‘સોનાની થાળીમાં લોખંડનો ખિલો’ સુરતનો બદલો પાટીલે ગાંધીનગરમાં લઈ લીધો

  • રાજા શેખ, સુરત (98980 34910)

સુરત મહાનગર પાલિકાની ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં પહેલીવાર ખાતુ ખોલવા સાથે 27 બેઠક પર જીત મેળવી લીધી હતી. સુરતના દમ પર રાજ્યભરમાં ડંકો વગાડી રહેલી ‘આપ’એ ગાંધીનગરમાં થાપ ખાધી. ભાજપે 44 માંથી 41 બેઠકો કબ્જે કરી લીધી અને આપ માત્ર નામ પુરતી એક જ બેઠક જીતી શકી. કોગ્રેસે 2 બેઠક જીતી. કહીં શકાય કે સુરતમાં સોનાની થાળીમાં લોખંડનો ખિલો આપે ભલે ઠોક્યો (સીઆર પાટીલનું જ સુરતના ભાજપ કાર્યાલયમાં કથન) હોય પરંતુ અનેક લોકોને જોડ્યા બાદ પણ તે ગાંધીનગરમાં કંઈક ઉકાળી ન શકી. એટલે કહીં શકાય કે સીઆર પાટીલને જે વાત બહુ ખુંચતી હતી કે પોતાના ઘર આંગણે આપ માથે બેઠું છે તેનો બદલો ગાંધીનગરમાં લઈ લીધો છે.

– સુરતમાં જીત્યા ત્યારે ગોપાલ ઈટાલિયા જ એક માત્ર હતા, બાદમાં શંભુમેળો જોડ્યો પણ…

 સુરતમાં 27 બેઠક જીત્યા ત્યારે એકમાત્ર ગોપાલ ઈટાલિયા જ એકલા મોટા નેતા કહી શકાય એવા હતા. ગાંધીનગરની ચૂંટણી આવી તે વખતે પત્રકારિતા છોડી આપના માધ્યમથી રાજકારણમાં પ્રવેશેલા ઈસુદાન ગઢવી, સામાજિક અગ્રણી અને બિઝનેસમેન મહેશ સવાણી, લોકગાયક વિજય સુવાળા સહિતના સંખ્યાબંધ નેતાઓ આમ આદમીનો ગજ વગાડી રહ્યાં હતા. ગલી-ગલીએ, ગામડે ગામડે ફરીને યાત્રાઓ કરી રહ્યાં હતા અને મતદાતાઓને રિજવી રહ્યાં હતા. તેમના પર હુમલાઓ પણ થયા અને તેમને લોક પ્રતિસાદ પણ મળતો દેખાય રહ્યો હતો. ગાંધીનગરમાં તો રીતસર ભાજપને રાડ પડાવી દીધી હોવાનો અહેસાસ રોજબરોજ આપની સભામાં થતી ભીડ પરથી લાગતું હતું. દિલ્હીના ડેપ્યુટી સીએમ મહેશ સીસોદિયાની વિઝિટ પણ ગુજરાતમાં વધી હતી. સોશ્યલ મીડીયા આમ આદમી પાર્ટીના વિરોધ પ્રદર્શનો, પ્રજાહિતના કાર્યો સહિત ઉભરાયેલી હતુ. રોજ નવા નેતાઓ લાઈવ કરી રહ્યાં હતા. કોઈ ભાજપનો અત્યાચાર દેખાડતા હતા, તો કોઈ ફરિયાદો કરી રહ્યાં હતા. કોઈ કૌભાંડો દેખાડી રહ્યાં હતા. પરંતુ આજના ગાંધીનગર પાલિકાના ઈલેક્શના પરિણામે આ બધા પર ત્યાંની પ્રજાને કોઈ અસર પડી હોય તેવું લાગ્યું નહીં. મોંઘવારીનો મુદ્દો પણ કોઈને અડ્યો નહીં. પેટ્રોલ રૂ. 100 પાર કરી જવાની અસર પણ જનતા પર પડી ન હોય તેવું લાગ્યું.

એક તરફ આપનો હલ્લાબોલ લગાતાર રહ્યો પણ બીજી તરફ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની સ્ટ્રેટજી કામ કરતી ગઈ. પ્રદેશ માળખામાં ફેરફાર અને જમીની નેતાની ફૌજ. પેજ કમિટીનું માઈક્રોપ્લાનિંગ. સોશ્યલ મીડીયા પર પોઝિટિવ સમાચારોની ભરમાર. કરેલા વિકાસ કાર્યોની વાતો તો થઈ જ સાથોસાથ આખેઆખી રૂપાણી સરકારને ઘરભેગી કરીને ન ચર્ચાયેલા નામવાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમ બનાવી મેદાનમાં ઉતારી. નવા મંત્રીઓએ નવા કાર્યોની ઘોષણા શરૂ કરી. સરકારી કર્મચારીઓને લાભો આપવાની વાત હોય કે પોલીસ વિભાગ સહિતના વિભાગોમાં ભરતીની જાહેરાતો હોય. તમામ કામ લાગ્યું કહી શકાય. રોડ રસ્તાઓના રિપેરિંગ માટે વોટ્સએપ મેસેજવાળો આઈડિયા પણ લોકોને ગમ્યો. પૂર , ભારે વરસાદમાં લોકોવચ્ચે પહોંચી જઈ મુખ્યમંત્રીએ દાખવેલી સંવેદનામાં પણ લોકો કોરોના જેવી મહામારીમાં પડેલી તકલીફો ભૂલી ગયા હોવાનું કહી શકાય. એક તરફ સીઆર પાટીલે કેન્દ્રીય મોવડીમંડળ સાથે મળીને ગુજરાતની રૂપાણી સરકારના તમામ મંત્રીઓને બદલી નાંખ્યા અને તેમનાથી જ ગાંધીનગરમાં કામ લીધું તો બીજી તરફ, કામ નહીં કરતા અને સ્વચ્છ છબિ ન ધરાવનારાઓ નગરસેવકોને પણ ઘરે બેસાડી દીધા. ટિકીટ ન આપી. જે કામ લાગી ગઈ. સાથે નવું સીમાંકન થતા ભાજપે તેના પર પણ ફોકસ કર્યું. અલ્ટીમેટ રિઝલ્ટ એ આવ્યું કે, ભાજપે ગાંધીનગરમાં ન જીતેલી બેઠકો અંકે કરી લીધી. (ભાજપને 2011માં 15 અને 2016માં 16 બેઠકો મળી હતી)

સીઆર પાટીલની પ્લાનિંગમાં હથોટી છે. તેઓ ખૂબ જ આયોજનબદ્ધ રીતે કામ કરવા ટેવાયેલા છે. આમને આમ તેઓ 182નો ટારગેટ નથી રાખી રહ્યાં. હંમેશા ઉંચુ નિશાન ટાંકવામાં તેઓ માને છે અને માત્ર માનતા જ નથી તે દિશામાં પોતે કામ કરે છે અને આખી ટીમને પણ કામે વળગાળે છે. જેથી, જ સોગઠી ગોઠવવામાં માસ્ટર માઈન્ટ કહેવાતા વડાપ્રધાન મોદી અને ચાણક્ય કહેવાતા ગૃહમંત્રી અમિત શાહે તેમની પસંદગી કરી છે. હવે ગાંધીનગરના પરિણામ જોતા એવું હાલ તો લાગી રહ્યું છે કે, વિધાનસભામાં પણ ફરી એક વાર ભાજપ વેતરણી પાર કરીને મોટું પરિણામ લાવી શકે એમ છે. આપ અને કોંગ્રેસે ફરીથી આત્મમંનોમંથન અને ગણતરીપૂર્વક આયોજન કરવાની જરૂરત વર્તાય રહી છે. કોંગ્રેસ હાર્દિક પટેલ બાદ હવે જીગ્નેસ મેવાણી જેવા નેતાઓને જોડી રહી છે પણ તેઓ કેવી રીતે ભાજપના વિજય રથને અટકાવશે તે જોવું રહ્યુ

રાજકીય નિષ્ણાંત શું કહે છે?

રાજકીય નિષ્ણાંત અને સિનિયર પત્રકાર ફયસલ બકીલીએ કહ્યું કે, જો તમે ગાંધીનગર ચૂંટણી પરિણામના આંકડાઓ જુઓ તો ભાજપનો વોટશેર વધ્યો. ભાજપ અને કોંગ્રેસનો વોટ શેર ગયા ઈલેક્શનમાં લગભગ બેલેન્સ હતો. આ વખતે કોંગ્રેસના મત આમ આદમી પાર્ટીએ કાપ્યા પણ સામે ભાજપના વધ્યા. આપ અને કોંગ્રેસ બંનેના મતો ભેગા કરવામાં આવે તો પણ ભાજપને ટક્કર આપી શકાય તેવા આંકાડ નથી. તમામ પરિબળો અને કોરોનાકાળની નારાજગીની વાતો વચ્ચે ભાજપ તરફી મતદાન લોકોએ કર્યું છે. તે જોતા ફરી એકવાર સાબિત થયું છે કે , ગુજરાતની જનતા ભાજપ સાથે છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ કહ્યું હતુ કે, ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય ફાવ્યો નથી. અગાઉ પણ જ્યારે જ્યારે ત્રીજો મોરચો આવ્યો ત્યારે ભાજપની સીટો વધી છે. પછી તે વિધાનસભા હોય, લોકસભા હોય કે પછી મહાપાલિકા, નગર પાલિકા, પાલિકાની ચૂંટણી હોય. ગાંધીનગરની ચૂંટણીમાં વિરોધી પક્ષોમાં મત વહેંચાય ગયા પણ ભાજપે પોતાના મત વધાર્યા અને ઐતિહાસિક વિજય હાંસિલ થયો.

.

Leave a Reply

Translate »