‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ પાત્રો ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે, તેમાંય જેઠાલાલ તથા દયાભાભી ચાહકોને વધારે પસંદ છે. જોકે, દયાભાભી એટલે કે દિશા વાકાણી છેલ્લા ત્રણ વર્ષથી શોમાં જોવ મળતી નથી. એક યુઝરે સિરિયલના ડિરેક્ટર માલવ રાજડાને સો.મીડિયામાં નવાં દયાભાભીની ડિમાન્ડ કરી હતી.
શું કહ્યું ચાહકે?
માલવ રાજડાની એક પોસ્ટ પર યુઝરે કમેન્ટ કરી હતી, ‘પ્લીઝ નવી દયાને લાવો સર, આટલો સમય રાહ જોઈને કોઈ ફાયદો થશે નહીં, તમે જ વિચારો. બિચારા ચાહકો ક્યારના દયાની રાહ જોઈ રહ્યા છે.’
આ પોસ્ટના જવાબમાં માલવે શું કહ્યું?
આ પોસ્ટના જવાબમાં માલવે કહ્યું હતું, ‘હું વધારે બોલીશ તો નવો ડિરેક્ટર લઈ આવશે. મારા હાથમાં કંઈ જ નથી. હું તો માત્ર શોને ડિરેક્ટ કરું છું. હું એક્ટર્સ અંગેના અને બીજા ઘણાં બધા નિર્ણયો લેતો નથી અને લઈ શકું એમ પણ નથી, પરંતુ જે પણ થાય છે એ સારા માટે થાય છે.’
હાલમાં જ માલવે ટ્રોલર્સને જવાબ આપ્યો હતો
સો.મીડિયામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અંગે ફરિયાદ કરી હતી. યુઝર્સની ફરિયાદ હતી કે આ શો હવે પહેલાં જેવો રહ્યો નથી. સો.મીડિયામાં શો અંગેની વાતો સાંભળીને માલવે એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં સિરિયલ ચાહકોમાં કેટલી લોકપ્રિય છે, તે વાત હતી. પોસ્ટ પ્રમાણે, ‘યુ ટ્યૂબ પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને 45 બિલિયન વ્યૂ મળેલા છે. આ ટોટલ ‘મિસ્ટર બિસ્ટ’ તથા ‘પ્યૂડિપિ’ના ટોટલ વ્યૂ કરતાં પણ વધારે છે.
પ્રિયા-માલવે 2011માં લગ્ન કર્યાં હતાં
પ્રિયા તથા માલવ ‘તારક મહેતા..’ના સેટ પર એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. વર્ષ 2011માં બંનેએ લગ્ન કર્યાં હતાં. પ્રિયા શોમાં અવાર-નવાર જોવા મળતી હોય છે. ચાહકોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ઘણું જ લોકપ્રિય છે.
દિશા વાકાણી હજી પરત ફરી નથી
ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી એટલે કે દયાભાભીએ વર્ષ 2017માં ઓક્ટોબરમાં મેટરનિટી બ્રેક લીધો હતો. તેણે નવેમ્બરમાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. જોકે, હજી સુધી દિશા વાકાણી શોમાં પરત ફરી નથી.