આ શિક્ષણ સમિતિ બની વિદ્યાર્થીઓ માટે ‘શિક્ષણ રાહી’

  • રાજા શેખ (98980 34910)

‘શિક્ષણ રાહી’ સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિતેલા પાંચ વર્ષમાં બાળકોની શિક્ષણ રાહી બનીને તેઓ માટે અનેક કાર્યો કર્યા. સત્તામાં બેઠેલા ભાજપ શાસકોની સિલેક્ટ પાંખે તેમના હસ્તકની 347 શાળાઓ, 7 જુદાજુદા માધ્યમોમાં અભ્યાસ કરનારા 1.60 લાખથી વધુ બાળકો માટે નીતનવા શૈક્ષણિક કાર્યક્રમો કરીને તેઓના જીવનના અમૂલ્ય વર્ષોમાં આગળ ધપાવવા માટે કોશિશ કરી છે. ઘણાં બાળકો વિવિધ સ્પર્ધાઓમાં ગુજરાત અને દેશ કક્ષાએ ઝળક્યા છે. જેમાંથી શિક્ષકો પણ બાકાત નથી. 120 પાનાની ‘શિક્ષણ રાહી’ પુસ્તકમાં વિતેલા પાંચ વર્ષોમાં કરાયેલા અનેક ઐતિહાસિક લેખાવી શકાય તેવા કાર્યોની નોંધ કરવામાં આવી છે.

સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતની શાળાઓ પૈકી અમરોલી, પૂણા, વરાછા, કતારગામ, લિંબાયત અને ભેસ્તાનની કેટલીક શાળાઓમાં અપાતા સારા શિક્ષણને લઈને અહીં એડમિશન માટે પણ પડાપડી થાય છે. અપવાદ કેટલીક શાળાઓના શિક્ષકો ખાઈબદેલા હોઈ શકે પણ ચેરમેન હસમુખ પટેલ અને તેમની ટીમ તેમજ શાસનાધિકારી વિમલ દેસાઈ તેમજ તત્કાલિન ઉપશાસનાધિકારી રાગણીબેન દલાલની કુનેહ તેમજ વિપક્ષની બાજનજરને કારણે બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે ઘણાં શૈક્ષણિક કાર્યો ઉચ્ચ કક્ષાના થયા છે. ખાનગી સ્કૂલો સામેની હરિફાઈમાં એક તરફ રાજ્યમાં ઘણી સરકારી શાળાઓના શટર પડી રહ્યાં છે એવામાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મહત્તમ શાળામાં ઉલ્લેખનીય કામ થઈ રહ્યું છે અને તે રાજ્ય કક્ષાએ પણ ચમકી રહ્યું છે. સમિતિએ પીપીપી ધોરણે બાળકોને સારું શિક્ષણ મળે તે માટે 17થી વધુ શાળાઓ દત્તક પણ આપીને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને ભણતર સામગ્રી સહિતના કાર્યોની જવાબદારી સંબંધિત ટ્રસ્ટોને સોંપી છે. જેનાથી ઘણું સારું કાર્ય થઈ રહ્યું છે જ્યારે શાળઓમાં દરેક વાર-તહેવારોની ઉજવણી, શિષ્ટતા, બાળ રમતો, અભિનયગીત, લેખન પ્રવૃત્તિ, નવતર પ્રયોગો, સ્માર્ટ ક્લાસ, ખેલમહાકૂંભ, ફિટ ઈન્ડિયા થકી બાળકોની માનસિક – શારીરિક શક્તિ વિકસાવવાનું કાર્ય પણ થઈ રહ્યું છે. કોવિડ દરમિયાન તમામ પુસ્તકો, અભ્યાસક્રમ, મૂલ્યાંકન, ક્વીઝ સ્પર્ધા વગેરે ઓનલાઈન બાળકો કરી શકે તે માટે એકલવ્ય એમ.એસ.બી., સુરત જેવી એપ્લિકેશન વિકસાવીને તેમજ ઘણી શાળાઓએ યુટ્યુબના માધ્યમોથી ગરીબ બાળકોને ભણાવવાનો પ્રયાસ કર્યો. ઘરે ઘરે જઈ શિક્ષણ આપવાનું કામ પણ ઘણાં શિક્ષકોએ પોતાની ફરજ સમજીને કર્યું. કદી શાળાએ ન ગયેલા બાળકો માટે 50 જેટલા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ , દિવ્યાંગ બાળકો માટે વિશેષ શિક્ષણ આપવામાં આવે છે. સુરત જ એક માત્ર એવું શહેર છે કે જેમાં સમિતિની શાળઓમાં ગુજરાતી, ઈંગ્લીશ, ઉર્દુ, ઉડિયા, મરાઠી, હિન્દી, તેલુગુ સહતિની ભાષાઓની શાળાઓ ચલાવવામાં આવે છે.

કોરોનાકાળ રમિયાન પણ સમિતિ ખડેપગે રહી

કોરોનાકાળમાં લોકડાઉનથી લઈને આજપર્યય સમિતિના 4000 જેટલા શિક્ષકો રોટેશનથી કોવિડને અટકાવવા માટે ઘરે ઘરે સર્વે, હોમ આઈસોલેશન, દવા પેકિંગ-વ્હેંચણી, કોવિડ ટેસ્ટ, અનાજ વિતરણ, ધનવંતરી રથમાં કામગીરી સહિતની અનેક કામગીરીમાં જોતરાયા, સાથોસાથ બાળકોને ઓનલાઈન શિક્ષણ પણ આપ્યું. કોરોનામાં લોહીની ઉણપ જોતા રક્તદાન કેમ્પ પણ કર્યા. આ કામગીરી દરમિયાન 150 જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત પણ થયા પણ હિંમત ન હાર્યા. બાદમાં વેક્સિનેશનની કામગીરીમાં પણ જોતરાઈને કોરોના વોરિયર તરીકેની ભૂમિકા નિભાવી. આવી અનેક બાબતોને શિક્ષણ રાહીમાં સમાવી લેવામાં આ‌વી છે.

આ મામલે સમિતિના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, મને અધ્યક્ષ બનવાની તક ઈશ્વરે આપી તે માટે હું તેમનો આભારી છું. અમારા શિક્ષકો શિક્ષણ રાહી ન બનીને સમાજ સેવક,રાષ્ટ્રપ્રેમી બની દેશની સેવા પણ કરી તે માટે હું તેમનો આભારી છું. અમારો પ્રયાસ બાળકોને શિક્ષણ જ નહીં પણ તે દેશનો એક આદર્શ નાગરિક બને તેવો રહ્યો છે. બાળકોની સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરીને તે ઉત્તમ કૌશલ્ય પ્રાપ્ત કરે તે માટે અમે પ્રયાસો કર્યા છે. એક સરકારી શિક્ષક શું કરી શકે ? તેમનું ગજું કેટલું? તેવી કેટલાક લોકોની માનસિકતા કોવિડ કાળ દરમિયાન અમારા શિક્ષકોએ તોડી છે અને કર્તવ્ય નિષ્ઠા સાથે કામ કર્યું તે બદલ હું તેમનો આભારી છું. આવાનાર સમયમાં પણ અમે આજ રીતે શિક્ષણના ઉત્થાન માટે કાર્ય કરીશું.

Leave a Reply

Translate »