સુરત જિલ્લામાં 690 પૈકી 250 ગામોની પાણી સમિતિઓના અધ્યક્ષ તરીકે મહિલાઓ

રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સંપૂર્ણ વિકેન્દ્રિત અને લોક વ્યવસ્થાપિત આંતરિક પેયજળ યોજના દ્વારા ઘરે-ઘરે નળ જોડાણ થકી પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગામની પાણી અને સ્વચ્છતા સુવિધાઓનું તમામ કામ સંભાળવા માટે ગ્રામપંચાયત દ્વારા પાણી સમિતિની રચના કરવામાં આવે છે. તેમાં ત્રીજા ભાગની મહિલાઓ હોવી જરૂરી છે.
સુરત જિલ્લામાં ૬૯૦ ગામોમાં પાણી સમિતિઓની રચનાઓ તેમજ પુન: રચના થઈ છે. જેમાં ૩૫૨૪ મહિલા અને ૪૫૬૬ પુરૂષ સભ્યો મળી કુલ ૮૦૯૦ સભ્યો નોંધાયા છે. ૬૯૦ પૈકી ૨૫૦ ગામોની પાણી સમિતિઓના અધ્યક્ષ તરીકે મહિલાઓ નેતૃત્વ સંભાળી રહી છે. અને મહિલા શસક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત ૬૯૦ પૈકી ૪૩ ગામોની પાણી સમિતિમાં ૭૦% બહેનોનો સમાવેશ થયો છે, જ્યારે બાકીના ગામોની પાણી સમિતિઓમાં પણ ૫૦% પ્રતિનિધિત્વ બહેનો ધરાવે છે.
નોંધનીય છે કે, ગ્રામ્ય પેયજળ યોજનામાં પાણી સમિતિની રચના કરવી, પાણી વિતરણ અને સ્વચ્છતાના વ્યવસ્થાપનમાં દરેક સમુદાય અને સ્ત્રીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવી, લોકજાગૃતિ કેળવવી, પાણી અને સ્વચ્છતા માટે ઇજનેરી પદ્ધતિઓ વિકસાવવી જેવા કાર્યો સુનિશ્ચિત કરવામાં આવે છે.

Leave a Reply

Translate »