કોરોનાયોદ્ધાઓની અવિરત મહેનત અને જનતાના સાથસહકારથી દેશ કોરોના વાયરસ સામે સફળતાપૂર્વક મુકાબલો કરી રહ્યો છે, સતત ઘટી રહેલાં કેસોના કારણે કોરોનાના અંતનો આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના 29મા સ્થાપના દિવસ- તા.31મી જાન્યુઆરીએ મહિલા કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યભરમાંથી એકમાત્ર સુરતના ડી.સી.પી. સરોજકુમારીને નવી દિલ્હી ખાતે ‘મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રતનલાલ કટારિયા અને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્માની ઉપસ્થિતિમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે સરોજકુમારીને એવોર્ડ આપી બહુમાન કરાયું હતું. દેશભરમાંથી પોલીસ, આરોગ્ય અને સ્વચ્છતા એમ ત્રણ કેટેગરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર દેશભરના ચુનિંદા મહિલા કોવિડ યોદ્ધાઓને સન્માનિત કરાયા હતાં.
આઈ.પી.એસ. સરોજકુમારીએ બાહોશ પોલીસ અધિકારી તરીકે ફરજની સાથોસાથ સામાજિક કાર્યો માટે પણ નામના મેળવી છે. વડોદરા શહેર ખાતે તત્કાલિન નાયબ પોલીસ કમિશનર (વહીવટ અને મુખ્ય મથક)ની ફરજ દરમિયાન કોરોના મહામારી તેમજ લોકડાઉનમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં સરાહનીય કામગીરી કરી હતી. હાલ તેઓ વડોદરાથી સુરત તા.06/08/2020 ના રોજ ટ્રાન્સફર થઈ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે નાયબ પોલીસ કમિશ્નર, (વહીવટ અને મુખ્ય મથક) તરીકે ફરજ બજાવે છે.
વડોદરામાં લોકડાઉન દરમિયાન ‘પોલીસ કિચન ’ કર્યું હતું શરૂ

વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન શ્રમજીવી, ગરીબો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, ફૂટપાથ પર તેમજ બ્રિજ નીચે મળી આવતા લોકો ભૂખ્યા ન રહે એ માટે ‘પોલીસ કિચન’ શરૂ કરી પોલીસ ટીમની મદદથી તેમણે રાતદિવસ ભોજન પૂરૂ પાડ્યું હતું. ‘કમ્યુનિટી પોલિસીંગ’ એટલે કે પોલીસ દ્વારા ભાવનાત્મક અભિગમ દ્વારા સ્વજનની જેમ સેવા અને મદદની ભાવનાથી કોરોના કટોકટીમાં લોકો માટે સતત કાર્યરત રહ્યાં હતાં. તેમની દોરવણી હેઠળ વડોદરા શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી બહેનો જ રસોઈ બનાવતી અને વિવિધ સ્થળોએ જાતે જ ભોજન વિતરણ કરતી. નોકરીનો સમય પૂર્ણ થયાં બાદ પોલીસ બહેનો પોતાના ઘર-પરિવારની જવાબદારી સાચવવાની સાથે વડોદરા પોલીસ હેડ ક્વાર્ટર, પ્રતાપનગર ખાતે આવીને પોલીસ કિચનમાં ૪૦૦ થી પ૦૦ લોકોનું ભોજન બનાવતી હતી.
સમજ સ્પર્શ પ્રોજેક્ટ પણ ચલાવ્યો
સરોજ કુમારી જેટલી નિષ્ઠાથી પોલીસ અધિકારી તરીકે કામ કરે છે, તેટલી જ નિષ્ઠાથી તેઓ સમાજિક કામો પણ કરે છે. તેમની કાબેલિયતને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે ‘સમજ સ્પર્શ’ નામનો પ્રોજેક્ટ સોંપ્યો હતો. સમજ સ્પર્શ ટીમ દ્વારા અનલોક જાહેર થયું ત્યાં સુધી સ્લમ વિસ્તારમાં રહેતાં ગરીબ, મજુર વર્ગના ૮૦૦ લોકોને દરરોજ ભોજન વિતરણ કર્યું હતું.
લોકડાઉનમાં કામગીરી કરવાની જેટલી ખુશી મળી એટલી જ એવોર્ડ મળવાથી થઈ
સરોજકુમારી જણાવે છે કે, ‘ગુજરાત પોલીસ દ્વારા મારી ફરજ અને કામગીરીને ધ્યાને લઈને એવોર્ડ માટે મારૂ નામ મોકલવામાં આવ્યું હતું. એવોર્ડ મેળવીને એટલી જ ખુશી મળે છે જેટલી લોકડાઉન અને કોરોના દરમિયાન જરૂરિયાતમંદોની સેવા કરવામાં મળતી હતી. કાયદો અને વ્યવસ્થાના પાલન સાથે લોકો સુરક્ષિત રહે, કોરોનામુક્ત રહે અને ભયનો માહોલ દૂર થાય એ અમારી પ્રાથમિકતા હતી. સાથોસાથ ગરીબો અને વંચિતો સુધી ભોજન પહોંચાડવા, શ્રમિકોની હેરફેર અને સિનીયર સિટીઝન્સની સેવા કરવાની તક મળી હતી. વડોદરા પોલીસના સહયોગથી ફરજના ભાગરૂપે સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આપવામાં આવતાં માસ્ક, દવા, ભોજન વગેરે પણ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યા હતાં
સરોજકુમારીએ વધુમાં જણાવ્યું કે, સિનીયર સિટીઝન્સને મુશ્કેલી ન પડે એ માટે વરિષ્ઠ નિર્ભયમ સેલ (સિનિયર સિટીઝન સેલ) શરૂ કરી એક મોબાઈલ નંબર જાહેર કર્યો. અને કોઈ પણ વરિષ્ઠ નાગરિક સીધા આ મોબાઈલ પર કોલ કરીને મદદ મેળવી શકે એવી વ્યવસ્થા કરી. જેમાં આશરે ચાર હજાર વૃદ્ધોને મદદ પૂરી પાડી હતી. જરૂરિયાત ધરાવતા સિનિયર સિટીઝનોને કરિયાણું, ટિફીન, દવા, મેડિકલ સારવાર પણ…
‘મહિલા કોવિડ યોદ્ધા: વાસ્તવિક હીરો’ એવોર્ડ શું છે?
કોરોના મહામારીના કારણે વિશ્વભરના લોકોએ વર્ષ ૨૦૨૦માં સૌથી મુશ્કેલ સમય વિતાવ્યો. આ સમયગાળા દરમિયાન દેશના દરેક રાજ્યમાં આરોગ્ય, સ્વચ્છતા અને પોલીસ કેટેગરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ત્રણ મહિલાઓની ભારત સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ‘કોવિડ વુમન વોરિયર: ધ રિયલ હીરોઝ’ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. સુરત ખાતે કાર્યરત આઈપીએસ સરોજ કુમારી ગુજરાત પોલીસના એકમાત્ર મહિલા અધિકારી છે, જેમણે પોલીસ કેટેગરીમાં આ એવોર્ડ મેળવ્યો છે.