કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હૈદ્રાબાદ સ્થિત રસી બનાવતી કંપની બાયોલોજિકલ-ઈ સાથે 30 કરોડ રસીના ડોઝ રિઝર્વ રાખવાની વ્યવસ્થા કરી છે. બાયોલોજિકલ-ઇની રસીના ડોઝ ઓગસ્ટ-ડિસેમ્બર 2021ની વચ્ચે બનાવી લેવાશે.. આ ડોઝ મેળવવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 1500 કરોડ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ મેસર્સ બાયોલોજિકલ-ઈને કર્યું છે.
રિપોર્ટ મુજબ બાયોલોજિકલ-ઈની કોરોના રસી હાલમાં થર્ડ ફેઝના ટ્રાયલમાં છે. આ રસીના પ્રથમ બે ટ્રાયલ થઈ ગયા છે, જેના સારા પરિણામ આવ્યા છે. બાયોલોજિકલ-ઈ દ્વારા વિકસિત કરવામાં આવી રહેલ રસી એક આરબીડી પ્રોટીન સબ-યૂનિટ રસી છે અને આગળના થોડા મહિનામાં ઉપલબ્ધ થવાની શક્યતા છે.
મેસર્સ બાયોલોજિકલ-ઈની સાથે આ વ્યવસ્થા ભારત સરકારના પ્રયત્નનો એક ભાગ છે, જે સ્વદેશી રસી નિર્માતાઓને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મદદ અને નાણાંકીય મદદ કરે છે. બાયોલોજિકલ-ઈ કોરોના રસી કેન્ડિડેટને ભારત સરકાર દ્વારા પ્રીક્લિનિકલ સ્ટેજથી લઈને ફેઝ-3 સ્ટડીઝ સુધી સપોર્ટ કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીએ માત્ર 100 કરોડ રૂપિયાની મદદ ડોનેશન તરીકે આપી છે. પોતાની રીચર્સ સંસ્થા ટ્રાન્સલેશનલ હેલ્થ સાઈન્સ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ ફરીદાબાદના માધ્યમથી તમામ એનિમલ ટ્રાયલ અને રિસર્ચના સંચાલન માટે બાયોલોજિકલ-ઈની સાથે ભાગીદારી કરી છે.
હાલ ત્રણ રસીનો ઉપયોગ
ભારતમાં કોરોના રસીકરણ અભિયાનમાં ત્રણ રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં બે સ્વદેશી એટલે કે મેડ ઇન ઇન્ડિયા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયેટોકની રસી અને ત્રીજી રશિયાની સ્પુતિક વીને ઇમરજન્સી ઊપયોગ માટે મંજૂરી મળેલી છે. સરકારનો ટાર્ગેટ છે કે ઓગસ્ટ સુધીમાં દરરોજ એક કરોડ લોકોને રસી લગાવામાં આવે. એટલું જ નહીં કેટલીક વિદેશી રસી ઉત્પાદક જેવા કે ફાઇઝર અને મોડર્ના સાથે પણ વાતચીત ચાલી રહીં છે.