ન્યૂઝનેટવર્કસ ટીમ: સુરતમાં વિવિધ પ્રકારના 113 જેટલા બ્રિજ(પુલ) છે એટલે તેને બ્રિજસિટી તરીકે પણ હવે લોકો કહેતા થયા છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો 27 ફ્લાયઓવર બ્રિજ , 13 તાપી નદી પરના બ્રિજ અને 12 રેલવે બ્રિજ તેમજ 61 ખાડી બ્રિજનું નિર્માણ 2020 સુધીમાં સુરતમાં થઈ ગયું છે. હાલ કેટલાક અન્ય બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જેમાં રિંગરોડ ફ્લાયર ઓવર બ્રિજનું એક્સપાન્સન સામેલ છે. જેનાથી ટ્રાફિક સમસ્યા નિરાકરણથી લઈને એકબીજા વિસ્તારને જોડવા માટેનું કામ આસાન થયું છે. પરિવહનનો સમય પણ ઘટ્યો છે. સાથે ઈંધણની બચત પણ થઈ રહી છે.
તાપી નદી બ્રિજ…
વર્ષ 1966માં સુરત મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવી તે પૂર્વે સુધરાઈના સમયમાં તાપી નદી પર ચોકબજાર અને રાંદેર વિસ્તારને જોડતો એક હોપપુલ જ હતો ત્યારબાદ 1966માં અહીં જ નહેરુ બ્રિજ બનાવવામાં આવ્યો અને 1982માં અમરોલી બ્રિજ. 1991માં સરદાર પુલ બન્યો. 1995માં જ્યારે ભાજપ શાસનની શરૂઆત થઈ ત્યારબાદ બ્રિજોના નિર્માણની હરણફાળ જાણે લાગી. 1995માં વિયર કમ કોઝવે બન્યો અને ત્યારબાદ તબક્કાવાર વર્ષ 2020 સુધીમાં તાપી નદી પર 10 નદી બ્રિજ બન્યા. જેમાં આઈકોનિક અને સૌથી મોંઘો 144 કરોડના ખર્ચે બનેલો કેબલ સ્ટેજ બ્રિજ પણ સામેલ છે. જેની પાછળ 790 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો. એક વિસ્તારને બીજા વિસ્તાર સાથે જોડતા આ નદી બ્રિજને વિકાસનો ભાગ ભાજપ શાસકોએ લેખાવ્યા.
ફ્લાય ઓવર બ્રિજ....
ટ્રાફિકનું ભારણ ઘટાડવા સુરતમાં સૌથી પહેલો અને રાજ્યનો પણ પ્રથમ ફ્લાયઓવર બ્રિજ 1997માં અઠવાગેટ સર્કલ નજીક બનાવાયો. ત્યારબાદ વર્ષ 2000માં રિંગરોડ ફ્લાયઓવર અને બાદમાં સૌથી લાંબો 2.753 કિલોમીટરનો વરાછા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ મનપાએ કર્યું. જેની પાછળ 30 કરોડનો માતબર ખર્ચ કરાયો. વર્ષ 2020 સુધીમાં સુરતમાં 27 ફ્લાયઓવર બ્રિજ બનાવાયા અને તેની પાછળ રૂ. 900 કરોડથી વધુનો ખર્ચ કરાયો. વાહન વસ્તીથી ફાટફાટ થતા સુરતમાં ટ્રાફિકની સમસ્યા તેનાથી ઓછી કરવા માટે આટલા ફ્લાય ઓવર બ્રિજ બનાવાયા પરંતુ હજી દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વધી જ રહી છે.
રેલવે અને ખાડી બ્રિજ...
સુરતમાં પહેલા રેલવે ટ્રેકની નીચેથી પસાર થવા માટે ત્રણ અંડર પાસ માર્ગ હતા. જોકે, ચોમાસામાં પાણી ભરાય જવાથી એક છેડેથી બીજા છેડે જવું મુશ્કેલ હતું. ઉપરથી ફાટક ક્રોષ કરવા પણ ખાસો સમય જતો હતો અને અકસ્માત થતા હતા પરિણામે સુરત મહાનગર પાલિકા અને ભાજપ શાસકોએ રેલવે ઓવરબ્રિજ બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું. ગુજરાત સરકારની ફાટકમુક્ત મુહિમ પણ તેમાં કામ લાગી અને આવા 12 રેલવે ઓવરબ્રિજ બની ગયા અને બીજા 4 હાલ બની રહ્યાં છે. બીજી તરફ માર્ગ પરિવહનમાં અવરોધરૂપ ખાડી પર પણ બ્રિજ બનાવવાનું નક્કી કરી એકથી બીજા વિસ્તારને જોડવાની શરૂઆત કરાય અને સમયનો બચાવ કરવા 61 ખાડી બ્રિજોનું નિર્માણ મનપા દ્વારા કરાયું. આ બંને બ્રિજો બનાવવા પાછળ મનપાએ રૂ. 633 કરોડનો ખર્ચ અત્યારસુધી કર્યો છે.
સુરત મનપાના ઈલેક્શન પહેલા ભાજપ શાસકોએ સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી કરી હતી તેમાં આટલા બ્રિજીસ બનાવવાનો વિક્રમ કરતા ઉજવણી કરી હતી.
- રાજા શેખ, સુરત (98980 34910)