કામદારોનું શોષણ: રાંદેર ઝોનનો ડોર ટુ ડોરનો ઈજારેદાર શ્રમ આયોગમાં હાજર નથી થતો!!

સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ (ઘન કચરો) ઉઘરાવનારા 700 કામદારોનું શોષણ થઈ રહ્યું હોવાની બૂમો લગાતાર ઉઠી રહી છે. દરમિયાનમાં જુન માસમાં ચાર જેટલા કામદારોએ સોંગદનામા સાથેની ફરિયાદ નાયબ શ્રમ આયોગ, બહુમાળી ખાતે કરી હતી. ત્યાં સુનાવણી ચાલી રહી છે અને શ્રમ આયોગ લગાતાર નોટીસ બજવીને ઈજારેદારોને બોલાવી રહ્યો છે. આ જ ક્રમમાં રાંદેર ઝોનના ડોર ટુ ડોરના ઈજારેદાર વેસ્ટર્ન ઈમેજનરી ટ્રાન્સપોર્ટ પ્રા. લિ. શ્રમ આયોગમાં હાજર થતો નથી અને શામ-દામ-દંડ-ભેદની નીતિ અખત્યાર કરી ફરિયાદ કરનારા કામદારોને ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી રહ્યો છે. 6 ડિસેમ્બરે 2021ના રોજ પણ હાજર થઈ જવાબ રજૂ કરવા જણાવાયું હતું પરંતુ વેસ્ટર્ન ઈમેજનરીનો કોઈ કર્મચારી કે સુપરવાઈઝર હાજર રહ્યો ન હતો. ઉપરથી સહદેવ, વીક્કી અને રાજુ નામના ઈજારેદારના ખાસ પીઠ્ઠુઓ કર્મચારીઓને ડરાવી રહ્યાં હોવાની વાત ચર્ચાતી જોવા મળી છે.

શોષણ મામલે ફરિયાદીઓએ કરેલી એફિડેવિટમાં શું લખ્યું હતું?

કામદારોએ એફિડેવિટ સાથે શ્રમ વિભાગને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડોર ટુ ડોર ગાર્બેજના કોન્ટ્રાક્ટરો અમારું શોષણ કરે છે. રાંદેર ઝોનના વેસ્ટર્ન ઈમેજનરી અને જીગર ટ્રાન્સપોર્ટ સામે તો વિશેષરૂપે ફરિયાદ કરાય હતી. જેમાં જણાવ્યું હતું કે, અમારો ચોપડે પગાર રૂ. 21000 આસપાસ બોલે છે પરંતુ અમને માત્ર રૂ. 7000 જ આપવામાં આવે છે. આ ફરિયાદ બાદ શ્રમ આયોગ હરકતમાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરોને જરૂરી પુરાવા સાથે હાજર થવા ફરમાન કર્યું હતું અને આમ ન કરાય તો કાયદેસરના પગલાં ભરવાની નોટિસ પણ જારી કરી હતી પરંતુ કોઈ કોન્ટ્રાક્ટરે પગાર મામલે સુધારો કર્યો નથી. કોન્ટ્રાક્ટરો સુરત મહાનગર પાલિકામાં પ્રત્યેક કામદાર દીઠ રૂ. 21 હજાર વસૂલી દર મહિને લાખો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યાં છે. ઉપરાંત ઈન્કમટેક્સ ચોરી થતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ચેકબુક-પાસબુક અને એટીએમ કોન્ટ્રાક્ટરો જમા લઈને કામદારોના નાણાં પોતે ઉપાડી લઈ ક્રાઈમ કરી રહ્યાં છે :

વેસ્ટર્નના કામદારે કરેલી આપવીતીનો ફાઈલ વીડીયો, હાલ શ્રમ આયોગની ફરિયાદ ખેંચી લેવા તેના પર દબાણ છે

શ્રમ આયોગમાં કરાયેલા સોગંદનામામાં 8 વર્ષ ઉપરાંતથી ફરજ બજાવતા કામદારો દ્વારા એવી પણ ફરિયાદ કરાય હતી કે, ઉપરોક્ત કોન્ટ્રાક્ટર એજન્સી ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન કરનારા ડ્રાઈવરો, કામદારોને પગાર કરવા માટે બેંકમાં એકાઉન્ટ તો ખોલાવે છે પરંતુ તેમના નામની ચેક બુક, પાસબુક તેમજ એટીએમ કાર્ડ કોન્ટ્રાક્ટરની ખાનગી ઓફિસ તેમજ ઉપરી અધિકારીના ઘરના એડ્રેસ પર મંગાવે છે. મહાપાલિકામાંથી દર 15 દિવસે બિલ પાસ કરાવાય છે. જે મોટી રકમ ટેન્ડરરના ખાતામાં મનપાનું એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ નાંખે છે. ત્યાંથી પેટા કોન્ટ્રાક્ટરના ખાતામાં રાશિ જમા થાય છે અને તે પહેલા કામદારોના બેંક ખાતામાં નક્કી પગાર નાંખે છે અને બાદમાં કામદારોના એટીએમ દ્વારા ઉપાડી લે છે. દરેક કર્મચારીઓનો મિનિમમ બેઝિસ મુજબ પગાર રૂ. 21 હજાર ચુકવવાનો થાય છે પરંતુ તેઓને માત્ર રૂ. 7000 જ દર મહિને ચુકવાય રહ્યાં હોવાનો ગંભીર આરોપ એફિડેવિટમાં થયો છે. ઉપરાંત પગાર ચુકવનાર સુપરવાઈઝર પણ રૂ. 100થી 200 સુધીની કટકી મારે છે તે અલગ. આમ ગરીબ કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. જે કર્મચારીઓ આ મામલે આવાજ ઉઠાવે છે તેઓને લેબરના નિયમો વિરુદ્ધ રાતોરાત છુટા કરી દેવામાં આવે છે. તદઉપરાંત કોન્ટ્રાક્ટ પરના સુપરવાઝરો કામદારો પુરતો પગાર માંગે છે તો કહેવાય છે કે, ડોર ટુ ડોર ગાર્બેજ ઉઘરાવતી વખતે ઘણો બધો ભંગાર- પ્લાસ્ટિક અને સરસામાન લોકો નાંખે છે તે વેચીને બાકીની રકમ તેમાંથી મેળવી લો.

આ તમામ બાબતોની તથ્યતા તપાસી શ્રમ વિભાગે નોટિસો પર નોટિસો બજવી છે પરંતુ ઉપર સુધી સેટિંગ હોવાનો દાવો કરનારા ઉપરોક્ત કોન્ટ્રાક્ટરોનું પેટનું પાણી પણ હાલતું નથી! ઈજારેદારના પીઠ્ઠુઓ સહદેવ, વીક્કી અને રાજુ તો પાનના ગલ્લે, ચાની લારીઓ પર અને મનપા કચેરીઓમાં બિન્દાસ્ત કહેતા ફરે છે અને કામદારોને ધમકાવતા કહે છે ‘‘આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગ તો અમારા ખિસ્સામાં છે, જેથી અમારું કંઈ નહીં થાય’’ આવો આરોપ ડોર ટુ ડોરના કામદારોએ જ લગાવ્યો છે.

  • રાજા શેખ-98989 34910

Leave a Reply

Translate »