સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાઓ વિરુદ્ધ દાખલ કરેલી પિટિશનની સુનાવણી કરતાં, આગામી સુનાવણી સુધી આ કાયદાના અમલ પર રોક લગાવી છે. આ સાથે સરકારે ખેડુતો અને સરકાર વચ્ચેની ચાલતા ગતિરોધને દૂર કરવા સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ભારતીય ખેડૂત સંઘના જીતેન્દ્રસિંહ માન, આંતરરાષ્ટ્રીય નીતિ વડા, કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને શિવકેરી સંગઠન, મહારાષ્ટ્રના અનિલ ધનવત સહિત ચાર લોકોનો સમાવેશ કરાશે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેએ કહ્યું કે અમે કાયદો સ્થગિત કરવા તૈયાર છીએ પરંતુ અનિશ્ચિત સમય માટે નહીં.
ભારતના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું કે….,
“અમે એક સમિતિ બનાવી રહ્યા છીએ જેથી અમારી સમક્ષ સ્પષ્ટ ચિત્ર હોય. અમે ખેડૂત સમિતિમાં નહીં જાય તેવી દલીલ સાંભળવા માંગતા નથી. અમે સમસ્યા હલ કરવા માટેનો માર્ગ શોધી રહ્યા છીએ. જો તમે (ખેડૂત) અનિશ્ચિત આંદોલન કરવા માંગતા હો, તો તમે તે કરી શકો છો. “
મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જસ્ટિસ એ.એસ. બોપન્ના અને વી.રામસુબ્રમણિયનની સાથે મળીને આ નિર્ણય જાહેર કર્યો છે.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે…..,
“અમે કાયદાની કાયદેસરતા અને વિરોધથી પ્રભાવિત નાગરિકોના જીવન અને સંપત્તિની સુરક્ષા વિશે ચિંતિત છીએ. આપણે આપણી શક્તિઓ અનુસાર સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કાયદાને સ્થગિત કરીને સમિતિની રચના કરવાની અમારી પાસેની એક શક્તિ છે.
26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી પર નોટિસ
દરમિયાન, પ્રજાસત્તાક દિન નિમિત્તે સોમવારે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજવા માટે ખેડૂતો વતી અરજી પર સુનાવણી કરવામાં આવશે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનોને નોટિસ ફટકારી છે.
વડાપ્રધાન કેમ વાતચીત માટે નથી આવતા તો કોર્ટે કહ્યું કે….,
ખેડૂત સંગઠનોની તરફથી હાજર વકીલ એલએમ શર્માએ કહ્યુંકે ખેડૂતોએ કહ્યું કે કેટલાંક લોકો વાતચીત માટે આવે છે પરંતુ મુખ્ય વ્યક્તિ વડાપ્રધાન આવતા નથી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે અમે પીએમને વાતચીત કરવા માટે કહી શકીએ નથી. તે આ કેસમાં પાર્ટી નથી.
હવે આંદોલન સ્થળ બદલાય શકે છે
કિસાન સંગઠનોના વકીલ વિકાસ સિંહે કહ્યું કે ખેડૂત પ્રદર્શન સ્થળથી એ જગ્યા એ જઇ શકે છે જ્યાંથી પ્રદર્શન દેખાય. અન્યથા પ્રદર્શનનો મતલબ રહેશે નહીં. રામલીલા મેદાન પ્રદર્શન માટે આપવામાં આવે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે રામલીલા મેદાન કે બીજે કયાંય પ્રદર્શન માટે પોલીસ કમિશ્નર પાસેથી ખેડૂત મંજૂરી માટે અરજી કરી શકે છે એવો અમે ઓર્ડર કરીશું.
ખાલિસ્તાનવાળો મુદ્દો પણ ચર્ચાયો….
ચીફ જસ્ટિસે પૂછયું અમારી પાસે એક અરજી છે જેમાં કહ્યું છે કે પ્રતિબંધિત સંગઠન આ પ્રદર્શનમાં મદદ કરી રહ્યા છે. શું એટોર્ની જનરલ તેને માનશે કે ઇન્કાર કરશે. તેના પર એટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલે કહ્યું કે અમને કહ્યું હતું કે પ્રદર્શનમાં ખાલિસ્તાનીઓની ઘૂસણખોરી છે. તેના પર કોર્ટે કહ્યું કે એવું છે તો એવામાં કેન્દ્ર સરકાર ગઇકાલ સુધી એફિડિવેટિ આપે. જવાબમાં એટોર્ની જનરલે કહ્યું કે અમે એફિડેવિટ આપીશું અને આઇબીનો રેકોર્ડ પણ આપીશું.