મનપાના વોટિંગ પહેલા ધો.6થી 8ની શાળાઓ પણ કરાશે શરૂ, વાલીની સંમતિ જરૂરી

ગુજરાત (Gujarat)માં આગામી ગુરુવાર તા 18 ફેબ્રુઆરી 2021થી ધોરણ 6થી 8નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેનો ઠરાવ રાજ્યના શિક્ષણ વિભાગે કરી દીધો છે. કોવિડમાં બંધ પડેલી શાળાઓને ધીરેધીરે શરૂ કરવાની દિશામાં પ્રયાસ કરાય રહ્યાં છે આ પહેલા કોલેજ અને ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરાયા હતા. જોકે, કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઓફફલાઈન પ્રત્યક્ષ શિક્ષણકાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે.

શિક્ષણ સચિવ વિનોદ રાવે મીડીયાને જણાવ્યું કે, રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ 6થી 8ના વર્ગોમાં ભૌતિક શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે, સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડલાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ 8મી જાન્યુઆરી-2021ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે. તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળાઓ SOPનું પાલન અવશ્ય કરે એ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગખંડો પુનઃ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

વિદ્યાર્થીઓની હાજરી સ્વૈચ્છિક રહેશે, કોઈ દબાણ નહીં કરાય

શિક્ષણ સચિવે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ઓફફલાઈન પ્રત્યક્ષ શિક્ષણકાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે. કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી-શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂચનાઓ પણ શિક્ષણ વિભાગના ઠરાવમાં આપવામાં આવી છે. ધોરણ 6થી 8ના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, દરેક વિદ્યાર્થી, શિક્ષકગણ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ SOPની અન્ય બાબતોનું પણ પાલન થાય એની ખાસ તાકીદ પણ કરવામાં આવી છે.

આ પહેલા ધોરણ 9થી લઈ કોલેજનું શિક્ષણ કાર્ય શરૂ કરાયુ હતુ

કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં ત્યાર બાદ ક્રમશઃ વર્ગખંડ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તદનુસાર ગત તારીખ 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ 10-12 અને સ્નાતક અનુસ્નાતક કક્ષાના અંતિમ વર્ષના વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગખંડો તારીખ 1લી ફેબ્રુઆરીથી પુનઃ શરૂ થઈ ગયા છે તેમજ તારીખ 8મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Translate »