મારામારી અને તલવારથી હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પરંતુ મનપાએ માત્ર અડાજણ પોલીસને પત્ર લખીને સંતોષ માની લીધો, ઘટનાને 15 દિવસ થવા આવ્યા છતા કોઈ કાર્યવાહી નહીં: શું કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે ખેલ ખેલાય રહ્યો છે? : કામદારોમાં ડર સાથે રોષ!
- રાજા શેખ (98980 34910)
સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના નેજા હેઠળ ચાલતા પાલ ટ્રાન્સફર સ્ટેશનમાં 15 જુન 2021ના રોજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરનારા અને તેને સ્વીકારનારા બે કોન્ટ્રાક્ટ એજન્સીના માણસો વચ્ચે કોઈ કારણોસર મારામારી થઈ હતી. ગાર્બેજની એક ગાડીના ડ્રાઈવર સાથે પંગો થતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી અને તે મામલે તલવારથી પણ હુમલો કરાયો હતો, જોકે, સદ્ નસીબે કોઈને ઈજા થઈ ન હોતી. કિન્તુ ધીરેધીરે આ મામલાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યાં છે, જોકે, આશ્ચર્ય વચ્ચે મહાપાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી અથવા કોન્ટ્રાક્ટર પાસે નોંધાવવાની તસ્દી લીધી નથી. માત્ર આ મામલાથી પોતાનો હાથ ખંખેરવા માટે એક પત્ર અડાજણ પોલીસને લખી દીધો છે. પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી આજદીન સુધી નહીં કરાતા કામદારોમાં ડરનો માહોલ સાથે રોષ પણ છે. કહેવાય છે કે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો કોન્ટ્રાક્ટ ધરાવતી બે એજન્સીને બચાવવા માટે માત્ર દેખાડાની કામગીરી કરાઈ રહી છે.
મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કાર્યાપાલક ઈજનેર ઈએચ પઠાણ દ્વારા અડાજણ પોલીસને ઘટના અઠવાડિયા બાદ પત્ર લખીને કહેવાયું છે કે, એલપી સવાણી સ્કૂલની બાજુમાં આવેલા પાલ ટ્રાન્સફર સ્ટેશનમાં ઘરે ઘરેથી ઉઘરાવાતો કચરો અનલોડ કરાય છે અને આ કામ કોન્ટ્રાક્ટ એજન્સી વેસ્ટર્ન ઈમેજરી પ્રા. લિ. અને મેસર્સ જીગર ટ્રાન્સપોર્ટ કાું આ કચરાને ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર લઈ જાય છે. 15 જૂનના રોજ આ બંને એજન્સીના કર્મચારીઓ વચ્ચે કોઈ કારણોસર મારામારી થઈ હતી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હોવાનું સીસીટીવીમાં પ્રાથમિક તબક્કે જણાય આવે છે. તેથી તપાસ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવી.
જોકે, મનપા દ્વારા આ મામલે કોઈ કડકાઈ દાખવાય ન હોવાનું જાણવા મળે છે. અમે આ સંદર્ભે હકીકત જાણવા સોલિડ વેસ્ટના કાર્યપાલક ઈજનેર પઠાણનો સંપર્ક કર્યો પણ તેઓએ ફોન રિસીવ ન કર્યો.
પગાર મુદ્દે મારમારી થઈ, ત્યારબાદ ડ્રાઈવર ગુમ હોવાની ચર્ચા
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ બે કોન્ટ્રાક્ટરો વચ્ચે ઝઘડો પગાર મામલે થયો હતો. કોન્ટ્રાક્ટ એજન્સી વેસ્ટર્ન ઈમેજરી પ્રા. લિ. અને મેસર્સ જીગર ટ્રાન્સપોર્ટ કાુંના સુપરવાઈઝરો નિયત પગારમાંથી ગાબચી મારે છે. દર મહિને ચોપડે દેખાડાતા પગાર કરતા અડધા જેટલો જ પગાર અપાય છે અને તેમાંથી પણ પ્રત્યેક કામદાર દીઠ સુપરવાઈઝર 100થી 200 રૂપિયાનું ગાબડું પાડી પોતાના ખિસ્સા ભરે છે. કડી મહેનત કરી ઘરે ઘરે ફરી કચરો ઉઘરાવતા ડોર ટુ ડોરના ડ્રાઈવરો અને કામદારોને હક અને મહેનતનો પગાર પણ અપાતો નથી. આ મામલે એક ટેમ્પોનો રાકેશ નામનો ડ્રાઈવર ઉશ્કેરાયો હતો અને તેણે વિરોધ કરતા તેને 10 જેટલા લોકોને બોલાવી મારમરાયો હોવાની વાત સામે આવી છે. ડ્રાઈવર ત્યાંથી જઈને તલવાર લઈને આવ્યો હતો અને તેણે ફેરવવા માંડી હોવાનું સીસીટીવીમાં દેખાય છે. જોકે, બાદમાં ફરી તેને મારમારી કાઢી મુક્યો હતો. આ ઝઘડા બાદ ડ્રાઈવર સુરતમાં પણ નથી અને વતનમાં પણ મૌજૂદ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. શું તેની સાથે કોન્ટ્રાક્ટરના ખાસમ ખાસે કંઈ અજુગતું કર્યું છે? કે શું તે ફરિયાદના ડરે ગભરાઈને કશે ચાલ્યો ગયો છે? અડાજણ પોલીસના તપાસકર્તા અધિકારી હાલ ઢીલા ઢોલ વગાડી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે પરંતુ કામદારો પર હુમલો અને શોષણને લઈને તલસ્પર્શી, ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. મનપાના ભ્રષ્ટ અધિકારીઓ પણ કામદારોના શોષણમાં સામેલ હોવાનું આ બાબત પરથી ફલિત થઈ રહ્યું છે. તે મામલે અનેક ખુલાસો તપાસમાં થઈ શકે છે..
(પાર્ટ-2)