ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ખુલ્લું મુકાયુ: મેયર હોમાલી બોઘાવાલા, ધારાસભ્ય હર્ષ સંઘવી અને પૂર્ણેશ મોદીની હાજરીમાં આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું
કોરોનાના કપરા સમયમાં આ મહામારીથી સમગ્ર વિશ્વ ભયભીત છે અને તેમાં પણ આપણા સુરત શહેરની અંદર પણ કોરોનાનો કહેર બેસુમાર વર્તી રહ્યો છે ત્યારે આ ભયાનક તરંગ વચ્ચે પણ ચારેય સંપ્રદાયોના જૈન સમાજ માટેની જરૂરીયાતને ધ્યાને લઈને સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર નિરવભાઈ શાહ દ્વારા શ્રી કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજના સહયોગથી જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (JIO) સંચાલિત સંપ્રતિ કોવિડ આઇસોલેશન સેન્ટર ફરી ઊભું કરવામાં આવ્યું છે.
સંપ્રતિ કોવિડ આઇસોલેશન સેન્ટરનો આજ રોજ ગુજરાત પ્રદેશના અઘ્યક્ષ સી. આર. પાટીલ ના વરદ હસ્તે મેયર હેમાલીબેન બોઘાવાલા, શહેર પ્રમુખ નિરંજનભાઇ ઝાંઝમેરા, સાંસદ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ, વોર્ડના કોર્પોરેટરઓ તેમજ જૈન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતીમાં 125 બેડનું ઓક્સિજનયુક્ત કોવિડ આઇસોલેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
તદ્દપરાંત અહિંયા આવેલા તમામ દર્દીઓ માટે શહેરની નામાંકિત ડોક્ટર મિત્રોનું સલાહ/સૂચન માર્ગદર્શન મળી રહેશે અને રેસીડેન્ટ ડોક્ટર અને નર્સના સ્ટાફની પણ ઉપલબ્ધી કરાવવામાં આવી છે. જેથી પ્રાથમિક સારવાર પણ થશે અને દિવસ દરમ્યાન તેમની ફાઇલમાં તમામ રિપોર્ટ તૈયાર થશે તેમ સંચાલન સંસ્થાના અગ્રણી કેતનભાઈ મહેતા તથા ચંપકભાઈ ધરૂએ જણાવ્યુ હતું.
વાઈફાઈ- મનોરંજના સાધનો પણ ઉપલબ્ધ
આ સંપ્રતિ કોવિડ આઇસોલેશન સેન્ટરમાં રોજ પ્રભુ દર્શન, વાઈફાઈની સુવિધા, મનોરંજન માટે ટીવી, સ્ક્રીન/પ્રોજેક્ટર- સાઉન્ડ સિસ્ટમ, આધ્યાત્મિકતા, યોગા, રમત ગમતની પ્રવૃત્તિ સાથે ત્રણેય સમયનું સંપૂર્ણ જૈન ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. દર્દીની જરૂરીયાત મુજબ એલોપેથી, આયુર્વેદિક અને હોમીયોપેથિક દવા પણ વિનામુલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જૈન સાધુ-સાધવી માટે અલાયદી વ્યવસ્થા
વધુમાં આ કોવિડ આઇસોલેશન સેન્ટરમાં જૈન સાધુ સાધ્વીજી ભગવંતો માટેની પણ વિશિષ્ટ અને અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે. ગુરૂભગવંતો માટે તેઓના આચાર-વિચાર જળવાયેલા રહે અને નિર્દોષ ગોચરી-પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થાનું પણ આયોજન હાથ ધરાયું છે. જૈન સમાજના અગ્રણીઓ સર્વ નિતિનભાઈ અદાણી, ભીખાભાઇ દોશી, ચંદ્રકાંતભાઈ સંઘવી, અશેષભાઇ દોશી, લહેરચંદભાઈ મહેતા, અશોકભાઇ મણીયાર તથા જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (JIO)ના ચેરમેન સુરેન્દ્રભાઈ છેડા અને મંત્રીશ્રી વિશાલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા.
લગાતાર સેવા કરી રહ્યાં છે નિરવ શાહ
પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહ કોવિડ કાળ દરમિયાન લગાતાર જૈન સમાજના સહયોગથી સેવા બજાવી રહ્યાં છે. લોકડાઉન દરમિયાન તેઓ પદ પર હતા પરંતુ મનપાની મદદ ન લઈ પોતાના સમાજ સાથે મળીને હજારો લોકોને રોજ ભોજન પહોંચાડવાનું કાર્ય ઉપાડ્યું. સાથોસાથ પશુ-પંખીઓ માટેના ભોજનની પણ વ્યવસ્થા કરી. ઉપરાંત તેઓએ પહેલા સ્ટ્રેનમાં પણ આ જ રીતે કોવિડ કેર સેન્ટરખોલીને દર્દીઓની સેવા કરી અને અહીં તમામ રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારો પણ ઉજવ્યા. યોગ સાથે ખુશ રાખવાનું આયોજન પણ કરવાથી દરેક દર્દી સ્વસ્થ થઈને અહીંથી નીકળ્યા. વેક્સિનેશન અભિયાન ચલાવીને તેમણે વેક્સિનેશન સેન્ટર પણ ખોલ્યું છે અને હવે શહેર પર ફરી કોવિડ સંકટ આવતા તુરંત ફરી એકવાર આઈસોલેશન સેન્ટર તૈયાર કર્યું.