જંગલખાતુ દીપડાઓના શરીરમાં ચીપ બેસાડી આ રીતે કરે છે મોનિટિરિંગ

સુરતઃ- પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો, વનોની સાથોસાથ વન્ય જીવોનું રક્ષણ પણ ખુબ જરૂરી છે. એટલે જ ભારતમાં વર્ષ 1955થી દર વર્ષે અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીથી દર વર્ષે તા.2 થી 8 ઓક્ટોબર દરમિયાન ‘વન્ય પ્રાણી સપ્તાહ’ ઉજવવામાં આવે છે. વનવિભાગ દ્વારા વનકર્મીઓ, પ્રકૃત્તિ સંરક્ષકો અને જાગૃત્ત નાગરિકોને તાલીમ આપવાની સાથોસાથ તેમની સારી કામગીરી માટે સન્માનિત પણ કરવામાં આવે છે. આ વર્ષે ‘forest and livelihood: sustaining people and planet’ ની થીમ પર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

ગુજરાતના જંગલોમાં એશિયાઈ સિંહ અને ઘુડખર જોવા મળે છે, 1400 દીપડા છે
ભારતમાં વનસંપદા અને વન્યજીવ સંરક્ષણ માટે ભારતના કુલ જમીની ક્ષેત્રફળનો 4.7 ટકા વિસ્તાર વન્યજીવો માટે સુરક્ષિત વિસ્તાર (Wildlife Protected Area) જાહેર કરાયો છે. વિશ્વમાં એકમાત્ર ગુજરાતના જંગલોમાં એશિયાઈ સિંહ (Asiatic Lion) અને ભારતીય ઘુડખર (indian wild ass) વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળે છે. સુરત જિલ્લામાં 2016-17 ની વસ્તી ગણતરી મુજબ 45 દીપડા, પક્ષીઓની 236 પ્રજાતિઓ અને વૃક્ષોની 126 પ્રજાતિઓ જોવા મળે છે. રાજ્યમાં કુલ દીપડાઓની સંખ્યા 1400 છે.

ચીપ મારફત મોનિટરિંગ, લોકો સાથે ઘર્ષણ નિવારવા અભિયાન: પુનિત નૈયર

જંગલ વિભાગના અધિકારીઓ આ રીતે ટેન્ટ નાંખીને વન્ય પ્રજાતિની રક્ષાનું કામ કરે છે અને તેમના પર નજર રાખે છે


સુરત વર્તુળના નાયબ વનસંરક્ષક પુનિત નૈયરે જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના ઉમરપાડા અને માંડવી તાલુકાથી બે વર્ષ પહેલાં સુરત વનવિભાગે ‘લેપર્ડ એમ્બેસેડર પ્રોગ્રામ’ શરૂ કર્યો હતો. જેમાં દીપડા અને ગ્રામજનો વચ્ચે અવારનવાર થતાં ઘર્ષણને નિવારવા માટે ગ્રામજનોને સમયાંતરે તાલીમબદ્ધ કરવામાં આવે છે. માનવવસ્તીમાં આવી ચઢતા દીપડાઓને ખાસ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે. જેમાં દર વર્ષે 10 થી 12 દીપડાઓને રેસ્ક્યુ કરવામાં આવે છે, આવા દીપડાઓના શરીરમાં RFID-રેડિઓ ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ચીપ બેસાડવામાં આવી છે. જેથી તેમની મુવમેન્ટ પર નજર રાખી શકાય. ઉપરાંત, આ ચિપમાં દીપડાની ઉમર, ઓળખ સહિતની પ્રાથમિક વિગતો સ્ટોર કરવામાં આવી છે. રેસ્ક્યુ કરાયેલા દીપડાનું આ ચીપના આધારે વેરિફિકેશન અને ડેટા એનાલિસીસ કરવામાં આવે છે. સુરતના ડુમસ અને મહુવા વિસ્તારમાં તાપી નદીમાં ‘સ્મૂધ કોટેડ ઓટર’ એટલે કે જળબિલાડીની સંખ્યા વધી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.


ખુલ્લામાં લોકો સુતા હોવાથી દીપડા હુમલા કરે છે

નૈયરે વધુમાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં આવેલી સુગર ફેકટરીઓમાં કામ કરતાં પરપ્રાંતીય શ્રમિકો ઘણીવાર ખુલ્લામાં સુએ છે. ઘણાં ગ્રામજનો, શ્રમિકો જમ્યા બાદ વધેલો ખોરાક ખુલ્લામાં ફેકે છે. જેથી દીપડાઓ ખોરાકની ગંધથી આકર્ષાઈને માણસો પર હુમલા કરતાં હોવાનું ધ્યાન પર આવ્યું છે. જેથી લેબર કોન્ટ્રાક્ટરો, ખેડૂતો અને કૃષિ શ્રમિકોને ખેતરમાં, શેરડીના કોલામાં કામ કરતાં શ્રમિકો ખુલ્લામાં ન સૂવે તે માટે જનજાગૃત્તિ અભિયાન ચલાવીએ છીએ.

Leave a Reply

Translate »