સંઘ કાશીએ કેવી રીતે પહોંચશે? અહીં કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરિફ!

અમદાવાદમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં આજે જબરો કલાઈમેક્સ જોવા મળ્યો હતો. આજે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિને નારણપુરાથી બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળએ ફોર્મ પરત ખેંચતા ભાજપની થાળીમાં આ બેઠક સીધી જ આવી ગઈ હતી અને ઉમેદવાર આપોઆપ બિન હરિફ થઈ ગયા હતા. રિપોર્ટ મુજબ એક દિવસ પહેલા જ આ રિઝર્વ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. આ સાથે જ અમદાવાદ કોંગ્રેસના નેતાઓના શ્વાસ ચઢવા સાથે તેમની ટિકિટ વહેંચણીમાં પણ પોલ ખુલ્લી પડી ગઈ હતી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કોંગ્રેસે મતદાન પહેલા 192 બેઠકો પૈકી 3 બેઠકો ગુમાવી દીધી છે. કોંગ્રેસ હવે 189 બેઠકો ઉપર ચૂંટણી લડશે. જ્યારે ભાજપ એક બેઠક જીતી લીધી છે. હવે તેઓ 191 બેઠકો ઉપર ચૂંટણી લડશે.

આ પહેલા ગઈકાલે ફોર્મ ચકાસણીના દિવસે સરદાનગર અને ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. નારણપુરા વોર્ડની બક્ષીપંચની રિઝર્વ બેઠક પર કોંગ્રેસે ચંદ્રિકાબેન રાવળને મેદાનમાં ઉતાર્યા હતા. તેમની સામે ભાજપે બ્રિન્દા સુરતીને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી પુષ્પાબેન નામની મહિલાએ મેદાનમાં ઉતારી હતી. ગઈકાલે ફોર્મ ચકાસણી દરમિયાન આમ આદમી પાર્ટીના પુષ્પાબેનનું ફોર્મ રદ થયું હતું. જેથી, ભાજપના ઉમેદવારની રાતોરાત લોટરી લાગી ગઈ છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં ઉમેદવાર પસંદગી કરતી વેળાએ કોંગ્રેસે પોતાના ઉમેદવારો પાસે પક્ષ પલટો નહીં કરે તેવા સોગંદનામા લેવડાવ્યા હતા છતાં આજે મહિલા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું.

Leave a Reply

Translate »