સુરત: કેપી ગ્રુપની પરોપકારી સંસ્થા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ઉર્જાનૂર સ્કોલરશીપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેનો હેતુ રિન્યુએબલ એનર્જી અને સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવાનો છે.
આ પહેલ 24 માર્ચે કેપી ગ્રુપના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલના 55મા જન્મદિવસે શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત બી.ટેક અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સમાં અભ્યાસ કરતા યોગ્ય વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, હોસ્ટેલ, ભોજન અને પરિવહન સહિત સંપૂર્ણ મફત શિક્ષણ આપવામાં આવશે. આ સ્કોલરશીપનો હેતુ ક્લીન એનર્જી ક્ષેત્ર માટે કુશળ માનવશક્તિ તૈયાર કરવાનો છે અને સાથે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલમાં 92 વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે અને આવનારા વર્ષોમાં આનો વિસ્તાર કરવાની યોજના છે. આ સાથે બોત્સવાનામાં કેપી ગ્રુપ દ્વારા 4 અબજ ડોલરનું રોકાણ કરાય રહ્યું છે, ત્યાંથી નવી શરૂ થયેલ સ્કોલરશીપ હેઠળ દર વર્ષે 30 વિદ્યાર્થીઓને આ યોજનામાં સામેલ કરવામાં આવશે. આ વર્ષે કુલ 120 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે, જેમાંથી 30 વિદ્યાર્થીઓ બોત્સ્વાનાના રહેશે

આ અંગે કેપી ગ્રુપના સીએમડી ડૉ. ફારુક જી. પટેલે જણાવ્યું:
“અમારો હેતુ હંમેશાં એવા યુવાનોને સહાય કરવાનો રહ્યો છે જેનામાં આગળ વધવાની ક્ષમતા છે પરંતુ યોગ્ય પરિસ્થિતિઓનો અભાવ છે. કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમના સપનાઓ સાકાર કરવા માટે સક્ષમ બનાવીએ છીએ. અમારો હેતુ માત્ર શિક્ષણ માટે ફંડ આપવાનો નથી, પરંતુ તેમની પ્રતિભા અને કૌશલ્યને વિકસાવી ભારત માટે મજબૂત રિન્યુએબલ એનર્જી વર્કફોર્સ તૈયાર કરવાનો છે.”
ઉર્જાનૂર સ્કોલરશીપનો હેતુ શિક્ષણ સાથે રોજગારના અવસર ઉભા કરીને સર્વસમાવેશી માળખું તૈયાર કરવાનો છે, જેમાં ધર્મ, જાતિ કે સામાજિક ભેદભાવ ન હોય.
પીપી સવાણી યુનિવર્સિટીના મેનેજિંગ ડિરેક્ટર સ્નેહ સવાણીએ જણાવ્યું: “અમારો હેતુ માત્ર શિક્ષણ આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણ પછી રોજગાર મેળવવાની ક્ષમતા આપવાનો છે. અમારી જવાબદારી શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી નથી, પરંતુ તે વિદ્યાર્થીઓ પોતાના પરિવારને કેવી રીતે સહારો બને તે હેતુ સિદ્ધિ કરવાનો છે.”
ઘણા વિદ્યાર્થીઓ માટે આ પ્રથમ વખત યુનિવર્સિટી વાતાવરણનો અનુભવ છે, જેમાં ક્લાસરૂમ, લેબોરેટરી અને સુવ્યવસ્થિત અભ્યાસની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને પરિવહનની સુવિધા આપીને સ્થિર વાતાવરણ પૂરૂં પાડે છે જેથી તેઓ અભ્યાસ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

પીપી સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પરાગ સાંઘાણીએ જણાવ્યું:
“શિક્ષણનો હેતુ હૃદય અને હાથના સંયોજનથી દેશ માટે શ્રેષ્ઠ ઇજનેરો તૈયાર કરવાનો છે. સસ્ટેનેબલ એનર્જી ક્ષેત્રમાં આ અમારો નાનો પ્રયાસ છે.”
આ કાર્યક્રમમાં ઇન્ડસ્ટ્રી એક્સપોઝર અને રોજગારની તક પણ આપવામાં આવશે અને કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવશે. “અમારો અંતિમ હેતુ એ છે કે વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને, પોતાના પરિવારને સહારો આપે, સમાજને આગળ વધારે અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે,” એમ ડૉ. ફારુક પટેલે ઉમેર્યું.
ઉર્જા નૂર સ્કોલરશીપ કાર્યક્રમ કેપી ગ્રુપના તે દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જે દેશની ક્લીન એનર્જી ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા માટે કુશળ પ્રતિભાનો મજબૂત આધાર તૈયાર કરે છે.
