝે ખુન દો મે તુમ્હે આઝાદી દુંગા’ના નારા સાથે હજારો નવલોહિયા યુવાનોને આઝાદીની લડત માટે પ્રરીત કર્યા હતા. આ ક્રાંતિકારી વીરને યુવા પેઢી યાદ કરે તેવા આશય સાથે વડાપ્રધાન શ્રીની આગેવાની હેઠળ ભારતના પાંચ સ્થળોએ જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે શહેર પોલિસ કમિશનરશ્રી અજય તોમરે જણાવ્યું હતું કે, આઝાદીની લડતના ક્રાંતિકારી નેતા એવા સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ નિમિત્તે નેતાજીને યાદ કરી દેશની યુવા પેઢીને તથા તમામ નાગરિકોને પ્રેરણા મળી રહે એવા આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં આજે સુરત જિલ્લાના હરિપુરા સહિત દેશભરમાં ઇમ્ફાલ, કોહિમા, કટક અને કલકત્તા ખાતે મહત્વપુર્ણ આઇકોનિક ઉજવણી થઇ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા સૌપ્રથમ તિરંગો અંદામાન નિકોબારમાં લેહરાવામાં આવ્યો હતો, અને તેમણે આઝાદ હિન્દ સરકારને અખંડ અને અવિભાજીત ભારતની સરકાર બનાવી હતી. આઝાદ હિન્દ ફોજને આધુનિક બનાવવા, અંગ્રેજો સામે રણનીતિ બનાવવા અને દેશના સાર્વભૌમત્વ જાળવવા માટે નેતાજીએ અથાગ પ્રયત્ન કર્યા હતા. અને તેમણે એ સમયમાં પહેલા મહિલા રેજિમેન્ટ બનાવી હતી જેમાં લક્ષ્મીસ્વામીનાથનને કેપ્ટનનો હોદ્દો આપ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બી.એસ.એફ. બ્રાસ બેન્ડ, શસ્ત્ર પ્રદર્શન, નાગાલેન્ડ, ડાંગી નૃત્ય, માધવપુર(પોરબંદર)ની નૃત્યમંડળી, ઓડિસા જગન્નાથમ દર્શનમ, મણિપૂરી અને બંગાળી પરંપરાગત નૃત્યો જેવા સાંસ્કૃતિક કૃતિઓ સૌએ નિહાળી હતી. આ ઉપરાંત સુભાષબાબુના જીવનસંઘર્ષ આધારિત દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન તેમજ શસ્ત્ર પ્રદર્શન, બી.એસ.એફ બ્રાસ બેન્ડની સાથે વ્યસનમુક્તિ ‘નો ડ્રગ્સ’ની થીમ પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ અવસરે રંગોળી, ચિત્રસ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધામાં એક ત્રણ નંબરે આવેલા વિજેતા વિધાર્થીઓને મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ અવસરે ધારાસભ્ય સર્વ શ્રી પ્રવિણ ઘોઘારી, સંદિપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, BSFગાંધીનગરના આઈજી શ્રી રવિ ગાંધી, સુષમા ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. કે. વસાવા, જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ડી. સી. પરમાર, અધિક પોલીસ કમિશનર શરદ સિંધલ તથા પી. એલ. મલ, કે. એન. પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર, અગ્રણી નિરંજનભાઈ ઝાંઝમેરા, કિશોર બિંદલ, બારડોલીના નાયબ કલેકટર શ્રી સ્મિત લોઢા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિપક દરજી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓ, બી.એસ.એફના અધિકારીઓ, પોલીસ જવાનો, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેર પોલીસનું વિશેષ અભિયાન ‘સે નો ટુ ડ્રગ્સ’
સુરતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ડ્રગ્સ પ્રત્યેની જાગૃતિ માટે લાઈવ ડેમોન્સ્ટ્રેશન

સુરતઃગુરૂવારઃ સુરત શહેર પોલીસ ડ્રગ્સના દુષણ સામે લડવા અને શહેરીજનો ખાસ કરીને યુવાધનને જાગૃત્ત કરવા છેલ્લા બે વર્ષથી ‘નો ડ્રગ્સ’નું અભિયાન ચલાવી રહી છે. આજે સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સના દૈત્યને નાથવા અને વધુમાં વધુ નાગરિકોને જાગૃત કરવા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ નિમિત્તે સુરત શહેર પોલીસ દ્વારા સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરતના ઈતિહાસમાં સૌપ્રથમવાર ડ્રગ્સ સહિતના પ્રતિબંધિત નશાકારક પદાર્થોનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ હિરેન રબારીએ વિવિધ પ્રતિબંધિત નશાકારક પ્રદાર્થોનું વિસ્તૃતમાં માહિતગાર કર્યા હતા. જેમાં એમ.ડી. ડ્રગ્સ(મેફેડ્રોન), ચરસ(હશીસ), કોકેઈન, બ્રાઉન સુગર, ગાંજો, અફીણ, એસ.એસ.ડી. ડ્રગ્સ, નશાકારક ગોળીઓ, કોડેઈન સિરપ, ઈ-સિગારેટ સહિતના વિવિધ પ્રતિબંધિત પ્રદાર્થોનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં સહિત મોટી સંખ્યામાં આવતા યુવાઓ, યુવતીઓ, વડીલોને નશીલા પદાર્થોથી થતી શારીરિક અને માનસિક બીમારીઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.
વધુમાં હિરેન રબારીએ કહ્યું હતું કે, યુવાઓ દ્વારા નશાકારક પદાર્થોના સેવનથી શરીરને અતિ હાનિ પહોંચે છે, ત્યારે નશીલા પદાર્થો યુવાઓને કઈ રીતે બરબાદી તરફ દોરી જાય છે તેની ક્રમબદ્ધ વિગતો આપી હતી.