સુરતના ત્રણ સર્જકોએ કોરોના વોરિયર્સ માટે હસ્તલિખિત ગ્રંથ રચીને અનોખી શબ્દાંજલિ આપી

રાજ્યના પ્રથમ હસ્તલિખિત અને હસ્તચિત્રિત ગ્રંથના સર્જનબદલ ‘ગુજરાત બુક ઓફ રેકોર્ડ’ માં મળ્યું સ્થાન

 

કોરોના સામે છેલ્લાં ૦૮ મહિનાથી દિનરાત એક કરીને લડી રહેલાં કોરોના વોરિયર્સ અને તેમની ઉમદા સેવાને સરકારે અને આમ નાગરિકોએ જુદી-જુદી રીતે બિરદાવી છે, પરંતુ સુરતના ત્રણ સર્જકોએ કોરોના વોરિયર્સ માટે ૧૮ હજાર શબ્દોનો હસ્તલિખિત ગ્રંથ રચીને અનોખી શબ્દાંજલિ આપી છે. કોરોના વોરિયર્સએ કોરોના મહામારી દરમિયાન કરેલા આરોગ્ય અને સેવાલક્ષી કાર્યો અને તેમના અનુભવોથી રૂબરૂ થઈ તેમના સ્વાનુભવો, વાતોને રસપ્રદ વાક્યરચનામાં ઢાળી ‘અ ટ્રીબ્યુટ ટુ અનસીન કોરોના વોરિયર્સ’ નામનું પુસ્તક સર્જ્યું છે. ઉપરાંત, હસ્તલિખિત અને લખાણને અનુરૂપ ચિત્રો દોરી આકર્ષક સ્વરૂપમાં એક મહાગ્રંથનું સ્વરૂપ આપ્યું છે. ૯૦ થી પણ વધુ દિવસોની અથાગ મહેનત બાદ તૈયાર થયેલાં આ હાથે લખેલા પુસ્તકમાં ૮૦ થી વધુ સત્યઘટનાઓ સામેલ છે. રાજ્યના સૌ પ્રથમ હસ્તલિખિત અને હસ્તચિત્રિત એવા ગ્રંથના સર્જન બદલ ‘ગુજરાત બુક ઓફ રેકોર્ડ’ માં રેકોર્ડ સ્વરૂપે સ્થાન મળ્યું છે. આ ગ્રંથ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરવામાં આવશે.
સુરતના લેખક યાજ્ઞિક કણઝરીયા, ડૉ.તૃપ્તિ ઉપાધ્યાય અને જયેશ પરમાર તેમજ પુસ્તકને ચિત્રથી આલેખિત કરનાર તૃપ્તિ વેકરીયા અને અંજના પરમાર એમ કુલ પાંચ સર્જકોના સહિયારા પ્રયાસથી ગ્રંથ તૈયાર થયો છે.
ટીમના લેખક યાજ્ઞિક કણઝરીયા જણાવે છે કે, કોરોના દર્દીઓ અને સમાજને મહામારીમુક્ત રાખવા માટે નિઃસ્વાર્થભાવે જીવન સમર્પિત કરનાર કોરોના વોરિયર્સ પ્રત્યે જનતાને લાગણી જન્મે અને તેમના કાર્યમાંથી પ્રેરણા લઈ લોકો સેવા અને સત્કાર્યને જીવનનો હિસ્સો બનાવે એવા આશયથી હસ્તલિખિત ગ્રંથનું નિર્માણ કર્યું છે. જેમાં શહેરના ડે.મેયર શ્રી નીરવભાઈ શાહ અને છાંયડો સંસ્થાના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ શાહનો ઉમદા સહયોગ અને માર્ગદર્શન મળ્યું છે. હાલ સુધીમાં સુરત અને અન્ય શહેરના કોરોના વોરિયર્સને આ પુસ્તક વિનામૂલ્યે ટ્રિબ્યુટના રૂપમાં આપવામાં આવ્યું છે. જેનું વિમોચન સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે કરાયું હતું. આ વિમોચન દરમિયાન પ્રત્યેક કોરોના વોરીયર્સ તરફથી એક પ્રતિનિધિ વોરિયરને આ પુસ્તકમાંથી બનાવવામાં આવેલા પ્રતિક પુસ્તકો અર્પણ કર્યા હતાં.

Leave a Reply

Translate »